પુત્રવધુ સિવાય, માણિકચંદ ખાનદાનએ દીકરીનું મોઢું નહોતું જોયું. લલિત અને એના ચાર ભાઈઓ, બધાને ત્યાં બે દીકરા, પરંતુ, દીકરી કોઈને ત્યાં નહોતી. આજે વીસ વર્ષે ઘરમાં એક છોકરીની કિલકારી ગૂંજી હતી. લલિતે જ્યારે દીકરા, લક્ષના હાથમાંથી નવજન્મેલી ઢીંગલીને લઈને, એની વડદાદીના ખોણામાં મૂકી, તો પપૌત્રીને વ્હાલ કરતા એમની આંખ છલકાણી. એમનું સ્મિત એમના આંસુઓ સાથે ભળી ગયું અને એમણે આશ્ચર્યચકિત થઈ વિચાર્યું, “હે પ્રભુ, તમે મને કેટલી પેઢીઓ બતાવી!”
નવી જન્મેલી બાળકી સામે જોઈને, તેમણે એની નાની આંગળીઓ પકડી અને ખૂબ જ પ્રેમથી કહ્યું,
“લાડો!! મારી અતિ સુંદર લાડો રાણી, તું છે આ પરિવારની પહેલી રાજકુમારી. દીકરીના જન્મ પર રડતા હશે, તે બીજા! તું તો અમારા ઘરનું માન, અભિમાન અને ગૌરવ છે. લાડો, તે તો આવવાની સાથે દરેક સદસ્યના દિલ પર લાગણીઓના હસ્તાક્ષર કરી નાખ્યા!”
* * * * *
દાદીસાસુની વિડિયો ક્લિપ બંધ કરી, લીનાએ તેની બાર વર્ષની પુત્રી તરફ નજર કરીને સ્મિત કરતા પૂછ્યું, “મોટા દાદીની વિડિયો કેટલી વાર જોઈશ? તારું મન નથી ભરાતું?”
લીનાને જવાબ આપવાની સાથે, લાડોની આંખમાં ખુશી ચમકવા લાગી. “મોટા દાદીનો સ્પર્શ તો મને યાદ નથી, પણ એમનો મારા માટે પ્રેમ આ વિડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે. મને હમેશા આનંદથી આશ્ચર્ય થાય છે, કે તમે તે ક્ષણને રેકોર્ડ કરવાનું વિચાર્યું હતું. અધભુત!”
દીકરીના માથે હાથ ફેરવતા, લીનાએ ખુલાસો કર્યો, “બેટા, મોટા દાદી જે ઉંમરના પડાવ ઉપર હતા, અમને જેટલી બની શકે, તેટલી તેમની યાદો આવનારી પેઢી માટે ભેગી કરવી હતી.”
“ખૂબ જ સરસ કામ કર્યું મમ્મી. મારુ સુંદર નામ પણ એમનું જ આપેલું છે ને!”
“હા. તને હાથમાં લેવાની સાથે, એમના મોઢેથી, જે પહેલો શબ્દ નિકળ્યો, તે આ જ હતો…લાડો. પછી તો અમે બીજું કોઈ નામ વિચાર્યું જ નહીં”
લાડો એની મમ્મીને ભેટી પડી અને ઉલ્લાસથી બોલી ઉઠી, “મારા માટે મારુ નામ ખૂબ જ ખાસ છે, અને મને અતિશય ગમે છે. મમ્મી, મને ખુશી છે કે વડદાદીનો લાગણીઓના હસ્તાક્ષર કરેલા ક્ષણો, તમે આજે પણ સાચવી રાખ્યા છે.”
શમીમ મર્ચન્ટ, મુંબઈ
_________________________________