ઇચ્છાશક્તિ | પ્રકરણ – ૧૧ આ વળી કેવું જાદુ!

જ્યાં સુધી ફ્લાઇટ લંડન ના પહોંચી ત્યાં સુધી વિશ્વ અને જુલી જીવ અધ્ધર રહ્યા. ફ્લાઇટમાં પણ બન્ને ચૂપ જ રહ્યા. મનોમન એ જ વિચાર ચાલતો હતો કે પરિમલ અચાનક લંડન પહોંચ્યો કેવી રીતે? ના કોઈને ખબર પડી? ના કોઈને જાણ કરી? વિશ્વને મનમાં થયું કે મને એના પરમમિત્રને મૂકીને જતો રહ્યો! તો આ બાજુ જુલી ગુસ્સામાં હતી કે એના મનની વાત અધૂરી રહી ગઈ. એ શું વિચારીને આવેલી અને શું થઈ ગયું?

પ્લેન હિથરું એરપોર્ટ પર લેન્ડ થયું. બિઝનેસમેન ભૈરવનો એક સેક્રેટરી જુલી અને વિશ્વને લેવા આવ્યો હતો.

“પરિમલ અહિયાં ક્યારે આવ્યા?” વિશ્વએ ગાડીમાં બેસતા જ પેલા સેક્રેટરીણે પૂછી લીધું.
“બે દિવસ પહેલા. હું મારુ બધુ કામ પૂરું કરીને ઘરે જતો હતો ત્યાં ભૈરવ સરનો ફોન આવ્યો કે કાલ સવારની ફ્લાઇટમાં જાદુગર પરિમલ આવે છે. એની રહેવાની વ્યવસ્થા કરવાની છે.” સેક્રેટરીને જેટલી ખબર હતી એટલું બોલ્યો.

જુલીને આ બધી વાતોમાં કોઈ રસ નહોતો. એ તો ગાડીમાંથી લંડનની દુનિયા નિહાળી રહી હતી. કેટલું ખુશનુમા વાતાવરણ છે લંડનનું! તડકો છે છતા ઠંડીનો ચમકારો દેખાય છે. બધા ગોરા ગોરા માણસો. લંડનનું મોસમ અને માણસો જુલીને ખુશનુમા સાથે અજીબ પણ લાગ્યા. કોઈ કોઇની સાથે કામ સિવાય બોલે નહીં, બધા એના કામથી કામ રાખે. જ્યારે ઈન્ડિયામાં એવું નહીં, જ્યાં જરુંર ના હોય ત્યાં પહેલા બોલવાવાળા હાજર જ હોય.

“અત્યારે પરિમલ ક્યાં છે?” જુલીએ હવે બહાર જોવાનું બંધ કર્યું.
“એ હોટેલ પર જ છે. લંડનનું મોસમ હજી એમને ફાવ્યું નથી લાગતું. આવ્યા ત્યારથી હોટેલ પર જ છે.” સેક્રેટરી ફરી જરુંર પૂરતું જ બોલ્યો.
“હોટેલ કેટલી દૂર છે?” વિશ્વ હવે પરિમલને મળવા ઉતાવળો થયો.
“બસ આવી ગયા.” ડ્રાઇવરે ગાડી ઉભી રાખી અને બધા બહાર નીકળ્યા.

જુલી અને વિશ્વ તો હોટેલને ફાટી આંખે જોઈ રહ્યા. વિશ્વ ઘણીવાર ફાઇવ સ્ટાર હોટેલમાં ગયેલો પણ એ બધી ઇન્ડિયાની. આ તો લંડનની ફાઇવ સ્ટાર હોટેલ હતી. બન્ને હોટેલની બહારનું ઇન્ટિરિયર જોઈને આભા બની ગયા. હોટેલની ચારે બાજુ લીલું છમ્મ ઘાસનું મેદાન. હોટેલની અંદર આવતા વચ્ચો વચ્ચ આંખને ટાઢક આપે એવો ફૂવારો. સંગીત બદલાય એમ ફૂવારો પણ અલગ અલગ જોવા મળે. બે મોટા મોટા બગીચા. જેમાં લંડનના મોસમ મુજબ ફૂલ ખીલેલા હતા.

સેક્રેટરીએ રિસેપ્શન પર જરૂરી વિગત ભરી જુલી અને વિશ્વને એના રૂમની ચાવી આપી.

“પરિમલનો રૂમ નંબર શું છે?” જુલી અને વિશ્વ એકસાથે બોલ્યા.
“એમને આ હોટેલનો સૌથી બેસ્ટ સ્વીટ ઓફર કરવામાં આવ્યો છે. કિંગ સ્વીટ. લાસ્ટ ફ્લોર પર છે.”
“તો અમે પહેલા એમને જ મળશુ. આપ ફક્ત અમારો સામાન અમારા રૂમ પહોંચાડી આપશો?” વિશ્વએ કહ્યું.
“જરૂર. જ્યાં સુધી તમે લંડનમાં છો ત્યાં સુધી હું તમારી સેવામાં જ છું.” સેક્રેટરીએ હળવા સ્મિત સાથે કહ્યું.

સેક્રેટરી હોટેલના એક મેમ્બરને લઈને જુલી અને વિશ્વનો સામાન એના રૂમમાં પહોંચાડવા ઉપડ્યો. જુલી અને વિશ્વ કિંગ સ્વીટ તરફ ઉપડ્યા જ્યાં પરિમલ આરામ ફરમાવી રહ્યો હતો.

દરવાજા પર ટક ટક અવાજ આવ્યો. પરિમલે દરવાજો ખોલ્યો. જુલી અને વિશ્વને જોયા. જુલી અને વિશ્વને હતું કે પરિમલ અમને બન્નેને જોઈને ગળે લગાડી લેશે પણ પરિમલે તો કોઈ જ પ્રતિભાવ ના આપ્યો. ના ચહેરા પર એ બન્નેના આવવાની ખુશી ના અણગમો.

જુલી અને વિશ્વ રૂમમાં આવ્યા. રૂમ જોઈને બન્નેને ચક્કર જેવું આવી ગયું. એ રૂમ નહીં મહેલ હતો મહેલ. એક રૂમ બહાર જેમાં મોટા મોટા આલીશાન સોફા. બીજો માસ્ટર બેડરૂમ જેમાં આલીશાન બેડ. બારી ખોલો એટલે બાલ્કની, એ બાલ્કની નહીં જાણે એક બીજો રૂમ જ જોઈ લો. બાલ્કનીમાં સ્વિમિંગ પુલ બનાવેલો. સ્વિમિંગ કરતાં કરતાં બહારનો નજારો જોઈ શકાય. બાથરૂમ તો કોઈ રાજાને પણ નહીં હોય તેવું. એક મિડલ ક્લાસ માણસના ઘર જેટલું તો બાથરૂમ હતું. એમાં પાછું સ્ટીમ, સોના, સ્પા અને જકૂઝી. જુલીને તો અત્યારે જ નાહવાનું મન થઈ ગયું.

“તમારે તો જલ્સા છે. અમે ત્યાં ભાવનગરમાં બેઠા બેઠા તમારી ચિંતા કરીએ અને તમે બે દિવસથી આ કિંગ સ્વીટમાં બેઠા બેઠા રાજા જેવી જિંદગી જીવી રહ્યા છો.” જુલીએ તરત જ મેણું માર્યું.

પરિમલે કોઈ જવાબ ના આપ્યો. હમેશાંની જેમ ચૂપ રહ્યો.

“અમને કહેવું તો હતું. ત્યાં ભાવનગરમાં કેટલી મોટી રામાયણ થઈ ગઈ ખબર છે? એમાં પેલો ઇન્સ્પેકટર વાઘમારે. એનું ખિસ્સું જ્યાં સુધી ગરમ ના કર્યું ત્યાં સુધી એણે અહિયાં આવવાની પરવાનગી ના આપી. બોલ ભાઈ હવે, આમ કેમ અચાનક આવો ગયો અહિયાં?” વિશ્વ બેડ પર બેઠીને બોલ્યો.

પરિમલે કોઈ જવાબ ના આપ્યો. હમેશાંની જેમ ચૂપ રહ્યો.

“બસ આ.. આ.. આ.. આજ વાંધો છે આનો. જવાબ નહીં આપે. મૂંગેરીલાલ કે હસીન સપને. બોલ ભાઈ મોઢામાં શું મગ ભર્યા છે?”

પરિમલે કોઈ જવાબ ના આપ્યો. હમેશાંની જેમ ચૂપ રહ્યો.

“પરિમલ, વિશ્વ અને હું કાંઇક પૂછીએ છીએ. જવાબ તો આપો.” જુલી બોલી.
“પરિમલ સર. તમારા માટે હું પરિમલ સર છું.” પરિમલ થોડું બોલ્યો પણ જુલીને ઝટકો લાગે એવું બોલ્યો.

વિશ્વને આ જવાબ મનમાં બહુ ગમ્યો. એને જુલી ગમતી હતી પણ જુલીને પરિમલ ગમતો હતો. પરિમલે જુલીને તોછડાઈથી કહ્યું એ વિશ્વને સારું લાગ્યું.

“સોરી પરિમલ સર, હું જરા ઉત્સાહમાં સર કહેતા ભૂલી ગઈ પણ એ તો કહો આમ કોઈને કહ્યા વગર કેમ લંડન આવતા રહ્યા. અમે ત્યાં ભાવનગરમાં તમારી ચિંતા કરતાં હતા.” જુલીએ મોઢું ચડાવીને કહ્યું.

“તમે કોણ? કયું ભાવનગર? અને સાહેબ તમે પણ કોણ? ક્યારના અહી આવીને ભાવનગર છોડી દીધું.. ભાવનગર છોડી દીધું બોલો છો. ક્યાં આવ્યું ક્યાં આ ભાવનગર? હું પહેલેથી જ લંડનમાં રહું છું. હું તમને બન્નેને ઓળખતો પણ નથી. તમે કોઈ બીજા પરિમલની વાત કરતાં લાગો છો.” પરિમલે બધાના હોશ ઊડી જાય એવી વાત કરી.

વિશ્વ બેડ પરથી સ્પ્રિંગ ઉછળે એમ ઉછળ્યો. જુલી બે ડગલાં પાછી ખસી ગઈ.

“એટલે અમે.. અમે.. કો.. કો.. કોણ એમ?” વિશ્વને ગેંગેફેફે થઈ ગયું.
“હા એમાં આમ આટલું શું ગેંગેફેફે થવાનું? તમે કોણ છો એ જ તો મે પૂછ્યું.”
“પરિમલ સર, પ્લીઝ મારી ભૂલ થઈ ગઈ. હું તમારા પગે પડું. હાથ જોડું. મારાથી તમને સર ના કહેવાયું એની આટલી મોટી સજા ના આપો.”
“પણ મારે શું ફેર પડે? તમે મને સર કહો કે ના કહો. હું તમને નથી ઓળખતો તો એમ જ પૂછું ને કે તમે કોણ એમ?”
“તું અમને નથી ઓળખતો તો દરવાજો કેમ ખોલ્યો? અંદર કેમ આવવા દીધા? તને ભૈરવે આ હોટેલમાં કેમ રાખ્યો છે? એનો સેક્રેટરી પણ અમને તું જે હોટેલમાં છે એમાં જ કેમ લઈને આવ્યો? છે કોઈ જવાબ તારી પાસે?” વિશ્વ પૂરેપૂરો બગડ્યો.
“પણ તમે કોણ? હું શું કામ તમારા સવાલના જવાબ આપું. તમે હવે અપમાન કરવા પર ઉતરી આવ્યા છો. તમે અહિયાથી જતા રહો નહિતર મારે સિક્યોરીટી બોલાવવી પડશે.” પરિમલે અલગ જ જવાબ આપ્યો.
“સમજાણુ મિસ્ટર પરિમલ હવે સમજાણુ બધુ. તમે અમને ક્યાંથી ઓળખો? તમે તો હવે ફક્ત વન મિલિયન પાઉન્ડસને જ ઓળખો.”
“વન મિલિયન પાઉન્ડસ! શું બોલો છો?”
“હું એ જ બોલું છું જે તમારા મનમાં છે. તમારે મને અને જુલીને વન મિલિયન પાઉન્ડસમાંથી ભાગ ના આપવો પડે એટલે ચોરી છૂપે એકલાં લંડન આવી ગયા અને હવે આવા નાટક કરે છો કે અમે કોણ! વાહ જાદુગર વાહ! તું તો ખરેખરો જાદુગર નીકળ્યો.”
“શું આ સાચું છે પરિમલ સર?” જુલી રડતી હતી.
“કોણ જાદુગર? કોણ ભૈરવ? કોણ સેક્રેટરી? ક્યાં વન મિલિયન પાઉન્ડસ? શું તમે નશો કરીને આવ્યા છો? એક તો હું તમને ઓળખતો નથી, બે તમે આવ્યા ત્યારના બકવાસ કરો છો, ત્રણ મને જાદુગર કહો છો.”
“તો તું મહાન જાદુગર પરિમલ નથી એમ?”
“ના હું કોઈ જાદુગર વાદુગર નથી. હું તો ઇન્વેસ્ટમેન્ટ બેન્કર પરિમલ શાહ છું. આ લો મારુ કાર્ડ.” પરિમલે એનું કાર્ડ બતાવ્યું.

જુલી અને વિશ્વ એ કાર્ડ જોઈ રહ્યા. આ વળી શું નવા નાટક? આપણો પરિમલ જાદુગર નથી? એ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર બની ગયો? આ વળી કેવું જાદુ?