અયોધ્યામાં ભવ્ય રામમંદિર પાછળ રૂ.1100 કરોડનો ખર્ચ થશે, ત્રણ વર્ષમાં નિર્માણ પૂરું કરાશે

રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના ખજાનચી સ્વામી ગોવિંદદેવગિરિ મહારાજે રવિવારે જણાવ્યું હતું કે, અયોધ્યામાં મુખ્ય રામમંદિર ત્રણથી સાડાત્રણ વર્ષમાં બનીને તૈયાર થઇ જશે અને તેના બાંધકામ પાછળ રૂપિયા ૩૦૦થી ૪૦૦ કરોડ ખર્ચ થશે. ૭૦ એકર જમીન પર સંપૂર્ણ તીર્થ સ્થાનના બાંધકામ પાછળ રૂપિયા ૧૧૦૦ કરોડથી વધુ રકમ ખર્ચ થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું છે કે રામમંદિર બાંધકામ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નિષ્ણાતો સાથેની ચર્ચાને અંતે આ આંકડાકીય તારણ સુધી પહોંચ્યા છે. એક મરાઠી ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન તેમણે ઉપર મુજબ જણાવ્યું હતું. મંદિર ટ્રસ્ટે પ્રોજેક્ટ પાછળ થનારા ખર્ચ અંગે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

તેમણે જણાવ્યું હતું કે, ‘કેટલાક કોર્પોરેટ પરિવારો પાસેથી ભંડોળ ઊભું કરવાની શક્યતા હતી. કેટલાક કોર્પોરેટ પરિવારોએ અમારો સંપર્ક કરીને મંદિર ડિઝાઇનની માગણી કરીને ખાતરી આપી હતી કે તેઓ મંદિર પ્રોજેક્ટ પૂરો કરી દેશે, પરંતુ મેં વિનયપૂર્વક તે દરખાસ્ત નકારી કાઢી છે.’

રામમંદિર ભંડોળ ઉઘરાવવાનું અભિયાન તે વર્ષ ૨૦૧૪ની લોકસભાને ધ્યાને રાખીને ભાજપ દ્વારા ચાલી રહેલું અભિયાન છે તેવી આલોચનાને મુદ્દે તેમણે જણાવ્યું હતું કે લોકોએ જે નંબરના ચશ્મા ધારણ કર્યા હોય તે મુજબ બધું જોતા રહે છે. અમે કોઇ ચશ્મા ધારણ નથી કરેલા અને અમે ભક્તિપથ પર અમારી નજર ટેકવીને આગળ વધી રહ્યા છીએ.

તેમણે કહ્યું હતું કે રામમંદિર નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા અમે ૬.૫ લાખ ગામોના ૧૫ કરોડ ઘર સુધી પહોંચવાનો ઇરાદો ધરાવીએ છીએ.