પારકી જમીનો પર પેશકદમી અને મિલ્કતો હડપ કરનારાઓ સામે કસાશે કાયદાનો શિકંજો રાજકોટ , તા . 22 રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં આગામી તા . 26 ને મંગળવારનાં રોજ કલેક્ટર અરુણ મહેશ બાબુનાં અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબીંગની ખાસ બેઠક આયોજીત કરવામાં આવેલ છે . જેમાં અંદાજે 20 જેટલાં કેસોની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે . જેમાં પારકી જમીનો પર પેશકદમી અને મિલ્કતો હડપ કરનારાઓ સામે કાયદાનો શિકંજો કસવામાં આવશે . રાજકોટ શહેર – જિલ્લામાં સરકારી અને ખાનગી જમીનો પર પેશકદમીનો સીલસીલો સતત શરુ રહેવા પામેલ છે . રાજ્યમાં પણ માથાભારે તત્વોએ કાંડાના જોરે પેશકદમીનો આ ગેરકાનૂની સીલસીલો જારી રાખ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ પ્રવૃતિઓ પર રોક લાગે અને આસામીઓને ન્યાય મળે તે માટે ખાસ લેન્ડ ગ્રેબીંગનો કાયદો અમલી બનાવેલ છે . જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં ખાસ અલગથી લેન્ડ ગ્રેબીંગ સેલ પણ કાર્યરત કરી દેવામાં આવેલ છે . જિલ્લા કલેક્ટર કચેરીનાં આ લેન્ડ ગ્રેબીંગ સેલ દ્વારા અરજદારોની રુબરુ તેમજ ઓનલાઇન અરજીઓ પણ સ્વીકારવામાં આવી રહી છે . છેલ્લા કેટલાક સમયથી દબાણકારોએ ઉપાડો લીધો હોય જિલ્લામાંથી વધુને વધુ લેન્ડ ગ્રેબીંગની અરજીઓ કલેક્ટર કચેરીમાં આવી રહી છે . આગામી મંગળવારને તા . 26 મીએ લાંબા સમય બાદ કલેક્ટર કચેરીમાં ફરી આ લેન્ડ ગ્રેબીંગની બેઠક આયોજીત કરવામાં આવી છે . જેમાં જિલ્લા પોલીસ વડા , પ્રાંત અધિકારીઓ , મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે . સુત્રોએ જણાવ્યું હતું કે , મંગળવારે યોજાનાર આ બેઠકમાં અંદાજે 20 કેસો હીયરીંગ માટે મુકવામાં આવનાર છે . જેમાં બંને પક્ષોનાં નિવેદનો લઇ હીયરીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે .