બનાસકાંઠાના પાલનપુર, અમીરગઢ, દાંતા, દાંતીવાડા સહિતના ગામના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે ફરી એક વખત અવાજ ઉઠાવ્યો છે અને જળાશયોમાં પાણી છોડવાની માગ કરી છે.
સરકારે જે બજેટ ગૃહમાં રજૂ કર્યું છે, તેની સામે જગતના તાતે ભારે નારાજગી દર્શાવી છે, પાલનપુર, અમીરગઢ સહિતના તાલુકાના જળાશયો વહેલી તકે ભરાય તે દિશામાં પણ ખેડૂતોએ માગ ચલાવી છે, આ પહેલા પણ ખેડૂતોએ રેલી યોજી મંત્રણા કરી, કરમાવદ તળાવ,મલાણાનું મલાણા તળાવ ભરવાની માગ કરી હતી, ખેડૂતોને આશા હતી કે બજેટમાં તેમના મુદ્દાઓને ધ્યાનમાં લેવાશે પણ આશા મુજબ નિર્ણય ન લેવાતા ધરતીપુત્રોમાં નિરાશા જોવા મળી છે અને વિધાનસભાની ચૂંટણીમાં બહિષ્કારનો રાગ આલાપ્યો છે.
બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારીત જિલ્લો છે,એશિયામાં સૌથી વધુ પશુપાલન આ જિલ્લામાં છે, જ્યાં 20 ટકા વિસ્તારમાં નર્મદાનું પાણી આવે છે, જ્યારે 80 ટકા વિસ્તાર એવો છે જ્યાં નર્મદાનું પાણી આવતું નથી.
ધરતીપુત્રો એક તરફ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી રહ્યા છે, ત્યારે જોવું એ રહ્યું કે ખેડૂતોની નારાજગી વચ્ચે સરકાર હવે કઈ દિશામાં પગલા ભરે છે.