દાજી કહે છે, “મનનું નિયમન કેવી રીતે કરવું, તે જાણવું એ જીવનનો સૌથી મોટો ઉપહાર છે.”

એલ. એમ. કોલેજ ઓફ ફાર્મસી, LMCP ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન, તથા રિસર્ચ સોસાયટીએ (LAARS) ભેગા મળીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ૭૫મી વાર્ષિક સભાની ઉજવણીના ઉદઘાટનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે હાર્ટફુ લનેસના માર્ગદર્શક દાજીએ પ્રમુખ પદ સંભાળ્યું હતું, જેઓ પોતે એલ. એમ. કોલેજ ઓફ ફાર્મસીના વર્ષ ૧૯૭૮ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેઓ આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ હતા. વિશ્વવ્યાપી રોગચાળાને કારણે જે સભા કોલેજના પ્રાંગણમાં થતી હતી, તેના બદલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હવે છેલ્લા બે વર્ષથી દર વર્ષે ઑન લાઈન મળે છે. ૨૦૨૧ની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનની સફળતા બાદ, LMCPએ તેમની હીરક જયંતિનું આયોજન પણ ઑન લાઈન કરવાનું નક્કી કર્યું હતું. આ વર્ચુઅલ સંમેલનમાં કોલેજના પ્રબંધન કર્મચારીઓ, પ્રાધ્યાપક ગણ અને ભારત તથા દુનિયાભરમાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત, આશરે ૩૦૦ સહભાગી જોડાયા હતાં. આ પ્રસંગમાં દુનિયાભરમાંથી ૨૦,૦૦૦થી અધિક હાર્ટફુલનેસના અભ્યાસીઓએ ભાગ લીધો હતો.

૨૦૨૨ કોલેજનું ૭૫મું વર્ષ હોવાને કારણે મેનેજમેન્ટ આ વર્ષે સમયાંતરે ૭૫ વિવિધ સાંસ્કૃતિક અને સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહ્યું છે અને વર્ષ ૨૦૨૨નું આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન, તેનો પ્રારંભિક પ્રસંગ છે. આ કોલેજમાંથી ઘણાં સફળ વિદ્યાર્થીઓ સમાજમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત છે, જેમાં દાજી ઉપરાંત ડો. એન. આર. શેઠ (ગુજરાત ટેકનિકલ યુનીવર્સીટીના વાઇસ ચાન્સેલર) કે જેઓ દાજીના સહપાઠી હતા, ડો.વસંત શર્મા, (ભૂતપૂર્વ ગ્લોબલ હેડ, બાયોથેરાપીક્સ, જેનસેન ફાર્માસ્યુટીકલ, ભારત) અને પરદેશથી ડો. રાજ ચોપરા (સ્થાપક ટીશકોન કોર્પોરેશન) સામેલ હતા. આ બધાંને આ પ્રસંગે આમંત્રિત કરવામાં આવ્યા હતા. મોટા ભાગના સહભાગીઓમાંથી જેઓ હવે સિત્તેર વર્ષથી મોટી વયના છે, તેમને માટે આ એક આંનદાદાયક પુનઃમિલન હતું.

દાજી ત્રણ દાયકા અગાઉ યુનાઈટેડ સ્ટેટ્સ ગયા હતા અને તેઓ ન્યુયોર્ક શહેરમાં અતિ સફળ ફાર્માસ્યુટીકલ વ્યવસાયી તરીકે કાર્યરત હતા. તેઓ જ્યારે વિદ્યાર્થી હતા, ત્યારથી તેમનામાં આધ્યાત્મિક ઝુકાવ પેદા થયો હતો અને તેમના ગુરુજી, શ્રી બાબુજી(શ્રી રામચંદ્રજી, શાહજહાનપુર) સાથેના જોડાણ બાદ તેમનો આ ઝુકાવ બહાર ઊભરી આવ્યો હતો. શ્રી રામચંદ્ર મિશનના પ્રમુખ તરીકે દાજી તેમની પ્રતિબધ્ધ સેવાઓ દ્વારા આધ્યાત્મિક પ્રથાઓમાં અવિરતપણે કાર્યરત છે અને સાથોસાથ હાર્ટફુલનેસને પ્રસ્થાપિત કરીને તેના વૈશ્વિક માર્ગદર્શક તરીકે સેવા આપી રહ્યા છે.

LMCPની તેમની સફર વિષે વાત કરતાં દાજીએ વિગતવાર જણાવ્યું હતું કે તેઓ LMCPમાં અભ્યાસ દરમિયાન કેવી રીતે ધ્યાનના કાર્યક્રમોમાં ભાગ લેતા હતા અને કોલેજના ઘણાં વિદ્યાર્થીઓને તથા ઘણાં પ્રાધ્યાપકોને પણ તેના કારણે ફાયદો થયો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના ધ્યાનના અભ્યાસની શરૂઆત એક નાના જૂથ તરીકે થઈ હતી અને જેમ નાના નાના પાણીના ટીપાં મહાસાગર બનાવે છે, તેમ એક નાની ઝુંબેશ હવે ૧૬૦ દેશોમાં ફેલાઈ ગઈ છે અને હવે આ ઝુંબેશ ધ્યાનની હાર્ટફુલનેસ પદ્ધતિ તરીકે જાણીતી છે. દવા અને ધ્યાન વચ્ચેની સમાનતાને દર્શાવતા દાજીએ જણાવ્યું કે “મેડીકાનો મતલબ છે ઉપચાર કરવો, જેમ દવાઓ ભૌતિક શરીરના ઉપચારમાં મદદ કરે છે, તેમ ધ્યાનાનો ઉદ્દેશ્ય મનના ઉપચારનો છે. આંતરિક યાત્રા દ્વારા જ વ્યક્તિ તેની સાચી તીર્થયાત્રા કરી શકે છે.” દાજીએ એ પણ કહ્યું કે, “ભારત ધર્મો અને સંસ્કૃતિનું મિલન સ્થાન છે. ભારતે તમામ ધર્મોને આત્મસાત કર્યા છે અને અમે તેમના શ્રેષ્ઠ ઉપદેશોને સામેલ કરી રહ્યા છીએ. હું શ્રી કૃષ્ણની સલાહથી ખૂબ જ પ્રભાવિત થયો છું કે દરેક વ્યક્તિ સુખની શોધમાં છે, પરંતુ વધુ સંપત્તિ દુઃખ લાવે છે. સુખનું મૂળ મનની શાંતિમાં છે. જો કોઈ વ્યક્તિ આત્મનિર્ભર ન હોય, તો કદાચ તે તેની સંપત્તિનો ત્યાગ કરી શકતી નથી પણ તે પોતાના અંતરાત્મા તરફ ધ્યાન આપી શકે છે. મુદ્દો ‘ભૌતિકતા’ અને ‘આધ્યાત્મિકતા’ વચ્ચે સંતુલન જાળવવાનો છે, નહીં તો વ્યક્તિ એક-તરફી બની જાય છે. દુનિયાના તમામ ધર્મોએ ઈશ્વરનો અનુભવ કરવાના સાધન તરીકે ધ્યાન ઉપર ભાર મૂક્યો છે.” પ્રાણાહુતિ સાથેના ધ્યાનની અસરકારકતા ઉપર વાત કરતાં દાજીએ કહ્યું કે, “પ્રાણાહુતિ સાથેના ધ્યાન ઉપરના અભ્યાસોએ દર્શાવ્યું છે કે તે તાત્કાલિક વ્યક્તિને ડેલ્ટા સ્તર સુધી લઈ જાય છે. ડેલ્ટા સ્તરો ગાઢ નિદ્રાની અવસ્થા જેવી ૩-૪ તરંગોની આવૃત્તિ ધરાવે છે. સમાધિ અને ગાઢ નિદ્રા વચ્ચેનો તફાવત એ છે કે જ્યારે તમે સમાધિ જેવી અવસ્થામાં હો, ત્યારે તમે સંપૂર્ણપણે સભાનતાની અવસ્થામાં હો છો, ત્યારે નિદ્રાની અવસ્થામાં તમને કોઈ સભાનતા હોતી નથી.” તેમણે ઉમેર્યું કે, “હાર્ટફુલનેસ,સાધકોના જટિલ પ્રશ્નોની નોંધ લે છે અને તેમને વ્યવહારુ ઉકેલો આપે છે. મનનું નિયમન કેવી રીતે કરવું, તે જાણવું એ જીવનનો સૌથી મોટો ઉપહાર છે.”

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ડો. એમ. ટી. છાબરીયા (આચાર્ય- LMCP) દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ડો. સીમા બજાજે(ફાર્માસીસ્ટ-યુ.એસ.એ.) LMCP ખાતેની જીવનની મધુર પળોને રજૂ કરી હતી, મહાદેવ ભટ્ટે (ફાર્માસીસ્ટ-યુ.એસ.એ.) આધુનિક સમયની ફાર્મેકોલોજીકલ ભૂમિકા ઉજાગર કરી હતી. હીરક જયંતીના ઉજવણી માટેના લોગોનું અનાવરણ મુખ્ય અતિથિ તરીકે દાજીએ કર્યું હતું. સંબંધિત દાયકાના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમાચાર પત્રિકા “Memoirs 2021” નું વિમોચન શ્રી મનોજ શાહ અને શ્રી અશ્વીન પટેલ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના એક ભાગ રૂપે એથીકેર (Ethicare) દ્વારા પ્રાયોજિત મનોરંજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને હીરક જયંતીના વર્ષના શ્રેણીબધ્ધ કાર્યક્રમોને પણ જાહેર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પોતાના સહાપાઠીઓના પુનઃમિલન માટે સહભાગીઓને વર્ચ્યુઅલ લિન્ક પણ પ્રદાન કરવામાં આવી હતી કે જેથી તેઓ પોતાના સહપાઠીઓને ઑન લાઇન મંચ ઉપર મળી શકે. મનોરંજનના ભાગ રૂપે, આયોજકોએ ઇવેન્ટની સમાપ્તિ તરફ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે બેન્ડ પરફોર્મ પણ રાખ્યું હતું.