જુલી એના ગામડેથી ચાર દિવસે આજે પાછી આવી હતી. લંડન જવાના સમાચાર આપવા એ એના ઘરે ગઈ હતી. એ ખૂબ ખુશ હતી અને એનો પરિવાર હવે ગરીબ નહીં રહે એ વાતથી પરિવાર વધુ ખુશ હતો.
જુલી એના મમ્મીના હાથના ચૂરમાંના લાડવા લઈને આવી હતી. પરિમલને ચૂરમાંના લાડવા ખૂબ ભાવતા. આજે એ ખૂબ ખુશ હતી એણે મનોમન નક્કી કરી લીધું હતું કે લંડન પહોંચતા જ પરિમલને પોતાના મનની વાત કરી દેશે.
જુલીએ જેવો પરિમલના ઘરમાં પ્રવેશ કર્યો કે ઘરની અવ્યવસ્થતતા વ્યવસ્થિત રીતે પાથરેલી જોઈ. મોટા દીવાનખાનાનો દેખાવ પરિમલના વિખાયેલા મગજ જેવો જ હતો. ખૂણામાં પડેલા કબાટનું બારણું ખુલ્લું હતું, એમાં ત્રણ ચાર દિવસથી ના ધોવાયેલા મેલાં કપડાંના ડૂચા દેખાતા હતા. એકાદ – બે સારા કપડાં બુટ મૂકવાની જગ્યાએ પડ્યા હતા. એક બુટ કપડાં ટાંગવાની ખીંટી ઉપર લટકતું હતું. ડાઈનિંગ ટેબલ પર કાચનો પાણીનો જગ પડ્યો હતો. બાજુમાં કોઈ દિવસ ના ખવાતા ફળ પડ્યા હતા.
દેખાવ એવો હતો કે ચારેક દિવસથી કોઈએ ઝાડુ લઈને ઘર સાફ નહીં કર્યું હોય, કારણ કે ચારે બાજુ સિગારેટના ઠુંઠાં પડ્યા હતા. સાથે જ બીજો રૂમ હતો, અહીં પરિમલ આરામ ફરમાવતો. આરામ માટે રાજાશાહી પલંગ હતો. વાંચનનો શોખ હતો એટલે અલગ અલગ પુસ્તકો હતા. પીવાનો ખૂબ શોખીન હતો એટલે રૂમમાં આમ – તેમ પડેલી ચાર પાંચ બિયરની બોટલો હતી. બીજા ત્રણ રૂમ પણ હતા જે સામાન્ય રીતે મહેમાન માટે ખાલી રાખવામાં આવતા. જો કે આજ સુધી કોઈ મહેમાન એ રૂમની શોભા વધારવા આવ્યું નહોતું.
જુલીએ એક પછી એક બધા રૂમ તપાસ્યા પણ એને પરિમલ કોઈ જગ્યાએ દેખાયો નહીં. પરિમલના રૂમમાં જઈને ડાયરી જોઈ, કોઈ મિટિંગ કે એમાં તો નહીં હોય એ તપાસવા પણ ડાયરીમાં લંડનના શો પછીની જ બધી તારીખો હતી. ચિંતામાં પરિમલના મિત્રોને ફોન કરવાનું વિચાર્યું પણ પછી યાદ આવ્યું કે પરિમલને તો ક્યાં કોઈ મિત્ર જ છે?
“જુલી.. જુલી.. પરિમલના કાંઇ સમાચાર મળ્યા?” દોડાદોડ આવેલા વિશ્વએ પૂછ્યું.
“હું તને જ ફોન કરવાની હતી. હું અડધી કલાકથી આમ – તેમ પરિમલને શોધું છું પણ એ ઘરમાં નથી.” જુલીએ કપાળ પર વળેલો પરસેવો લૂછતાં કહ્યું.
“હા, હું પણ બહાર બધે જોઈ આવ્યો. બહાર ચોકીદાર ને પણ પૂછ્યું, એણે કહ્યું કે પરિમલ સાહેબ વહેલી સવારે જોગિંગ કરવા નીકળેલા પછી આવ્યા નથી. હું એ જોગિંગ કરવા જાય ત્યાં પણ આટો મારી આવ્યો. ત્યાં પણ મે પૂછપરછ કરી. રોજ જ્યાં એ આમળાંનું જ્યુસ પીવે છે એને પણ પૂછ્યું. બધા એ એમ જ કહ્યું કે પરિમલ સાહેબ આવ્યા હતા પણ પછી ક્યાં ગયા એ ખબર નથી.”
“શું તે સી. સી. ટી. વી. ચેક કર્યું?”
“હા, એમાં પરિમલ સોસાયટીની બહાર જતો દેખાય છે પણ અંદર આવતો નથી દેખાતો. આ ભારે મોકાણ થઈ, આપણે આવતીકાલે લંડન જવાનું છે અને જેના ભરોસે જવાનું છે એ જ ગાયબ છે.”
જુલીએ થોડી વિચાર કર્યો. આગળ હવે શું કરવું? થોડીવાર એને ખુદ પર જ ગુસ્સો આવ્યો કે એ શા માટે ગામડે ગઈ? જો એ ગઈ જ ના હોત તો પરિમલ ગાયબ જ ના થાત. એમ પણ પરિમલ હાલ માનસિક બિમાર છે. જો એ કોઈ જગ્યાએ ફસાય ગયો તો! લંડન જવાના સપનાનું શું? એના પરિવારનું શું?
“આપણે પોલીસ ફરિયાદ કરીએ તો?” જુલીએ વિચારોના વમળમાંથી બહાર આવીને કહ્યું.
“એ શક્ય જ નથી. શું તું નથી જાણતી કે પરિમલ કેટલી મોટી સેલિબ્રિટી છે? પોલીસ પાસે જશું કે તરત જ મિડિયામાં વાત લીક થઈ જશે અને લંડન જો પેલા ભૈરવ સુધી વાત પહોંચી તો એ લંડનની ટુર કેન્સલ કરી નાખશે.” વિશ્વએ મુદ્દાની વાત કરી.
“પણ તું ક્યાં હતો? તને તો હું કહીને ગઈ હતી કે ગામડે જઉ છું, પરિમલનું ધ્યાન રાખ જે. ક્યાં હતો તું?”
“હું.. હું.. હું..”
“ચૂપ, એકદમ ચૂપ. છોકરીઓમાં પડ્યો હોઈશ. હા.. હા.. નક્કી એ જ હોય, તારું મોઢું જ કહી દે છે. પૈસા આવ્યા પહેલા ઉડાવવાનું શરૂ. આ તારી ભૂલના લીધે લંડન અટકે એવું લાગે છે.” જુલીએ વિશ્વનો ઉધડો લીધો.
“હું એની સાથે જ હતો, બસ પરમદિવસે જરા એક છોકરી સાથે ક્લબમાં મુલાકાત થઈ તો ત્યાં હતો અને આ પરિમલ એક દિવસમાં ક્યાં ગાયબ થઈ ગયો? પણ અત્યારે મુદ્દો મે શું કર્યું એ નથી. પરિમલને શોધવાનો છે. એને કેમ શોધવો એ વિચાર કર.”
“પોલીસ ફરિયાદ સિવાય આપણી પાસે કોઈ જ વિકલ્પ નથી. ભલે, મિડિયામાં ખબર પડે. એનાથી આપણે જ ફાયદો છે. પબ્લિસિટી મળશે અને વિચાર પરિમલ ગાયબ છે એ વાત લંડન પહોંચશે એટલે લોકો હવે શું થશે.. હવે શું થશે? એ જાણવા તલપાપડ થશે. મફતની પબ્લિસિટી મળશે.”
“પણ પરિમલ ના મળ્યો તો?”
“શું કામ ના મળે? પોલીસ એને ચોવીસ કલાકમાં શોધી લેશે. ખાલી વિચાર કર, પરિમલના ગાયબ થયા પછી એ મળ્યો એ વાત મિડિયામાં અવશેમ લંડન સુધી પહોંચશે એટલે માણસોના ટોળાંના ટોળાં આપણો શો જોવા ઉમટી પડશે.”
વિશ્વને જુલી જે રીતે વર્ણન કરી રહી હતી એ સાંભળીને મજા આવી ગઈ. એને તો એની આંખ સામે પાઉન્ડસ દેખાવા લાગ્યા. બે ઘડી તો બન્ને ભૂલી જ ગયા કે પરિમલ ગાયબ છે.
“ચાલ હવે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ તો લખાવી દઈએ.” જુલીએ નિરાશા છોડીને કહ્યું.
બન્ને ઉપડ્યા પોલીસ સ્ટેશન. ત્યાં જઈ ઇન્સ્પેકટર વાઘમારેને બધી વિગતે વાત કરી. પરિમલ કેટલા સમયથી ગાયબ છે? છેલ્લે એને ક્યાં જોયો?
ઇન્સ્પેકટર વાઘમારે એક નંબરનો ભ્રષ્ટ પોલીસ ઓફિસર હતો. જ્યાં સુધી એનું ખિસ્સું ગરમ ના થાય ત્યાં સુધી એ કોઈપણ કેસમાં તપાસ જ આગળ ના વધારતો પણ અહિયાં એને વધુ લાલચ જાગી. કેસ હાઇ પ્રોફાઇલ છે. મિડિયામાં વાત આવશે. કેસ સોલ્વ થશે તો પ્રમોશન મળી જશે.
ઇન્સ્પેકટર વાઘમારેએ બાજુમાં ઉભેલા કોન્સ્ટેબલને ઇશરામાં મિડિયાને કાને વાત નાખવાનું કહી દીધું કે મહાન જાદુગર પરિમલ એક દિવસથી ગાયબ છે. વાઘમારેએ રિપોર્ટ લખી. જરૂરી વિગતો મેળવી લીધી. પરિમલને ઓળખતો જ હતો છતા એક એનો ફોટો પણ લઈ લીધો.
“તમે ચિંતા ના કરો. હવે બધુ અમારા પર છોડી દો. પરિમલજી જ્યાં હશે ત્યાંથી એને શોધીને તમારા સુધી પહોંચાડવાની જવાબદારી અમારી.” વાઘમારેએ ઔપચારિકતા માટે કહ્યું.
વિશ્વ કે જુલી કશું બોલે એ પહેલા તો મિડિયાનો કાફલો આવી પહોંચ્યો. એમ પણ આજ કાલ એમ્બ્યુલન્સ કરતાં બ્રેકિંગ ન્યૂઝ વહેલી પહોંચે છે.
“મહાન જાદુગર પરિમલ ક્યાં છે?”
“શું એને કોઈએ કીડનેપ કર્યા છે?”
“પોલીસ ફોર્સ શું એક્શન લઈ રહી છે?”
“શું પરિમલજીની કોઈ સાથે દુશ્મની હતી?”
“શું હવે લંડનમાં શો થશે?”
“મહાન જાદુગર પરિમલ વિશે તમે શું જાણો છો?”
એક પછી એક મિડિયાકર્મીઓએ સવાલોનો વરસાદ વરસાવ્યો. જેવું જુલીએ વિચારેલું એવું જ થયું. વાઘમારે પણ બને એટલો કેમેરામાં દેખાવાનો પ્રયત્ન કરતો હતો.
“જુઓ, હાલ જ અમને ખબર પડી છે. અમે મહાન જાદુગર પરિમલને શોધવા માટે ટીમ બનાવી નાખી છે. એ જ્યાં હશે ત્યાંથી એને શોધી લેશું.” વાઘમારેએ હસ્તાં મોઢે બરાબર બધા કેમેરા સામે જોઈને કહ્યું.
“શું એમને કોઈએ કીડનેપ કર્યા છે?”
“એ કહી શકાય એમ નથી. કોઈએ રેન્સમ મની માટે ફોન કર્યો નથી.”
મની શબ્દ બોલતા જ જુલીનો ફોન રણક્યો. બધા કેમેરા જુલી સામે. જુલીએ ધ્રૂજતા હાથે ફોન ઉપાડ્યો.
“હેલ્લો. હા, બોલું છું.. શું? કેવી રીતે? પણ એ તો અમારી સાથે.. પણ આમ અચાનક.. ક્યારે?.. કઈ રીતે?.. શું એ ત્યાં છે?.. પણ અમે તો એને અહિયાં.. હા.. હા. અમે આજ સાંજની ફ્લાઇટમાં જ.. હા.. ઓકે.. ઓકે.. થેન્ક યુ..” જુલીએ એ જ ધ્રૂજતા હાથે ફોન મૂક્યો.
મિડિયાકર્મીઓએ ફરી એક પછી એક સવાલો ચાલુ કર્યા.
“શું કિડનેપર નો ફોન હતો?”
“ક્યાં છે પરિમલજી?”
“કેટલા રૂપિયા માંગ્યા?”
“હવે ઇન્સ્પેકટર વાઘમારે આપ શું કરશો?”
“મેડમ, કિડનેપરે ફોનમાં શું કહ્યું?”
“કોણ છે કિડનેપર?”
“શું પરિમલજીને એણે મારી..”
“શટ આપ.. જસ્ટ શટ આપ.. પરિમલને કોઈએ નથી માર્યા. તમારા મહાન જાદુગર પરિમલ તો લંડનમાં છે.” જુલીએ ચીસ પાડતા પાડતા કહ્યું.
~ સુનિલ ગોહિલ “માસ્તર”,