રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા ગરીબ અને પછાત વર્ગના બાળકો પણ શાળામાં પ્રવેશ મેળવી શકે તે માટે રાઈટ ટૂ એજ્યુકેશન (RTE Admission 2022) અંતર્ગત અરજીઓ મગાવવામાં આવે છે. ત્યારે આ વખતે સમગ્ર રાજ્યમાં 30 માર્ચથી 11 એપ્રિલ સુધી RTE પ્રવેશ પ્રક્રિયા ચાલી હતી. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાંથી કુલ 2,23,233 અરજીઓ શિક્ષણ વિભાગને મળી છે જોકે, RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે શહેરી વિસ્તારમાં વાલીઓની આવકની મર્યાદા 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ આવક નક્કી કરવામાં આવી છે
શહેર અરજી
અમદાવાદ 42,152
વડોદરા 10,641
સુરત 30,205
રાજકોટ 15,873
જામનગર 5,150
ભાવનગર 5,164
ગાંધીનગર 1,325
15,382 ફોર્મ રિજેક્ટ, હવે 17 થી 19 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે – RTE અંતર્ગત (RTE Admission 2022) રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને અત્યાર સુધીમાં કુલ 2,23,223 ફોર્મ મળ્યા છે, જે અંતર્ગત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 15,382 જેટલા ફોર્મ રિજેક્ટ કર્યા છે. આમ, અધૂરા દસ્તાવેજ અને ખોટી માહિતીના કારણે ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે, પરંતુ વાલીઓ આ રિજેક્ટ થયેલા ફોર્મને 17થી 19 એપ્રિલ સુધી ફરી ભરી શકશે. આ રીતે સરકારે વાલીઓને વધુ 3 દિવસનો સમય આપ્યો છે.
26 એપ્રિલે જાહેર થશે પ્રથમ રાઉન્ડ – RTE અંતર્ગત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે 26 એપ્રિલે RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડની જાહેરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવશે. આમ, ધોરણ એકમાં પ્રવેશ મેળવવા RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડની જાહેરાત 26 એપ્રિલે રોજ કરાશે.ગયા વર્ષે 1,81,108 અરજી મળી હતી – ગયા વર્ષની વાત કરીએ તો રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગત વર્ષે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની કુલ 1,81,108 ઓનલાઈન અરજી મળી હતી. જ્યારે વર્ષ 2020માં 2,04,420 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાં ફક્ત 1,19,697 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.