હાલમાં ભારતમાં ‘ક્રિકેટનો ઉત્સવ’ ચાલી રહ્યો છે. દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ IPL મીડિયા રાઈટ્સ અંગે ટેન્ડર બહાર પાડ્યું છે. આઈપીએલમાંથી બીસીસીઆઈની કમાણી પાછળ મીડિયા રાઈટ્સનો પણ સૌથી મોટો હાથ છે. ત્યારે આગામી પાંચ વર્ષ (2023-2027) માટે BCCIએ મીડિયા રાઈટ્સ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ માટે ઘણી કંપનીઓએ દસ્તાવેજો ખરીદવાનું પણ શરૂ કરી દીધું છે.
મીડિયા અહેવાલો અનુસાર, વર્તમાન બ્રોડકાસ્ટર સ્ટાર-ડિઝની હોટસ્ટાર, સોની નેટવર્ક, ઝી નેટવર્ક, ટીવી-18 વાયાકોમ અને એમેઝોન જેવી કંપનીઓએ મીડિયા રાઈટ્સની હરાજીમાં ભાગ લેવા માટે જરૂરી દસ્તાવેજો (ITT) ખરીદ્યા છે. આ માટેની હરાજી જૂન 2022માં થઈ શકે છે. બીસીસીઆઈએ તમામ કંપનીઓને 10 મે સુધીમાં દસ્તાવેજો ખરીદવાની સમયમર્યાદા આપી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેક કંપની એપલ પણ આ હરાજીમાં ભાગ લઈ શકે છે. જો કે, તેણે ટેન્ડર દસ્તાવેજો મેળવવાના બાકી છે. દસ્તાવેજો ખરીદવાનો અર્થ એ નથી કે આ કંપનીઓએ અરજી કરી છે. આ તમામ કંપનીઓએ તેમની બિડ સાથે આ દસ્તાવેજ ભરીને બીસીસીઆઈને સબમિટ કરવાનું રહેશે. આ પછી બોર્ડ કંપનીને હરાજી દ્વારા રાઈટ્સ મેળવવાનો નિર્ણય કરશે.
BCCI સેક્રેટરી જય શાહે કહ્યું છે કે સમગ્ર પ્રક્રિયાને પારદર્શક રાખવામાં આવશે. આમાંથી મળનારી રકમનો ઉપયોગ સ્થાનિક ક્રિકેટને મજબૂત કરવા માટે કરવામાં આવશે. રસ ધરાવતા પક્ષકારોએ ટેન્ડર દસ્તાવેજો ખરીદવા માટે બોર્ડમાં લગભગ 25 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. સાથે હરાજી માટે, બીસીસીઆઈએ લગભગ 33 હજાર કરોડ રૂપિયાની મૂળ કિંમત નક્કી કરી છે. એવી અપેક્ષા છે કે બિડ 40 હજાર કરોડ રૂપિયા સુધી જઈ શકે છે.
મીડિયા અને પ્રસારણ અધિકારોની હરાજી આ વર્ષે ખાસ બનવા જઈ રહી છે. કારણ કે તે 4 સેટમાં હશે. બોર્ડે ડિજિટલ પ્રસારણ અધિકારો, ટીવી પ્રસારણ અધિકારો (ભારતીય ઉપખંડ), 18 મેચોના અલગ સેટ અને ભારતીય ઉપખંડની બહારના સેટની અલગથી હરાજી કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ તેની માત્ર એક જ સેટમાં હરાજી થતી હતી. વર્તમાન મીડિયા અધિકારો સ્ટાર પાસે છે, જેની શરુઆત 2017 માં થઈ હતી અને આ સિઝન સમાપ્ત થઈ રહી છે.