કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે છત્તીસગઢના આકાંક્ષી જિલ્લો દંતેવાડામાં બે દિવસના રોકાણ દરમિયાન જનતામાં નવી આશાનો સંચાર કર્યો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત દેશના કૂલ ૧૧૭ જિલ્લાઓમાં માનવ વિકાસને અસર કરતી વિવિધ બાબતોમાં દેશના અન્ય રાજ્યો અને જિલ્લાઓ સાથે મુખ્ય પ્રવાહમાં જોડાઈ અને આ જિલ્લાઓમાં કેન્દ્રીય યોજનાઓના અમલીકરણ ઉપર વિશેષ ધ્યાન આપવાના હેતુસર “એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ (આકાંક્ષી જિલ્લો)” તરીકે જાહેર કરેલ છે.
કેન્દ્ર સરકારના નીતિ આયોગે દંતેવાડાને વિશેષ આકાંક્ષી – અપેક્ષિત જિલ્લા તરીકે જાહેર કર્યો છે, અને તેના પગલે ત્યાંના વહીવટી તંત્ર દ્વારા કાર્યાન્વિત થઇ રહેલી કેન્દ્રની વિવિધ યોજનાઓની કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે સમીક્ષા કરી હતી અને તે યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસા કરી હતી. દંતેવાડા જિલ્લાના કૂલ ૩૫૦૦૦થી વધુ ખેડૂતોને ૩૦ જૂન સુધીમાં રજિસ્ટ્રેશન પૂર્ણ કરી કિસાન સન્માન નિધિનો લાભ પહોંચાડવા શ્રી દેવુસિંહ ચૌહાણે તંત્રને સૂચના આપેલ હતી તથા વધુમાં હાલમાં દંતેવાડા જિલ્લાના આયુષમાન કાર્ડથી વંચિત ૧ લાખ ૩૦ હજાર લભાર્થીઓનો પણ લક્ષ્યાંક ૩૦ જૂન સુધીમાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોચે તે હેતુસર ઉજવવામાં આવી રહેલા સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત આયોજિત સફાઈ કર્મી સન્માન કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી જેમાં મંત્રીશ્રી દ્વારા ૨૫ મહિલા સફાઇ કર્મીઓને તેમના ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
દંતેવાડાના પ્રવાસ દરમ્યાન દેવુસિંહ ચૌહાણે સ્થાનિક સ્વ- સહાય જૂથો (SHG) અને એન.જી.ઓ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્થાનિક આદિવાસી મહિલાઓ સાથે મુલાકાત કરીને તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ વિષે માહિતી મેળવી તેમણે પ્રોત્સાહન આપ્યું હતું.
નીતિ આયોગ દ્વારા છત્તીસગઢના દંતેવાડા જિલ્લાને વિશેષ જિલ્લા તરીકે જાહેરાત કર્યા પછીના વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા અર્થે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે દાંતેવાડામાં શક્તિપીઠ દંતેશ્વરી મંદિરે દર્શન કર્યા હતા તથા અન્ય દર્શનીય સ્થળોની વિશેષતા આધારિત પોસ્ટલ કવર અને પોસ્ટકાર્ડનું વિમોચન પણ કર્યું હતું. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા દંતેવાડા જિલ્લાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે, એવો સંદેશો પણ આપ્યો હતો.
છત્તીસગઢના પાટનગર રાયપુર ખાતે રાજ્યના ટેલિકોમ અને પોસ્ટના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજેલ હતી જેમાં કેન્દ્ર સરકારના ૧૨૦૦ કરોડથી વધુના ખર્ચે રાજ્યમાં નાખવામાં આવી રહેલા ૧૫૦૦ જેટલા મોબાઈલ ટાવરોના કામની સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે દંતેવાડા જિલ્લામાં ૫૧ કરોડના ખર્ચે કૂલ ૫૮ નવા મોબાઈલ ટાવર લગાવી આકાંક્ષી જિલ્લાના છેવાડાનાં દરેક ગામ સુધી મોબાઇલ કનેકટીવીટી પહોંચતી કરવા, જિલ્લાની પોસ્ટ ઓફિસમાં સ્ટાફ ની અછત દૂર કરવા, અદ્યતન પોસ્ટ ઓફિસ ભવનનું નિર્માણ કરવા સહિતના વિકાસ કાર્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા આવશ્યક નાણા ભંડોળની કોઈ કમી નહિ રહે એવી પણ જાહેરાત કરી હતી.