“નાના માલિક.. નાના માલિક.. જલ્દી જાગો.. જુઓ આ છાપું જુઓ..” કમલા હાંફતી હાંફતી બોલી.
વિશ્વરાજ ઊંઘમાંથી ઉઠ્યો. એનું ધ્યાન કમલાની હાંફતી છાતી પર ગયું. મનમાં તરત વાસના જાગી. કમલા વિશ્વરાજનો મનસૂબો સમજી ગઈ.
“અત્યારે જે બતાવું છે એ જુઓ. નજર છાપા પર નાખો.” કમલાએ બ્લાઉઝ પર સાડીનો છેડો ચડાવી દીધો.
વિશ્વરાજે છાપું હાથમાં લીધૂ. હાથમાં લેતા જ ચારસો ચાલીસ વૉલ્ટનો ઝટકોલાગ્યો હોય એમ પલંગ પરથી ઊભો થઈ ગયો.
“જોયું, જોયું ને તમે. આ તમારા બાપાનું નામ ખરાબ કરશે. આટલી મોટી જાહેરાત. એ પણ પહેલા પેજ પર. શહેરનો સૌથી મોંઘો ઓડિટોરિયમ અને એમાં આ પપ્પુનો જાદુનો શો, અને પાછું નામ તો જો રાખ્યું એ “જાદુગર સમ્રાટ પરિમલ.” કમલાએ છાપામાં રહેલા પપ્પુના ફોટાને જોઈને કહ્યું.
વિશ્વરાજ હજી આઘાતમાં જ હતો. બે દિવસમાં શું પપ્પુને બધુ જાદુ આવડી ગયું? શું જાદુ આટલું આસાન હશે? બે દિવસ પહેલા તો એ મારી પાસે લંડન આવવાની ભીખ માંગી રહ્યો હતો. અચાનક પપ્પુ મહાન જાદુગર સમ્રાટ પરિમલ બની ગયો. શું હું સપનું જોઈ રહ્યો ચું? શું ગઈકાલે રાત્રે વધારે પીવાય ગયું?
“શું વિચાર કરો છો, નાના માલિક? આ પપ્પુ તમારા ખાનદાનનું નામ ખરાબ કરે એ પહેલા શોધો એને.”
“શું? શોધો? કેમ? ક્યાં છે, પપ્પુ?” વિશ્વરાજે પૂછ્યું.
“ગઇકાલ રાતનો ઘરે નથી. એના રૂમમાં ગઈ તો એનો સામાન બધો એમ ને એમ છે પણ પેલું પસ્તી જેવું પુસ્તક નથી.” કમલાએ ફોડ પાડી.
“પુસ્તક! એ પુસ્તક જ બધી મુસીબતોની જડ છે. આ આજે સાંજે આપણે લંડન નીકળવાનું છે અને પપ્પુ આ જાહેરાત આપીને બેઠો.” વિશ્વરાજે બીડી જગવી.
કમલાને વિશ્વરાજમાં આ જ વાત ના ગમતી. આટલો રૂપિયો હોવા છતા પણ એ સિગરેટ કે સિગાર ના પીતો. હમેશાં ચાર ભાઈ બીડી જ ફૂંકે. આપણે લંડન જવાનું છે એ સાંભળી કમલા ચમકી. બે ઘડી એ છાપું, જાહેરાત અને પપ્પુને તો એમ પણ એ ભૂલી જ ગઈ હતી.
“એલા હા કાં! આપણે લંડન જતા રહીએ પછી પપ્પુ જીવે કે મરે આપણે શું? એ શો કરે કે ભીખ માંગે આપણે શું? એ રખડે, ભટકે કે કચડાઈ આપણે શું? આપણે તો લંડન ભલું ને રૂપિયો ભલો.” કમલા વાતમાં ને વાતમાં લંડન પહોંચી ગઈ હતી.
“સ્વાર્થી તો તું છો એ મને ખબર જ હતી પણ આટલી હદે સ્વાર્થી હોઈશ એ નહોતું ધાર્યું. એ પપ્પુડો મારા બાપાના નામ પર શો કરી રહ્યો છે. ઇજ્જત મારી દાવ પર લાગી છે અને તને લંડન દેખાઈ છે. &&##, તારું તો કશું નહીં જાય પણ મારુ શું? હું જે મારા બાપાના નામ પર લંડન જાવ છું અને જો આ પપ્પુનો શો ફ્લોપ ગયો તો શું લંડનમાં જેના થકી હું જાવ છું એ મને આવવા દેશે?” વિશ્વરાજે બીડીના ધુમાડા સાથે ગાળો પણ કાઢી.
“જે તમારું છે એ બધુ મારુ પણ છે. તમારી ઇજ્જત એ મારી ઇજ્જત. હું તમારાથી અલગ નથી. બે ઘડી હું ભમરાય ગઈ.”
“એ બધુ છોડ. આગળ હવે શું કરશું?”
“પપ્પુને શોધીએ.”
“કઈ રીતે?”
“એનો જ્યાં શો છે ત્યાં જ હશે પપ્પુ.”
વિશ્વરાજ અને કમલા સમય બગાડ્યા વગર સીધા ઉપડ્યા જ્યાં પપ્પુનો શો હતો. ગાડી જેવી મહિલા કોલેજ પાસે પહોંચી કે બન્ને આશ્ચર્યમાં પડી ગયા. માણસોના ટોળાંને ટોળાં. ગાડી થોડી દૂર પાર્ક કરી બન્ને ચાલીને યશવંતરાય ઓડિટોરિયમ પાસે પહોંચ્યા. ટિકિટ બારી પાસે માણસોની પડાપડી. થોડા અદર જઈને જોયું તો પપ્પુનું એક મોટું પોસ્ટર મારેલું હતું. જાણે કે ફિલ્મનો બહુ મોટો કલાકાર હોય અને પોસ્ટર લાગે એમ પપ્પુનું પોસ્ટર હતું. કમલાએ પોસ્ટર પર વાંચ્યું:
“મહાન જાદુગર ભૈરવનાથના શિષ્ય જાદુગર સમ્રાટ પરિમલ”
બન્ને એ યશવંતરાયની ઓફિસમાં જઈને તપાસ કરી કે પપ્પુ ક્યાં છે? પણ ઓફિસ બંધ હતી. ચાર – પાંચ સફાઇકર્મી હતા.
“એ છોકરા, આ પપ્પુ ક્યાં છે?” વિશ્વરાજે પૂછ્યું.
“કોણ પપ્પુ?”
“અરે આ જેનો આજે રાત્રે શો છે એ પપ્પુ.”
“ઠીક જાદુગર સમ્રાટ પરિમલની વાત કરો છો?”
“હા હવે એ જ.”
“એ તો મને નથી ખબર.”
વિશ્વરાજને નથી ખબર જવાબ સાંભળીને એ સફાઇકર્મીને ત્યાં ને ત્યાં જ બે તમાચા મારવાનું મન થઈ ગયું. બન્ને ઓડિટોરિયમમાં જોવા ગયા પણ સિક્યોરીટી ગાર્ડએ એમને અંદર જતા રોક્યા.
“તું ઓળખે છે? હું કોણ છું?” વિશ્વરાજનો પારો ગયો.
“તમને ઓળખીને મારે કાંઇ કામ નથી. હું ફક્ત મારી ફરજ નિભાવી રહ્યો છું.” ગાર્ડએ કહ્યું.
વિશ્વરાજે એને કોલરેથી પકડ્યો. બન્ને વચ્ચે થોડી જપાજપી થઈ. પેલા સફાઇકર્મીઓ પણ વચ્ચે પડ્યા. બન્નેને છોડાવ્યા. કમલા વિશ્વરાજને લઈને બહાર જતી રહી.
“સમજે છે શું આ બધા એની જાત ને? આ પપ્પુ તો કાલે આવેલો છે. હું છું ભૈરવનાથનો છોકરો. આ જ ઓડિટોરિયમમાં હું ગમે તેમ આવી શકતો અને આજે આ ગાર્ડ મને ઓળખતો નથી. મને અંદર જવાની ના પાડે છે.” વિશ્વરાજે ગુસ્સામાં બીડી જગવી.
“બધે ગુસ્સામાં કામ ના લેવાય અને એ ના ભૂલો કે પહેલા તમે અહિયાં તમારા પિતાના કારણે આવતા. પપ્પુ અંદર જ છે, એટલે જ એ ગાર્ડએ આપણને અંદર ના જવા દીધા.”
“તો હવે આગળ શું?”
“પપ્પુ મારી પાછળ પાગલ છે. એ મનોમન મને પ્રેમ કરે છે. મને ગાર્ડ ના નહીં પાડે. હું એકલી મળીને આવું છું. તમે ગાડીમાં જઈને બેસો.” કમલાએ વિશ્વરાજને મૂકીને પપ્પુ સાથે વાત કરવા ઉપડી.
***
“બેન, પાછા તમે આવ્યા. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. એક મહિલા સાથે લપ કરું એ સારું ના લાગે. તમે જતા રહો.” ગાર્ડએ વિનમ્રતાથી કહ્યું.
“પણ મારે આટલું જ જાણવું છે કે પપ્પુ.. મારો અર્થ છે કે પરિમલજી અંદર છે કે નહીં?” કમલાએ શાંતિથી પૂછ્યું.
“હા એ અંદર જ છે.”
“હું એમની બહુ મોટી ફેન છું. મને ફક્ત એકવાર એમને મળવા દો ને.”
ગાર્ડ પણ વિચારમાં પડી ગયો કે હજી તો પરિમલનો આ પહેલો શો છે અને એની ફેન અને એ પણ આ કામવાળી લાગતી કમલા! એને દાળમાં કાંઇક કાળું લાગ્યું.
“ના બેન અમને ચોખ્ખી મનાય છે. માફ કરો.”
“હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. ફક્ત એક જ વાર મારે મળવું છે મને મળવા દો ને.”
“એકવાર કહ્યું ને હવે શું તમને ધક્કા મારીને કાઢું.”
“ગાર્ડ, સભ્યતાથી વાત કરો. આવવા દો એને અંદર.” પપ્પુ દરવાજે આવી ગયો હતો.
ગાર્ડએ માફી માંગી અને કમલાને અંદર જવા દિધી. કમલા તો પરિમલ બનેલા પપ્પુને જોઈ જ રહી. લાલ રંગનો સૂટ. વાળમાં જેલ લગાવેલું. મોઢા પર મેકઅપ. પપ્પુ ઉર્ફે પરિમલ તો સુપરસ્ટાર લાગી રહ્યો હતો.
“પપ્પુ..”
“એક મિનિટ.. પપ્પુ નહીં મારુ નામ પરિમલ છે. જાદુગર સમ્રાટ પરિમલ.” પપ્પુ ઉર્ફે પરિમલે વટથી કહ્યું.
કમલાને દાજ ચડી પણ અત્યારે એ દાજ દાંત વડે દબાવી દિધી.
“આમ અચાનક આટલો મોટો શો? બે દિવસમાં મહાન જાદુગર! આ બધુ કઈ રીતે?”
પપ્પુએ એક ફૂલ કમલાના હાથમાં આપ્યું. ઉપર લાલ રૂમાલ ઢાંક્યો. હાથની થોડી કરામત કરી અને રૂમાલ હટાવવાનુ કહ્યું. રૂમાલ જેવો હટાવ્યો કે કમલાના હાથમાં રહેલું ફૂલ પુસ્તક બની ગયું. કમલા અચંબિત થઈ ગઈ. આ તો એ પસ્તી પસ્તી કહેતી હતી એ જ પુસ્તક હતું.
“પાનાં નંબર ૨૭ પર લખેલું વાક્ય વાંચ.” પપ્પુ ઉર્ફે પરિમલે કમલા સામે જોયા વગર કહ્યું.
કમલાએ ૨૭ નંબરનું પાનું ઉથલાવ્યું. બહાર ફરી એ જ વંટોળિયો આવ્યો. ઓડિટોરિયમના પડદા ઉડવા લાગ્યા. દરવાજો અચાનક ખુલ્લી ગયો. બહાર ઝાડના સુકાઈ ગયેલા પાંદડા ઉડવા લાગ્યા. કમલાએ ધ્યાનથી વાંચ્યું. મથાળે એક વાક્ય લખેલું હતું:
“Magic is believing in yourself, if you can do that, you can make anything happen.”
“જાદુ એટલે તમારી જાત પર વિશ્વાસ. જો તમે જાદુ કરી શકો છો તો તમે ગમે તે કરી શકો છો.”
સુનિલ ગોહિલ “માસ્તર”,