અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૪મો ‘ગૌરવવંતા ગુજરાતી’ એવોર્ડ સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતીઓ સમગ્ર વિશ્વભરમાં છવાયેલા છે, કોઈ ક્ષેત્ર એવું નહીં હોય જ્યાં ગુજરાતીઓ અવ્વલ નહીં હોય. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ફિલ્મ અને ટૂરિઝમ ક્ષેત્રમાં ગુજરાત આજે નવી ઊંચાઈઓ પર આંબી રહ્યું છે. આજે ગુજરાતમાં અનેક પ્રવાસન સ્થળો પર વિકાસ થઈ રહ્યો છે. સાથે સાથે ગુજરાતના પ્રાકૃતિક સ્થળો પણ આહલાદક છે. જેના કારણે ગુજરાત આજે ઓલ રાઉન્ડ ટૂરિઝમ ક્ષેત્ર બન્યું છે.
મુખ્યમંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત આજે ફિલ્મ જગત માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની દિશામાં આગળ વધીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મ અને પ્રવાસનના ક્ષેત્રમાં આપણે વધુ ઊંચાઈ પર પહોંચીએ તેવી રાજય સરકારની નેમ છે, અને વધુમાં વધુ ફિલ્મોનું નિર્માણ થાય તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. અંતમાં તેમણે કહ્યું કે, આજે આપણે સૌ સાથે મળીને ગુજરાતની ગૌરવયાત્રા માં જોડાઈએ.
આ પ્રસંગે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ અને અભિનેત્રી તારા સુતરિયા ઉપરાંત ગુજરાતી ફિલ્મના નામાંકિત અભિનેતાઓ, અભિનેત્રીઓ, ગાયક કલાકારો તથા કલાજગત સાથે જોડાયેલા ખ્યાતનામ લોકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.