ધોનીએ જાડેજાને સોપી ચેન્નાઇ સુપરકિંગ્સની કેપ્ટન્સી, આવો છે IPLમાં રેકોર્ડ

આઇપીએલ 2022માં કેટલાક મોટા બદલાવ જોવા મળશે. આ સીઝન પહેલા દિગ્ગજ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એક મહત્વનો નિર્ણય લીધો છે, તેમણે ચેન્નાઇ સુપરકિંગ્સની કેપ્ટન્સી રવિન્દ્ર જાડેજાને સોપી દીધી છે. જાડેજા હવે આ સીઝનથી ટીમની કમાન સંભાળશે. ચેન્નાઇ સુપરકિંગ્સે પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર તેને લઇને નિવેદન જાહેર કર્યુ છે. એમએસ ધોનીએ આઇપીએલ શરૂ થવાના 2 દિવસ પહેલા આ નિર્ણય લઇને સૌને ચોકાવી દીધા છે.

 

રવિન્દ્ર જાડેજા 2008થી આઇપીએલમાં રમી રહ્યો છે. રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સ, ગુજરાત લાયન્સ, કોચ્ચી ટસ્કર્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ ફ્રેન્ચાઇઝી તરફથી રમી ચુક્યો છે.

 

રવિન્દ્ર જાડેજાએ આઇપીએલમાં 200 મેચ રમી છે જેમાં 2386 રન બનાવ્યા છે જેમાં 62 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ આ દરમિયાન 127 વિકેટ પણ ઝડપી છે. રવિન્દ્ર જાડેજા પ્રથમ વખત આઇપીએલમાં કોઇ ટીમની કેપ્ટન્સી કરતો જોવા મળશે.

મહત્વપૂર્ણ છે કે આઇપીએલ 2022માં ચેન્નાઇ સુપરકિંગ્સની પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે છે. આ મુકાબલો 26 માર્ચે મુંબઇમાં રમાશે. જ્યારે ટીમ પોતાની અંતિમ લીગ મેચ રાજસ્થાન રોયલ્સ સાથે 20 મેએ રમશે.