સંઘર્ષનું વિજ્ઞાન ~ શિલ્પા શાહ

જીવનમાં ડગલેને પગલે મને વ્યક્તિગત જીવન કે વ્યાવસાયિક જીવન અંતર્ગત સંઘર્ષ અને ઘર્ષણનો અનુભવ થતો રહ્યો છે. ક્યારેક તો થાય કે ક્યાં સુધી હું પરિસ્થિતિ સાથે લડ્યા જ કરીશ? શું મૃત્યુપર્યંત આ જ રીતે અસત્ય અન્યાય અને અનૈતિકતા સામે લડ્યા કરવું મારું કિસ્મત છે? સત્ય અને ન્યાય માટેની લડતમાં સામાન્ય રીતે સાથ પણ કોઈ આપતું હોતું નથી. લડનારની હિંમતના વખાણ બધા જ કરે છે, જે અયોગ્ય વ્યક્તિ સામે આપણે લડીએ છીએ તેના સિવાયના દરેક લોકોને આપણે સાચા અને યોગ્ય લાગીએ છીએ. પરંતુ કમનસીબે સૈદ્ધાંતિક લડત અન્વયે વિરોધી પક્ષ બદલાતો રહે છે. એ દ્રષ્ટિએ જે વ્યક્તિ સત્યવાદી કે નૈતિક છે તેના માટે સતત લડતા રહેવું કે સંઘર્ષ કરતા રહેવું એ કિસ્મત બની જાય છે. આ રીતે ધીરે-ધીરે જેની જેની સામે તમારે સૈદ્ધાંતિક બાબતમાં લડત આપવી પડે તેવા અનેક દુશ્મનોની સંખ્યા વધતી જાય છે. ઉપરાંત એ સમજવાની સમજણ લગભગ કોઈનામાં હોતી નથી કે આ કોઈ અંગત અદાવત કે દુશ્મની નથી માત્ર સિદ્ધાંતોની લડત છે.

સિદ્ધાંતો કોઈ પણ યુગમાં બદલાઈ ન શકે. પરંતુ પોતાના અંગત સ્વાર્થમાં સિદ્ધાંતોને નેવે મુકનાર સાથેની લડત એક સત્યવાદી અને નૈતિક વ્યક્તિ માટે દૈનિક જીવન બની જતું હોય છે. ક્યારેક એક સામાજીક પ્રાણી તરીકે (એટલે કે મનુષ્ય તરીકે) એનાથી કંટાળો પણ આવતો હોય છે, થાક લાગે છે. એમ થાય છે કે શું આખી જિંદગી આ જ કાર્ય કર્યા કરવાનું છે? મારા જેવો અનુભવ કદાચ આપ સૌનો ઓછા-વત્તા ધોરણે હશે જ કેમ કે કળિયુગમાં અનૈતિકતા અસત્ય અજ્ઞાન અન્યાયની માત્રા અને તીવ્રતા ખૂબ વધી છે. કમનસીબી એ છે કે દરેક વ્યક્તિ પોતાને સાચી અને અન્યને ખોટી સમજે છે. દરેકને અન્યના દોષ દેખાય છે પરંતુ પોતાની નબળાઈ કે દુર્ગુણો ક્યારેય દેખાતા નથી. ગમે તેટલી ઉત્તમ કક્ષાની નૈતિક પ્રમાણિક સત્યનિષ્ઠ વ્યક્તિ પણ ક્યારેક સતત અવિરત સંઘર્ષથી થાકી જાય છે, હારી જાય છે, કંટાળી જાય છે અને ત્યાંથી જ સમગ્ર સમાજના પતનની શરૂઆત થાય છે. જો સંઘર્ષ ઘર્ષણ કે નૈતિક લડતથી ન થાકીએ, ન હારીએ, ન કંટાળીએ અને મજબૂત મનોબળ સાથે તેનો ખાત્મો કરવાનો જુસ્સો અકબંધ રાખીએ તો જીવનમાં તમને કોઇ હરાવી શકે નહીં. દ્રઢ મનોબળ અને ઉત્સાહ સાથે અન્યાય અસત્ય શોષણ અને અનૈતિકતાને ખતમ અવશ્ય કરી શકાય.

આ સાથે દરેકે એ વાત પણ સમજવા જેવી ખરી કે કોઈ એક વ્યક્તિ જો અસત્ય અન્યાય કે અનૈતિકતા સામે સંઘર્ષ કરતી હોય, લડતી હોય તો દરેકે તેને પોતાનાથી બનતી સહાય અવશ્ય કરવી જોઈએ. તો જ તમારી લડત વખતે અન્યની સહાય મળી શકે. પરંતુ આપણે અતિશય સ્વાર્થવૃત્તિમાં અન્યને સહાય કરવા કદાપિ તૈયાર હોતા નથી અને આપણે શું? “એનું એ લડે” એ નાતે ચૂપ રહીએ છીએ. આ રીતે જ સમાજમાં શોષણ ગુનાખોરી અને અનૈતિકતા અસત્ય વધતું જાય છે. તેમ છતાં ગભરાવવાની જરૂર નથી કેમકે સંઘર્ષનું વિજ્ઞાન ખરેખર સમજવા જેવું છે.
સંઘર્ષ પાછળ મૂળભૂત કારણ બે વિરોધી તત્વોનું અસ્તિત્વ છે. પરંતુ એ તો સર્વવિદિત છે કે જો બે વિરોધી તત્વોનું અસ્તિત્વ ન હોય તો સમગ્ર બ્રહ્માંડનું સમતુલન જોખમાય છે. આપણે જાણીએ છીએ કે સૂર્ય પૃથ્વીને પોતાની તરફ ખેંચે છે અને પૃથ્વી તેનાથી દૂર જવા પ્રયત્ન કરે છે, આવા આકર્ષણ અને અપાકર્ષણની પ્રક્રિયાને કારણે જ સમગ્ર બ્રહ્માંડનું સંતુલન બની રહે છે. એ જ રીતે યોગ્ય-અયોગ્ય, સચ-જૂઠ, ન્યાય-અન્યાય, નૈતિકતા-અનૈતિકતા વગેરે વિરોધી તત્વોને કારણે જ જીવનમાં સંઘર્ષ છે, ઘર્ષણ છે. પરંતુ તે અનિવાર્ય છે કેમ કે આવા ઘર્ષણ અને સંઘર્ષથી જીવન નિખરે છે, સમજણ વધે છે અને જીત વધુ મહાન બને છે. મહાન સંશોધક અને વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાનું માનવું છે કે પ્રત્યેક જીવિત પ્રાણી એક એવા એન્જિન જેવું છે જે બ્રહ્માંડમાં પૈડાંને આગળ વધારવા માટે તૈયાર કરાયું છે. ટૂંકમાં વિરોધી તત્વોને કારણે થતો સંઘર્ષ કે ઘર્ષણ પ્રગતિની નિશાની છે અને પ્રગતિ હંમેશા આવકાર્ય છે.

સાચી પ્રગતિ જ દરેક સમાજ કે માનવજીવનનો એકમાત્ર અંતિમ ઉદ્દેશ છે. જેના માટે સતત અવિરત સંઘર્ષ કરતા રહેવું અનિવાર્ય છે. વાસ્તવમાં લાખો અલગ અલગ વ્યક્તિ અને તેમના અલગ અલગ ચરિત્ર એક સંપૂર્ણ એકમનું નિર્માણ કરે છે. જે તમામ વિચારવા અને કાર્ય કરવા માટે સ્વતંત્ર છે અને દરેકની સ્વતંત્રતા દરેકનું અલગ ચરિત્ર અલગ સ્વભાવ એક સંપૂર્ણ એકમનું નિર્માણ કરે છે. આમ વિભિન્નતા દ્વારા જ સંપૂર્ણ બનાય છે. સંઘર્ષ દ્વારા જ પૂર્ણતાને પામી શકાય છે. જેથી જીવનના સંઘર્ષથી કદાપિ ગભરાવું નહીં. આપણે સૌ એકબીજા સાથે સંકળાયેલા છીએ. ઘણા જોડાણને આપણે જોઈ શકતા નથી પરંતુ અનુભવી શકીએ છીએ જેમ આપણી કોઈ આંગળી પર બચકું ભરે તો દર્દ થાય છે, તેવી જ રીતે આપણાં ઇજાગ્રસ્ત સંબંધીને જોઈને પણ આપણને દુઃખ થાય છે. આંગળી શરીરનો એક ભાગ હોવાથી આપણને તેની ઇજાથી દુખ થાય છે તેમ જ સંબંધી પણ આપણી સાથે જોડાયેલ હોવાથી દુઃખ થાય છે. ટૂંકમાં જોડાણ જ દુઃખનું અને સંઘર્ષનું કારણ છે. જેથી એ માટે હરહંમેશ તૈયાર રહેવા સિવાય આપણી પાસે અન્ય કોઇ વિકલ્પ નથી. એ દ્રષ્ટિએ સંઘર્ષથી ગભરાવવું આપણને પોષાય નહીં.

સંઘર્ષનું એક અન્ય વિજ્ઞાન પણ સમજવા જેવું છે કે જ્યારે જ્યારે કોઈ સારી બાબતને દબાવી દેવામાં આવે છે, ખતમ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે તે વધુ શક્તિશાળી બનીને ઉભરે છે. જેમ ભૂતકાળમાં સ્ત્રીઓની શક્તિને દબાવી દેવામાં આવતી તો આજે તે વધુ શક્તિશાળી બની ઉભરી છે. ભૂતકાળમાં દલિતો પર અન્યાય વિશેષ થતા તો આજે તેવો વધુ શક્તિશાળી બની સામે આવ્યા છે. આમ સંઘર્ષ દ્વારા પ્રભુ આપણામાં રહેલી શક્તિને બહાર લાવવા માંગે છે, ખીલવવા માંગે છે એ જો સમજાય જાય તો જીવનમાથી સંઘર્ષ કે ઘર્ષણ અંગેની ફરિયાદ વિદાય આવશ્ય લઈ લે. ટૂંકમાં સંઘર્ષ પ્રગતિનું કારક છે, ખૂબ કલ્યાણકારી છે જેથી શક્ય એટલી વધુ ઊંડી સમજણ સાથે અન્યાય અનૈતિકતા અસત્ય સામે લડતા રહેવું જોઈએ, કદી ગભરાવું કે થાકવું ન જોઈએ. અને જો બીજું કઈ ખાસ ન થઈ શકે તો કમ-સે-કમ અન્યાય અસત્ય અને અનૈતિકતા સામે લડતા લોકોને શક્ય એટલી વધુ સહાય અવશ્ય પૂરી પાડવી જોઈએ. આપણા ત્યાં દાન અંગે એવું કહેવાય છે કે “ફૂલ નહીં તો ફૂલની પાંખડી” એ અનુસાર શક્ય એટલી મદદ અન્યાય સામે લડતા લોકોને થવી જોઈએ.

યાદ રાખો સંઘર્ષ દ્વારા મેળવેલો વિજય વધુ મહાન અને યાદગાર બની જાય છે. વાસ્તવમાં ઈશ્વર આપણા દરેક વિજયને મહાન અને યાદગાર બનાવવા ઈચ્છે છે જેથી જીવનમાં તે આપણને સતત સંઘર્ષરૂપી ભેટ આપતો રહે છે. પરંતુ એ ભેટના યથાર્થ મૂલ્યને આપણે સમજી ન શકતા ઈશ્વરને દોષ દઈએ છીએ અથવા જીવનને દોષ દઈએ છીએ કે આ તે કેવું જીવન ઈશ્વરે આપણને આપ્યું છે. પરંતુ સચ્ચાઈ માટેનો સંઘર્ષ એ તો પરમાત્માની આપણા પર કૃપા છે. વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર સંશોધન આપણા રચનાત્મક મગજનું સૌથી મહત્વનું ઉત્પાદન છે, જે સંઘર્ષને આભારી છે. દરેક સંશોધનો પાછળની અનેક નિષ્ફળતા એક વિકલ્પ છે. જો સંશોધન નિષ્ફળ નથી જતું તો તે વધુ ઇનોવેટિવ પણ બની શકતું નથી. નિષ્ફળતા અને સંઘર્ષ એક સિક્કાની બે બાજુ છે. જીવનમાં નિષ્ફળતા છે એટલે સંઘર્ષ છે અને સંઘર્ષ છે એટલે પ્રગતિ છે. દરેક નિષ્ફળતા જીવનમાં વધુ સંઘર્ષની શક્તિ પ્રદાન કરે છે. કંઈક ઉત્તમ કરી બતાવવાની તમન્ના જગાડે છે. જે જ્વલંત વિજયની ખાતરી આપે છે. આમ સંઘર્ષનું યથાર્થ વિજ્ઞાન જો સમજાય તો અવશ્ય જીવનની તમામ ફરિયાદો દૂર થઈ જાય.

મને મારા જીવનમાં શરુવતથી જ એક અફસોસ અવિરત રહેતો કે મારા જીવનમાંથી સંઘર્ષ ક્યારેય જતો જ નથી. મને જીવનમાં કોઈ વસ્તુ અતિશય તકલીફ કે અવિરત સંઘર્ષ વગર સરળતાથી મળતી જ નથી. પરંતુ હવે જ્યારે મને સંઘર્ષનું વિજ્ઞાન સમજાઈ ગયું છે ત્યારે તમામ પ્રકારના ઘર્ષણ અને સંઘર્ષને હું એન્જોય કરું છું. આપ સૌ પણ આપના દૈનિક સંઘર્ષ કે ઘર્ષણયુક્ત યાત્રાને સાચી સમજણ દ્વારા એન્જોય કરી શકો છો. પરંતુ હંમેશા યાદ રાખજો કે આપણો સંઘર્ષ કે ઘર્ષણ અસત્ય, અનૈતિકતા અને અન્યાય સામેનો હોવો જોઈએ. સ્વાર્થી સંઘર્ષ કે ઘર્ષણ કદાપિ નહીં. જો સંઘર્ષ નૈતિક હશે તો પરમ કૃપાળુ પરમાત્માની સહાય અવશ્ય મળશે એવો મારો અંગત અનુભવ અને વિશ્વાસ.છે. નિષ્ફળતા એ બીજું કાંઈ નહીં સંઘર્ષની શરૂઆત છે અને સંઘર્ષ એ સફળતાની શરૂઆત છે.

ઘર્ષણ શક્તિસર્જનનું કારક છે એ તો આપણે સૌ જાણીએ છીએ. આપણો અનુભવ છે કે બે પથ્થર વચ્ચે ઘર્ષણ થતા અગ્નિરૂપી ઉર્જાશક્તિનું સર્જન થાય છે અને એ ઉર્જા કે શક્તિ જીવનનું પ્રતીક છે. ઉર્જા કે શક્તિની ગેરહાજરી એ મૃત્યુ સમાન છે. આમ જીવનના અસ્તિત્વ માટે ઘર્ષણ કે સંઘર્ષ આવશ્યક છે. સામાન્ય રીતે સંઘર્ષ કે ઘર્ષણ એટલે થાય છે કે બે વ્યક્તિના સત્યો જુદા હોય છે. દરેક પોતાના સત્યને સનાતન સત્ય સમજે છે. પરંતુ સંઘર્ષ કે ઘર્ષણના અંતે હંમેશા વાસ્તવિક સત્યની જીત થતી હોય છે અને સ્વાર્થી સત્યની હાર. આ જ જીવનનું તત્વજ્ઞાન છે જે સંઘર્ષરૂપી બાજી રમીને જ સમજી શકાય છે. વળી આજનું અસત્ય કાલનું સત્ય બની પણ શકે છે જેથી નિષ્ફળતા મળે તો પણ લડતા રહેવું જોઈએ અને પોતાના સત્યને પામીને જંપવું જોઈએ. પરંતુ એ સાથે એવી સમજણ અવશ્ય કેળવવી કે લડાઈમાં જીત જેની થાય તેની સાથે પરમાત્મા છે જેથી જીતનાર પ્રતિ દ્વેષ ન રાખતા, તેના પર પણ સદભાવ રાખવો.

 

~ શિલ્પા શાહ, પ્રોફેસર HKBBA કોલેજ