દેશના સુરક્ષા દળોને મજબૂત કરવા માટે ‘તણાવ મુક્ત તાલીમ પ્રવૃત્તિઓ’ આજના સમયની જરૂરિયાત : વડાપ્રધાનશ્રી

 

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયનું અત્યાધુનિક ભવન રાષ્ટ્રને સમર્પિત કરી તેનું પ્રથમ દીક્ષાંત સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 

આજના દિવસના વિશેષ મહત્વનું સ્મરણ કરીને પ્રધાનમંત્રીશ્રીએ મહાકૂચ કરનાર મહાત્મા ગાંધી અને દાંડી કૂચમાં સહભાગી થનાર વીર આંદોલનકારીઓને શ્રદ્ધાંજલિ આપીને ઉમેર્યું હતું કે, “અંગ્રેજોના અન્યાય સામે ગાંધીજીના નેતૃત્વ હેઠળની આ ચળવળએ બ્રિટિશ સરકારને આપણા ભારતીયોની સામૂહિક શક્તિનો અહેસાસ કરાવ્યો હતો.”

 

શ્રી મોદીએ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓની છબી બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. લોકપ્રિય સંસ્કૃતિમાં પોલીસનું નિરૂપણ પણ આ સંદર્ભમાં મદદ કરતું નથી. કોરોના મહામારી દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા માનવીય કાર્યોની નોંધ પણ તેમણે લીધી છે. “સ્વતંત્રતા પછી, દેશના સુરક્ષા વિભાગમાં સુધારાની જરૂર હતી. એક ધારણા વિકસાવવામાં આવી હતી કે આપણે ખાખીથી સાવચેત રહેવું જોઈએ. પરંતુ હવે તેમાં પરિવર્તન આવ્યું છે. જ્યારે લોકો હવે ખાખીને જુએ છે, ત્યારે તેઓને મદદની ખાતરી મળે છે”,એમ તેમણે ઉમેર્યું હતું.

 

પોલીસ કર્મચારીઓને સંયુક્ત પરિવારના સપોર્ટ નેટવર્કના અભાવને કારણે તણાવગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. સુરક્ષા દળોમાં તણાવ મુક્ત રહેવા માટે યોગ નિષ્ણાતોની જરૂરિયાત પર ભાર મૂકી શ્રી મોદીએ કહ્યું કે, “દેશના સુરક્ષા દળને મજબૂત કરવા માટે તણાવ મુક્ત તાલીમ પ્રવૃત્તિઓ એ સમયની જરૂરિયાત છે.”

 

સુરક્ષા અને પોલીસિંગના કામમાં ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂકી શ્રી મોદીએ કહ્યું કે, જો ગુનેગારો ટેક્નોલોજીનો ઉપયોગ કરતા હોય તો તેમને પકડવા માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો આવશ્યક છે. ટેક્નોલોજી પરનો આ ભાર દિવ્યાંગ લોકોને પણ આ ક્ષેત્રમાં યોગદાન આપવા સક્ષમ બનાવશે.

શ્રી મોદીએ ઉમેર્યું કે, ગાંધીનગર વિસ્તારમાં નેશનલ લૉ યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે. તેમણે આ સંબંધિત ક્ષેત્રોમાં સર્વગ્રાહી શિક્ષણનું નિર્માણ કરવા માટે નિયમિત સંયુક્ત પરિસંવાદો દ્વારા આ સંસ્થાઓ વચ્ચે તાલમેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, “ક્યારેય આને પોલીસ યુનિવર્સિટી માનવાની ભૂલ ન કરો. આ એક રક્ષા યુનિવર્સિટી છે જે દેશની સંપૂર્ણ સુરક્ષાનું ધ્યાન રાખે છે.”

 

તેમણે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે, તેઓએ માનવતાના મૂલ્યોને હંમેશા તેમની વર્ધીમાં અભિન્ન રાખવા જોઈએ અને તેમના પ્રયાસોમાં ક્યારેય સેવા ભાવનાની કમી ન હોવી જોઈએ. તેમણે સુરક્ષા ક્ષેત્રમાં મહિલાઓની વધતી જતી સંખ્યાની સંતોષ સાથે નોંધ લઈ ઉમેર્યું કે “અમે સંરક્ષણ ક્ષેત્રમાં મહિલાઓની વધુ ભાગીદારી જોઈ રહ્યા છીએ. વિજ્ઞાન હોય, શિક્ષા હોય કે સુરક્ષા હોય, મહિલાઓ અગ્રેસર રહીને નેતૃત્વ કરી રહી છે.”

 

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આત્મ સુરક્ષિત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે રાજ્યની જવાબદારી એવા કાયદો અને વ્યવસ્થાના વિષયને એક હોલિસ્ટિક એપ્રોચ થી જોવાની શરૂઆત કરી હતી. રાજ્યના પોલીસ તંત્રને આધુનિક કરવાની નેમ સાથે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો કોમ્પ્યુટર રાઈઝ કર્યા અને તમામ પોલીસ સ્ટેશનને એક કનેક્ટિવિટીથી જોડ્યા હતા. આધુનિક સોફ્ટવેર તૈયાર કરી સેવામાં કાર્યરત પોલીસ કર્મીઓને કોમ્પ્યુટરની ટ્રેનીંગ આપી હતી.

 

ત્યાર બાદ જેલ અને ફોરેન્સિક લેબને પણ આ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા હતા.

 

શ્રી શાહે ઉમેર્યું કે, લો યુનિવર્સિટી, રક્ષા શક્તિ યનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ના નિર્માણ થકી કાયદો અને વ્યસ્થાના શિક્ષણની સુદ્રદ્ઢ માળખાની રચના દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. યુવાઓમાં એક પરિવર્તનની જરૂર છે. યુવાઓ પોતે કારકિર્દી માટે એક વિષય નક્કી કરે અને એ વિષય હેતુ તેમને ખાસ તાલીમ આપવામાં આવે તો જ તે યુવા જે તે વિષયમાં પોતે નિષ્ણાત બની શકે છે.

 

શ્રી શાહે ઉમેર્યું કે, દેશનો કોઈ પણ ક્ષેત્ર હોય આર્થિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, બાહ્ય સુરક્ષા કે પછી આંતરિક સુરક્ષા હોય તેમાં જરૂરી માળખાકીય સુધારા કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો વ્યાપ વધશે અને એક આત્મ સુરક્ષિત રાષ્ટ્રની દિશામાં આમૂલ પરિવર્તન આવશે.

 

આર.આર.યુ.ના વાઇસ ચાન્સેલર શ્રી બિમલ એન. પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ માટે શૈક્ષણિક-સંશોધન-તાલીમ ઇકોસિસ્ટમ બનવાનો છે.

 

RRU ખાતેની 10 શાળાઓ તાલીમ, સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્યક્રમો હાથ ધરવા રાષ્ટ્રીય સુરક્ષા અને શૈક્ષણિક ઇકોસિસ્ટમની રચના કરવા માટેની ઉમદા પરિકલ્પના છે. રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના પ્રથમ પદવીદાન સમારોહમાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીની બેચના ૧૦૯૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં ૧૪ પીએચડી, ૧૬ એમફિલ, ૨૪૩ પીજી ડિપ્લોમા, ૮૨૩ અનુસ્નાતક, ૨૭૧ સ્નાતક અને ૧૯૪ ડિપ્લોમા કક્ષાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. RRU ખાતે પોલીસિંગ અને આંતરિક સુરક્ષાના વિવિધ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે તેમાં હાલમાં ૧૮ રાજ્યોમાંથી ૮૨૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

 

આ સમારોહમાં આર્મી, નેવી, એરફોર્સ, સીઆઇએસએફ, એનડીઆરએફ, સીઆરપી, બીએસએફ તથા એનસીસીના ઉચ્ચ અધિકારીઓ, લવાડ પંચાયતના સભ્યો, રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના અધ્યાપકો, પદવી મેળવનાર વિદ્યાર્થીઓ વાલીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.