સમગ્ર સંસારનું ચાલક બળ જ ઈચ્છા છે એ તો સર્વવિદિત છે. જો વ્યક્તિ ઈચ્છામુક્ત બને તો તે કર્મમુક્ત બની જાય કેમ કે ઈચ્છાના અભાવમાં કોઈ કાર્ય કરવાની આવશ્યકતા જ ન રહે. કર્મમુક્ત બનવાની સાથે જ તે દુઃખમુક્ત બની શકે કેમકે કર્મ જ ફળ ઉત્પન્ન કરે છે એટલે કે સુખ કે દુઃખ સર્જે છે. સારા કર્મો ઉત્તમ ફળ (સુખ) સર્જે છે અને ખરાબ કર્મનું દુઃખદ પરિણામ ભોગવવું પડે છે. આ રીતે ઈચ્છા અને કર્મના ચક્કરમાં જીવ ૮૪ લાખ ફેરા (શાસ્ત્રો અનુસાર) ફરે છે. દરેકના મૂળમાં ઈચ્છા રહેલી છે. ઈચ્છા મનમાં જુદી-જુદી કામનાઓ વાસનાઓ પેદા કરે છે જેની પૂર્તિ માટે વ્યક્તિ સક્રિય બને છે. સફળતા મળતા તે ખુશ થાય છે અને અસફળતા તેને નિરાશ, હતાશ, દુઃખી અને તણાવયુક્ત બનાવે છે. ઈચ્છાપૂર્તિમાં જે મદદરૂપ થાય તેની સાથે તેની આસક્તિ, મોહ, પ્રેમ વધે છે અને અન્ય માટે અણગમો થાય છે. આ રીતે રાગ-દ્વેષનું સર્જન થાય છે અને આવા રાગ-દ્વેષની તીવ્રતા લોભ, ક્રોધ, અહંકાર, ઈર્ષા વગેરેનું સર્જન કરે છે જે મનુષ્યજીવનને વિષયુક્ત બનાવે છે.આ વિષચક્ર સતત અવિરત ચાલતું જ રહે છે.
જીવનની દરેક પરિસ્થિતિ પાછળ ઈચ્છા જ જવાબદાર છે. સુખ-દુઃખ, હર્ષ-શોક, ગમો-અણગમો, અનુકૂળતા-પ્રતિકૂળતા, સફળતા-અસફળતા દરેક પાછળ મૂળભૂત જવાબદાર કારણ કે પરિબળ માત્ર ઇચ્છા છે. પરંતુ ઈચ્છા શા માટે થાય છે અને કોને થાય છે તે સમજવું ઘણું જરૂરી છે તો જ ઊંડી સમજણ સાથે તેમાંથી છૂટી શકાય. વાસ્તવમાં ઇચ્છા ત્યારે થાય છે જ્યારે સ્વયંમાં કોઇ ખામી દેખાય છે, અપૂર્ણતા જણાય છે અને તેની પૂર્તિ કરવા માટે ઇચ્છા સર્જાય છે. જેમ કે કોઈને તંદુરસ્ત જોતાં આપણને સમજાય છે કે આપણે અસ્વસ્થ છીએ, આપણામાં કોઈ ખામી છે અને એ રીતે તંદુરસ્ત બનવાની ઈચ્છા સર્જાય છે. એ જ રીતે ધનવાન લોકોને જોઈ આપણને આપણી ગરીબી ખૂચે છે અને ધનપ્રાપ્તિની ઇચ્છા જન્મે છે. કોઈ જ્ઞાની પ્રભાવશાળી મહાનુભાવને જોઈ, સમાજમાં તેની પ્રતિષ્ઠા કે માન-મરતબો જોઈ તે મેળવવાની ઈચ્છા થાય છે. ટૂંકમાં જ્યારે ક્યારેક આપણને આપણી ખામીઓ કે અપૂર્ણતા દ્રષ્ટિગોચર થાય છે ત્યારે તેને પૂર્ણ કરવા માટે ઈચ્છાઓનું સર્જન થતું હોય છે. ઈચ્છા કદી સાચા જ્ઞાની કે સંપૂર્ણ વ્યક્તિને થઈ જ ન શકે. જો આપણને અનેક ઈચ્છાઓ સતાવે છે તો એનો અર્થ એ છે કે આપણે ખામીયુક્ત છીએ, અપૂર્ણ છીએ.
ખામીઓ અને અપૂર્ણતાઓ જ કર્મ, પ્રયત્નો કે દોડધામ માટે જવાબદાર છે જે વ્યક્તિને જીવનપર્યંત સક્રિય રાખે છે. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે તમામ ઇચ્છાઓ કોઈની પૂરી થઈ શકતી નથી. ઋષિમુનિઓ, અવતારો, મહાનુભાવો કે પરમેશ્વરની પણ બધી ઇચ્છાઓ ક્યારેય પૂર્ણ થઇ શકતી નથી. તો આપણી તો શું વિસાત? દરેક મહાનુભાવ, સંત, અવતારોની ઈચ્છા હોય છે કે વિશ્વનું કલ્યાણ થાય, સર્વ સુખી થાય જે કદી બની શકતું નથી. તેવી જ રીતે પરમાત્માની હંમેશા એક ઇચ્છા હોય છે કે સર્વ જીવાત્માઓ અજ્ઞાન, અહંકાર અને ઇચ્છાઓથી મુક્ત બની પરમપિતા પરમેશ્વર પાસે પરત આવી જાય. દુઃખોથી મુક્ત થઈ મોક્ષ મેળવી લે એટલા માટે તે સંસાર રચે છે, વેદોનું જ્ઞાન આપે છે અને દરેકને તે સમજવા માટે જરૂરી સમાન બુદ્ધિ આપે છે. પરંતુ પરમપિતા પરમેશ્વરની પણ આ ઇચ્છા પૂર્ણ થઇ શકતી નથી તો આપણી તો કેવી રીતે થાય?
આમ પણ સંપૂર્ણ ઈચ્છાપૂર્તિ શક્ય જ નથી કેમકે જે વસ્તુ આપણને જોઈએ છીએ (શક્તિ, સૌંદર્ય, જ્ઞાન, પ્રેમ, ધન) તેની પ્રાપ્તિના સાધનો સીમિત છે અને જે વસ્તુની અછત હોય તે દરેકને કેવી રીતે મળી શકે. વળી ઈચ્છાઓનું સર્જન અજ્ઞાનવશ થતું હોય છે એટલે કે અજ્ઞાન જ અગણિત ઇચ્છાઓ પાછળ જવાબદાર પરિબળ છે. જેની પાસે સાચું જ્ઞાન છે તેને ક્યારેય જીવનમાં કોઈ ખામી કે અપૂર્ણતા અનુભવાતી જ નથી કે જેની પૂર્તિ કરવા માટે ઇચ્છા સર્જાય. જે પોતાના વાસ્તવિક દિવ્ય સ્વરૂપને જાણે છે તેને તો ખબર જ છે કે તેની પાસે બધું જ પહેલેથી છે, એને કશું મેળવવાની આવશ્યકતા છે જ નહીં. મનુષ્ય જીવનભર સાત બાબતોને ઝંખે છે, તેની શોધના મુખ્ય સાત કેન્દ્ર છે. (સૌંદર્ય, શક્તિ, શાંતિ, પ્રેમ, આનંદ, જ્ઞાન અને અમરત્વ) અને જ્ઞાની જાણે છે કે આ સાતેય આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. જે વ્યક્તિ આત્માને પામી લે છે ઓળખી લે છે તેને આ સાત આપોઆપ મળી જાય છે. તેના માટે ઇચ્છા કે કર્મોની આવશ્યકતા જ નથી કેમકે આ સાતેય તો આપણને પહેલેથી જ પ્રાપ્ય છે. પરંતુ તે અંગેનું અજ્ઞાન ઈચ્છાના રૂપમાં આપણને દોડાવે છે અને થકવી નાખે છે. જે વસ્તુ ઘરમાં જ હોય તેને આપણે નાહકની રજળપટ્ટી કરી દેશ-વિદેશોમાં શોધીયે તો ક્યાંથી મળે. અને અંતે તે ન મળવાથી (જે નહોતી જ મળવાની) હતાશા અને નિરાશા આવે છે. ઈચ્છાપૂર્તિની આટલી બધી દોડધામ વ્યક્તિને થકવી નાખે એ તો સ્વાભાવિક જ છે. વળી આગળ જોયું તેમ બધી ઈચ્છા કોઈની કદી પૂરી થઈ શકતી જ નથી કેમકે ઈચ્છાઓ અમર્યાદિત છે કારણ કે અજ્ઞાન પણ અમર્યાદિત છે.
સતત જો તમને જીવનમાં કંઈને કંઈ ખૂટતું જ અનુભવાય તો તેની પૂર્તિ શક્ય કેવી રીતે બને? સંતોષના અભાવમાં વ્યક્તિ સતત અવિરત હરહંમેશ દુઃખી જ રહેવાનો, એટલા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે સાચો શ્રીમંત એ જેના જીવનમાં સંતોષ હોય. અસંતોષ માણસને જીવનપર્યંત દોડાવ્યા જ કરે છે. તેને સતત કંઈ ખૂટતું જ લાગ્યા કરે અને તેની પૂર્તિ કરવા નવી નવી ઇચ્છાઓ સાથે તે દોડ્યા જ કરે છે. વળી એક ઈચ્છાની પૂર્તિ થતાં ફરી બીજી ઈચ્છા માટે દોડવાનું શરુ થાય. આમ જીવનની દોડ અવિરત ચાલુ જ રહે જીવન ખતમ થઇ જાય પરંતુ ઈચ્છાઓનો અંત નથી આવતો. ટૂંકમાં ઈચ્છા હંમેશા અજ્ઞાની અને અપૂર્ણ માણસોને જ થાય છે અને સ્વયંમાં જ્યારે ખામી અનુભવાય ત્યારે તેની પૂર્તિ કરવાની ઈચ્છા થાય એ તો સ્વાભાવિક જ છે. આવી ખામી એ જ વ્યક્તિને અનુભવાય જેને સાચું જ્ઞાન ન હોય. આપણને જો અનેક ઈચ્છાઓ સતાવતી હોય, દોડાવતી હોય તો કમસેકમ એટલું અવશ્ય સ્વીકારવું પડે કે આપણે અજ્ઞાની છીએ. આજના યુગની સૌથી મોટી કરુણતા કે કમનસીબી એ છે કે દરેક વ્યક્તિ પોતાની જાતને અતિશય હોશિયાર, બુદ્ધિમાન અને જ્ઞાની માને છે કે મારા જેવો શિક્ષિત, સમજદાર, હોશિયાર, બુદ્ધિવાન અને જ્ઞાની સમાજમાં બીજું કોઈ છે જ નહીં. જે અજ્ઞાની હોવાની મૂળભૂત નિશાની છે. સાચું પૂછો તો જીવનને ખુશહાલ રાખવા કે બનાવવા જે અમૂલ્ય ચીજવસ્તુઓની જરૂર છે તે તો બધી જ ઈશ્વરે પહેલેથી આપણને આપેલી છે જેમ કે ઉત્તમ તંદુરસ્ત અમૂલ્ય માનવશરીર, વિકસિત મન, શુદ્ધ હવા (ઓક્સિજન) પાણી-ખોરાક વગેરે. આ તમામ અમૂલ્ય વસ્તુના ભોગે આપણે કોણ જાણે શું મેળવવા ઈચ્છીએ છીએ એ જ સમજાતું નથી. તંદુરસ્તીને ખતમ કરી, હવા-પાણી ખોરાકને વિકાસના નામે પ્રદૂષિત કરી, મનની શક્તિને ખંડિત કરી કયું સુખ કે ઈચ્છાપૂર્તિ શક્ય બનશે. મને તો સમજાતું જ નથી કે પોતાની જાતને હોશિયાર, બુદ્ધિવાન, જ્ઞાની અને શિક્ષિત સમજતી વ્યક્તિ આવા કાર્યો કરી જ કેવી રીતે શકે?
ખેર અહી મારો વિષય માત્ર એટલું જ જણાવવાનો છે કે ઈચ્છા કેમ થાય છે અને કોને થાય છે, જો એટલું સમજાય તો કદાચ તેની ચૂંગાલમાંથી છૂટી શકાય. તમામ ઇચ્છાઓનો સંપૂર્ણ અંત માત્ર એક ઇચ્છા દ્વારા શક્ય છે એવું મારું માનવું છે અને એ છે ઈશ્વરપ્રાપ્તિની ઈચ્છા (ઈશ્વર એટલે અનંત ઉર્જા અને સનાતન અસ્તિત્વ) જે દ્વારા તમામ ઈચ્છાઓની પૂર્તિ આપોઆપ થઈ જાય છે. પરમાત્માપ્રાપ્તિની ઈચ્છા એકમાત્ર ઇચ્છવાયોગ્ય ઈચ્છા છે કેમકે એ દ્વારા પૂર્ણતાનો અનુભવ થાય છે, સ્વયંમાં કોઇ ખામી કે અપૂર્ણતા દેખાતી બંધ થાય છે જેથી આપોઆપ તેની પૂર્તિનો પ્રશ્ન હલ થઈ જાય છે. કોઈ પ્રકારની ઈચ્છા કે કામના જન્મ લેતી જ નથી જેના કારણે તેની પૂર્તિનો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી.
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ