ચરોતરની જીવાદોરી સમાન કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે.મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાંથી લાખો કયુસેક પાણી અન્ય જીલ્લામાં સિંચાઈ માટે છોડાતાં પાણીની સપાટી ઝડપથી ઘટી ગઇ છે. એક જ મહિનામાં ડેમમાં પાણીની સપાટીમાં સાત ફુટનો ધરખમ ઘટાડો નોંધાતા આગામી સમયમાં સમસ્યાના એંધાણ દેખાય રહ્યા છે. રવિવાર સવાર સુધીમાં ડેમમાં પાણીની સપાટી 397 ફુટ હતી. જોકે, ગત વરસે એપ્રિલમાં 403 ફૂટ 9 ઇંચ સપાટી હતી. આમ ગત વરસ કરતાં ઓછું પાણી હોવાના કારણે સિંચાઇ અને પીવાના પાણી પર કાપ મુકવો પડે તેવી સ્થિતિ જણાઈ રહી છે. કડાણા ડેમમાં પાણીની સપાટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ડેમમાં પાણીનો જથ્થો હાલ 52 ટકા બચતા આવનારા દિવસોમાં મહિસાગર, પંચમહાલ, દાહોદ જીલ્લામાં પીવાનાં પાણીની અને આણંદ, ખેડા જિલ્લા તથા સંતરામપુર, કડાણા, લુણાવાડા તાલુકામાં સિંચાઈના પાણીની ગંભીર સમસયા ઉદ્દભવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે. કડાણા બંધમાં હાલ પાણીની આવક માત્રને માત્ર 1540 કયુસેક છે અને ડેમમાંથી પાણીની જાવક 570 કયુસેક છે. કડાણા બંધમાંથી ડાબા કાંઠાની નહેરમાં 310 કયુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં 30 કયુસેક પાણી જમણાં કાંઠા નહેરમાં અને 50 કયુસેક પાણી દાહોદ પાઈપલાઈન માટે 180 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે બંધમાં હાલ માત્ર 52 ટકા જ પાણીનો જથ્થો છે. આથી આ ડેમનું પાણી અન્ય જીલ્લાઓને સિંચાઈ માટે આપવાનું અગાઉની જેમ ચાલુ રખાશે, તો કડાણા બંધમાં પાણીની સપાટી ધટતી જશે અને ડેમમાંથી મહીસાગર, પંચમહાલ, દાહોદ જીલ્લા અપાતાં પીવાનાં પાણી માટે પણ ગંભીર સમસ્યા ઉદ્દભવે તેવી શકયતાઓ જોવાય છે. કડાણા ડેમમાં પાણીનું જરૂરી લેવલ નહીં જળવાય તો કડાણા જુથ પાણી પુરવઠા યોજનામાં સમાવિષ્ટ મહિસાગર, પંચમહાલ, સંતરામપુર, કડાણા, લુણાવાડા તાલુકાના અંદાજીત 156 જેટલાં ગામોને પીવાનું શુદ્ધ પાણી ન મળે તેવી ગંભીર સમસયા ઉદભવવાની શકયતાઓ છે.કડાણા ડેમમાંથી માર્ચ 2022માં 90,000 કયુસેક પાણી નડિયાદ મહી સિંચાઈને અને 24,000 કયુસેક પાણી સુજલામ સુફલામ યોજનામાં છોડાવામાં આવ્યું છે. મહિસાગર, પંચમહાલ, દાહોદના લોકોને પીવાનાં પાણીની યોજના હેઠળ ડેમનું પાણી યોજનામાં સમાવિષ્ટ ગામોને અપાય છે. સંતરામપુર, કડાણા, લુણાવાડા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે અપાય છે. ઉનાળાની શરુઆતથી જ ડેમમાં પાણીની સપાટી ઘટતા આગામી સમયમાં ખેતી માટેના પાણીની અને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્દભવે તેવી શકયતાઓ જોવાય છે. આ વિસ્તારની જનતા અને ખેડૂતોની સ્થિતિ ઘરના છોરાં ઘંટી ચાટે અને અન્ય જીલ્લાને લાભ મળે તેવી સ્થિતિ જોવા મળે છે. કડાણા ડેમમાં ગત વર્ષ કરતાં ઓછું પાણી સંગ્રહ થયું કડાણા ડેમમાં માર્ચ 2021માં પાણીની સપાટી 406 ફુટ 10 ઈંચ હતી અને એપ્રિલ 2021માં 403 ફુટ. 9 ઈંચ હતી. જ્યારે જુન 2021માં કડાણા ડેમમાં પાણીની સપાટી 397.2 ફુટ હતી. આ વરસે 17 એપ્રિલ 2022ના રોજ કડાણા ડેમમાં પાણીની સપાટી 397 ફૂટ હતી અને માર્ચ 2022 માં કડાણા ડેમમાં પાણીની સપાટી 404 ફુટ 3 ઇંચ હતી. આમ કડાણા બંધમાં પાણી ની સપાટીમાં સાત ફુટ નો ધટાડો થયેલ છે. ચરોતરને સિંચાઇ અને સૌરાષ્ટ્રને પીવા માટે પાણીનો જથ્થો ઘટે તેવો ભય આણંદ – ખેડા જિલ્લામાંથી પસાર થતી મહી નદી આધારિત કેનાલના પગલે વર્ષમાં ત્રણ વખત પાક લેવામાં આવે છે. આ ઉપરાંત નહેર વાટે કનેવાલ અને પરિયેજ તળાવ ભરવામાં આવે છે, જે પાણી સૌરાષ્ટ્ર સુધી પીવા માટે પહોંચાડવામાં આવે છે. કડાણા ડેમમાં સતત ઘટી રહેલા પાણીના જથ્થાના કારણે ગમે ત્યારે પાણી કાપ મુકવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રને પણ પીવા માટે પાણીનો જથ્થો ઓછો મળે તેવો ભય ઉભો થયો છે.