ભગવાન શ્રીરામના પરમ ભક્ત અને પવનપુત્ર હનુમાજીના જન્મોત્સવની પોરબંદરમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે શનિવાર અને હનુમાનજીના જન્મોત્સવનો અનોખો સંયોગ હોવાથી શ્રદ્ધાળુઓમાં અનન્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. છાંયાના કિષ્નાપાર્ક વિસ્તારમાં સ્વ. અજયભાઇ ઓડેદરાએ ર૦ર૦ના રોજ ર૩ ફુટ ઉંચી હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરી હતી. અહીં પણ શ્રદ્ધાળુઓએ વિરાટ હનુમાનજીની પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. પોરબંદર શહેરમાં સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હનુમાનજીના મંદિર ખાતે પૂજા-અર્ચના અને આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તો શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સુદામાચોક નજીક આવેલા બાલા હનુમાન મંદિર ખાતે વંદનાનો ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલા હનુમાન મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આજે સવારના ૭ કલાકે મહાઆરતીના કાર્યક્રમ દરમિયાન જાણીતા ભજનીક અશોક ભાયાણીએ ધૂન બોલાવી શ્રદ્ધાળુઓને ભક્તિસાગરમાં લીન કરી દીધા હતા. આ સાથે મહા રક્તદાન કેમ્પનું આયોજન વી. જે. મદ્રેસા સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ રક્તદાનનો પ્રારંભ હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ થયો હતો. આજે શનિવારે બપોરના ૧ર વાગ્યા સુધીમાં ૧૫૦૦ બોટલ રક્ત એકત્ર થયું હતું. તો સાંજના ૭-૩૦ કલાકે અઢીલાખ લાડુના તૈયાર કરેલા પ૦ હજાર બોક્સની પ્રસાદીના વિતરણનો કાર્યક્રમ યોજાશે. તેમજ રાત્રીના ૯ કલાકે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. પોરબંદરના બાયપાસ રોડ પર આવેલા રાજાશાહી વખતના રોકડિયા હનુમાન મંદિર ખાતે પણ આજ સવારથી જ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. તો કલેકટર કચેરી નજીક આવેલા ગઢીહનુમાન મંદિર ખાતે પણ હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હનુમાનજીના મંદિર ખાતે ભક્તિભાવ સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણીનો ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવનો પોરબંદરમાં ઉત્સાહ : બાલા હનુમાન મંદિર સેવા સમિતિ દ્વારા આયોજીત રક્તદાન કેમ્પમાં ૧પ કલાકમાં ૧પ૦૦ બોટલ રક્ત એકત્રીત
