ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો- શિક્ષણવિદોની ઉપસ્થિતમાં મુલાકાત કરી હતી.
વડાપ્રધાન શ્રી મોદીએ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અત્યાધુનિક મોનિટરીંગ રૂમમાંથી ગુજરાતભરના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, મુખ્ય શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણ ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ શ્રી વિનોદ રાવ, પી. એમ. પોષણ યોજનાના કમિશ્નર શ્રી એસ.એ.પટેલ, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ડૉ. એમ. આઇ. જોષી, જી.સી.ઈ.આર.ટીના પૂર્વ નિયામક શ્રી ટી.એસ.જોષી, સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. રતનચારણ ગઢવી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી એ. જે. શાહ, GIET ના નિયામક શ્રી ડૉ. પી. એ. જલુ, મધ્યાહન ભોજનના કમિશનર શ્રી સતિષ પટેલ, સહિતના ઉચ્ચ અધિકારીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત વિગતો વડાપ્રધાનશ્રીને આપી હતી. વડાપ્રધાનશ્રીએ એકમ કસોટીની ઉત્તરવહીનુ પણ રસપૂર્વક નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગના અદ્યતન ‘‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’’ની મુલાકાત લીધી હતી. જયાં તેમનું વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડની મધુર સુરાવલિ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારતીય પરંપરા મુજબ બાલિકાઓ દ્વારા કરવામાં આવેલા સ્વાગત બાદ વડાપ્રધાનશ્રીએ બાલિકાઓ ઉપર પુષ્પ વર્ષા કરી હતી. ત્યારબાદ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાના દેવતા એવા વેદ વ્યાસજીની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રદર્શન કક્ષ- ૧ની મુલાકાત લીધી હતી. જયાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે કરેલી નવી પહેલ વિવિધ છ કાર્યક્રમ વિશે માહિતી મેળવી હતી. જેમાં શાળા પ્રવેશોત્સવ ૨.૦, ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી, કેન્દ્રીયકૃત મુલ્યાંકન, ગુણોત્સવ ૨.૦, ટેકનોલોજી એનેબલ લર્નિગ ઇનિશિયેટિવ અને સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ અંગે વિસ્તૃત જાણકારી શિક્ષણ વિભાગના સચિવ શ્રી ર્ડા. વિનોદ રાવે આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ એક વિધાર્થીની એકમ કસોટીની પુસ્તિકાનું સ્વનિરીક્ષણ કર્યું હતું.
કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, ત્યારે વિધાર્થીઓ પાસે મોબાઇલની ઉપલબ્ધતા તેમજ ઇન્ટરનેટ કનેકટીવીટી સહિતના સાહજિક પ્રશ્નોની જાણકારી મેળવી હતી.શ્રી મોદીએ ગુણોત્સવ બાબતે વર્ગખંડમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની મૂલ્યાંકન પધ્ધતિ વિશે જાણકારી મેળવી હતી.
વડાપ્રધાનશ્રીએ પ્રદર્શન કક્ષ- ૨ની મુલાકાત લઇ રાજયના શિક્ષણ વિભાગ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષમાં વિધાર્થીઓને શિક્ષણની ગુણવત્તા માટે શરૂ કરવામાં આવનાર સીમાચિહ્નરૂપ કાર્યક્રમો વિશે જાણકારી મેળવી હતી.
વડાપ્રધાનશ્રીને વર્લ્ડ બેંક અને A.I.I.B. (એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક)ના સહયોગથી શરૂ કરવામાં આવનાર રૂા. ૧૦ હજાર કરોડના સ્માર્ટ પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ કાર્યક્રમ થકી રાજ્યની ર૦ હજાર જેટલી સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની કાયાપલટ કરી આ શાળાઓ ઉચ્ચત્તમ શિક્ષણ માટેની સ્માર્ટ કલાસ, Stem લેબ, કોમ્પ્યુટર લેબ, પ્લેગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મેળવી પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકશે. તે ઉપરાંત ઉત્તમ કક્ષાના નિવાસી શિક્ષણ માટે રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સલેન્સ કાર્યક્રમ હેઠળ દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓને ધો. ૬ થી ૧રનું શિક્ષણ વિનામૂલ્યે પુરૂં પાડવામાં આવશે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે, સંપૂર્ણ કાર્યક્રમ લોકભાગીદારીથી થશે, જેમાં પ્રોજેકટ પાર્ટનરે તમામ પ્રકારની સુવિધાઓ માટે મૂડીરોકાણ કરવાનું રહેશે. આ પ્રોજેકટ પાર્ટનરને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થી વાર્ષિક રૂા. ૬૦,૦૦૦/- આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સલામતી અને આંતરિક સલામતી જાણવા ઉત્સુક બની ભવિષ્યમાં સેના તથા બી.એસ.એફ. અને પોલીસ જેવા દળોનો ભાગ બનવાનો અભિગમ કેળવે તેવા હેતુથી સૈનિક શાળાઓ સમકક્ષ રક્ષાશક્તિ શાળાઓ શરૂ કરી વિદ્યાર્થીઓને ધો. ૬ થી ૧રનું નિવાસી શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે.
દેશની પ્રાચીન સંસ્કૃતિથી વિદ્યાર્થીઓ વાકેફ થાય અને સંસ્કૃત ભાષામાં નિપુણ બને એવા હેતુથી વિદ્યાર્થીઓને સંસ્કૃત માધ્યમમાં શિક્ષણ પુરૂં પાડવા સંસ્કૃત સાધના અને સંસ્કૃત શક્તિ જેવા બે મહત્વના કાર્યક્રમોની જાણકારી શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા વડાપ્રધાનશ્રીને આપવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાનશ્રીએ આ વિદ્યા સમીક્ષા કેન્દ્રના ચાવીરૂપ એવા વીડિયો વોલ રૂમની મુલાકાત લીધી હતી.
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના કાર્યક્રમમાં સમાવિષ્ટ થનાર તમામ શાળાઓનું મોનિટરિંગ વીડિયો વોલ-૧ દ્વારા કેવી રીતે કરવામાં આવે છે તેનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાનશ્રીએ વીડિયો વોલ-રની મુલાકાત લઇ ડેશ બોર્ડ ઉપર ઉપલબ્ધ માહિતીના આધારે કેવી રીતે શિક્ષકો, સુપરવિઝન સ્ટાફનું અસરકારક મોનિટરિંગ થાય છે તેમજ વિદ્યાર્થીઓ અને શાળા સંબંધિત ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બીગ ડેટા, એનાલિટીક્સના માધ્યમથી મીનિંગફૂલ એનાલિસિસ કરી તેનો શાળખાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે તેની ઊંડાણપૂર્વકની માહિતી મેળવી હતી.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ બનાસકાંઠા જિલ્લાના અંબાજી-જેતવાસ ખાતેની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ, શિક્ષકો તથા ગ્રામજનો સાથે ટુ વે સંવાદ સાધી શાળાના શિક્ષણ, વ્યવસ્થા અને સુવિધા તેમજ તેઓના ભાવિ ઘડતર અંગો રસપ્રદ પ્રશ્નોત્તરી કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ કચ્છ જિલ્લાના વાંકી પ્રાથમિક શાળાના એસ.એમ.સી.ના સભ્ય રાઠોડ ક્લ્પનાબેન સાથે વાત કરી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી બાળકોના શિક્ષણમાં કેટલો સુધારો આવ્યો તેની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ ધોરણ-૮ની વિદ્યાર્થીની પૂજાબા સાથે વાર્તાલાપ કરી અન્ય વિસ્તારમાંથી આવતા શિક્ષકો સ્થાનિક ભાષામાં શીખવી શકે છે કે કેમ તે બાબતની પૂચ્છા કરવાની સાથે સાથે વડાપ્રધાનશ્રીએ મુખ્ય શિક્ષક સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ વિદ્યાર્થીઓને શારીરિક રીતે સ્વસ્થ રાખવા શારીરિક શિક્ષણ, યોગા જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે કે કેમ તેની પૂછપરછ કરી હતી.
વડાપ્રધાનશ્રીએ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઊંટવડા ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સુશ્રી દર્શનાબહેન સાથે વાર્તાલાપ કરી કેટલા વિદ્યાર્થીઓ દીક્ષા પોર્ટલનો ઉપયોગ કરે છે એ બાબતની પણ પૃચ્છા કરી હતી.
આ અવસરે તેમની સાથે રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સાંસદ શ્રી સી.આર.પાટીલ, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તથા સચિવ શ્રી ર્ડા. વિનોદ રાવ જોડાયા હતા.