ADVERTISEMENT
પપ્પા, હવે તડકા ખૂબ પડે છે, તમે જરા સાચવજો,
બેટા, મને કંઈ નહીં થાય કહી, મને ના સમજાવશો.
આ સૂરજને પણ મેં કેટલો વીનવ્યો, કે ઓછો તપે,
જ્યારે મારા પપ્પા સહેજ પણ ઘરની બહાર નીકળે.
હશે.. એ તો રવિ છે, ક્યાં કદી કોઈનીયે વાત છે માને?
રવિવારે પણ જુઓને, એ ક્યારેય ક્યાં રજા છે પાડે?
પણ પપ્પા, રવિવારે તમે ઘરની બહાર ના નીકળશો,
બેટા, મને કંઈ નહીં થાય કહી મને ના સમજાવશો.
માથા પર ઠંડા પાણીનું કપડું, ‘ને એનાં પર પણ ટોપી,
ચહેરા પર લપેટજો રૂમાલ, કે દુનિયા ભલેને જોતી!
હાથમાં મોજાં, આંખે ચશ્માં, પછી જ ઑફિસે જજો,
‘ને પગમાં હવે ચપ્પલ નહીં, બૂટ જ તમે પહેરજો.
પણ પપ્પા, પાણીની બોટલ સાથે લેવાનું ના ભૂલશો.
બેટા, મને કંઈ નહીં થાય કહી મને ના સમજાવશો.
જરા પણ તબિયત બગડે, કે મમ્મી ને તરત જણાવજો,
ડૉક્ટરે આપેલી દવા હંમેશા તમારી સાથે જ રાખજો.
ફોન પર પણ જ્યારે હું તમને પૂછું, કે પપ્પા તમે કેમ છો?
“મને તો એકદમ મજા જ હોય” કહી વાતને ના ટાળશો.
પણ પપ્પા, સાચેસાચું કહી, જૂઠું મારાથી કદી ના બોલશો.
બેટા, મને કંઈ નહીં થાય કહી મને ના સમજાવશો.
યાદ છે પપ્પા જ્યારે તમારી આ “એન્જલ” બિમાર પડતી?
આખી રાત તમારી આંખો મારી કેવી રખેવાળ બનતી!
રાત્રે જાગીને કેટલીવાર તમે મારી તબિયત ચેક કરતા,
બીજા દિવસે ઑફિસે જવાનું પણ ક્યાં યાદ રાખતા!
પણ પપ્પા, હવે તમારી તબિયતનું ધ્યાન રાખવાનું ના વિસરશો,
બેટા, મને કંઈ નહીં થાય કહી મને ના સમજાવશો.
પપ્પા, હવે તડકા ખૂબ પડે છે, તમે જરા સાચવજો.
બેટા, મને કંઈ નહીં થાય કહી, મને ના સમજાવશો.
આરતી રામાણી “એન્જલ”