પોરબંદર તાલુકાનાં કુછડી ગામે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ટીમે આકસ્મીક દરોડા કરી બિલ્ડીંગ લાઇમ સ્ટોનનું ગેરકાયદે ખનન પકડી પાડી ઘટના સ્થળેથી ખનનમાં ઉપયોગમાં લેવાતો ટે્રકટરો, ચકરડી સહિતનો ૭પ લાખની કિંમતનો મુદામાલ પકડી પાડયો હતો. તંત્રની ટીમ ત્રાટકતાં ભાગાભગ મચી ગઇ હતી અને શખ્સો બે ટે્રકટરો લઇને નાસી ગયા હતાં.
ખનીજ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદર તાલુકાનાં કુછડી ગામે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની પોરબંદર ટીમ દ્વારા આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવી હતી. અને તેમાં તપાસ દરમિયાન ૬ સ્થળે બીન અધિકૃત બિલ્ડીંગ લાઇમ સ્ટોનનું ખનન જોવા મળ્યું હતું. તેમની આ વ્યાપક તપાસ દરમિયાન કુલ ૧૬ ચકરડી મશીન, ૪ ટ્રક, ૪ જનરેટર અને ૬ ટે્રકટર સહિતનો મશીન વાહનનો રૂા.૭પ લાખ જેટલી કિંમતનો મુદામાલ કબજે લેવાયો હતો. જોકે આ તપાસ દરમિયાન તેમાંથી બે ટે્રકટરોને લઇને શખ્સો નાસી ગયા હતાં. આ મામલે આગળની તપાસ ચાલુ છે.
ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા આ રેડ એક ચોકકસ બાતમીનાં આધારે કરવામાં આવી હતી. ઘટના સ્થળે પીજીવીસીએલની ટીમ પહોંચતા જ ભારે નાસભાગ મચી ગઇ હતી. તંત્રની ટીમ દ્વારા હાલ જિલ્લામાં બાજ નજર રાખવામાં આવી રહી છે અને વધુ કેટલાક સ્થળોએ પણ આ પ્રકારનાં દરોડા થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.