એપ્રિલ માસથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં અત્યારથી જ પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. એક બાજુ લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ તાલુકાના સૌથી મોટા સાવલી તળાવના તળિયા દેખાઈ જતાં જળસંકટ ઘેરૂ બન્યું છે. પ્રસ્તુત ડ્રોન તસવીરમાં સુકુભઠ્ઠ તળાવ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી રહ્યું છે. કપડવંજથી ડાકોર રોડ પર નવ કિલોમીટર દૂર સાવલી તળાવ આવેલું છે. ગુજરાતમાં સંવત 1956 ઈ.સ. 1902માં છપ્પનિયો દુષ્કાળ પડ્યો હતો. આ ભયંકર દુષ્કાળમાં આમ જનતાને રોજીરોટી મળે તેવા શુભ હેતુથી “દુષ્કાળ રાહત’ માટે આ તળાવ બાંધવામાં આવ્યું હતું. તે સમયે તેનો ખર્ચ રૂ.2.32 લાખ સરકારે મંજૂર કર્યો હતો. આ બંધની લંબાઈ 7550 ફૂટ છે અને પહોળાઈ મથાળે 10 ફૂટ છે. તળાવમાં પાણીની સંગ્રહ ક્ષમતા 172 મિલિયન ક્યુબિક છે. આ તળાવથી ભાદરવાના મુવાડા, વિશ્વનાથપુરા, સાવલી, ભાથીજીના મુવાડા, દહીયપ, દુજેવાર, નવાપુરા સહિત આસપાસના 10થી વધુ ગામોને સિંચાઈ તેમજ પીવાનું પાણી મળી રહે છે. પરંતુ આ વર્ષે ઉનાળાના પ્રારંભે જ તળાવના તળિયા દેખાતા આ 10 ગામમાં વસતા 8 હજાર સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. છપ્પનિયા દુકાળ સમયે બન્યું હતું તળાવ સંવત 1956 ઈસ. 1902માં તળાવ બાંધવાનું શરૂ થયું ઇસ.1910માં તળાવનું કામ પૂર્ણ થતાં લોકાર્પણ લંબાઈ 7550 ફૂટ, ઉંડાઈ મથાળે 10 ફૂટ પાણી સંગ્રહ ક્ષમતા 172 મિલિયન ક્યુબિક 21 ફૂટ પહોળો અને 11.50 ફૂટ ઉંચો પાળો પાણીના આવરણનો વિસ્તાર 11 ચોરસ માઇલ