ચીને લદ્દાખ, સિક્કિમ અને અરુણાચલપ્રદેશનાં જાસૂસી ગતિવિધિઓ વધારી દીધી છે. ભારતની ગુપ્તચર એજન્સીઓએ આ મામલે ભારતીય સેનાને એલર્ટ રહેવા સૂચના આપી છે. પીપલ્સ લિબરેશન આર્મીની આ ગતિવિધિઓની જાણકારી સરકારને પણ પહોંચતી કરાઈ છે. ગુપ્તચર એજન્સીઓને ચીની ગતિવિધિઓની માહિતી કોમ્યુનિકેશન ઇન્ટરસેપ્ટ દ્વારા પ્રાપ્ત થઈ છે. બીજીતરફ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ચીન એલએસી પરથી સેના પાછી ખેંચવાનો પ્રારંભ નહીં કરે ત્યાં સુધી ભારત તેના સૈનિકોની સંખ્યામાં ઘટાડો નહીં કરે.
છેલ્લા ૮ મહિનાથી પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા સૈનિક ગતિરોધનો અંત લાવવા રવિવારથી ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર લેવલની મંત્રણાઓનો પ્રારંભ થશે. એલએસી પર આવેલા ચુશુલ સેક્ટરની સામે પાર આવેલા મોલ્દો ખાતે આ મંત્રણા યોજાશે. આ પહેલાં ૬ નવેમ્બરના રોજ બંને દેશની સેનાઓ વચ્ચે આઠમાં રાઉન્ડની મંત્રણા યોજાઈ હતી.
ભારતીય વાયુસેનાના વડા એરચીફ માર્શલ આર.કે.એસ ભદોરિયાએ જણાવ્યું હતું કે, એલએસી પર ચીન આક્રમક બનશે તો અમે પણ આક્રમક બની શકીએ છીએ. આઠ રાફેલ યુદ્ધવિમાન ભારત આવીપહોંચ્યાં છે અને જાન્યુઆરીના અંત સુધીમાં વધુ ૩ વિમાન આવી પહોંચશે. ૧૧૪ યુદ્ધવિમાન ખરીદવાના અમારા પ્પ્રોજેક્ટમાં રાફેલ યુદ્ધવિમાન મુખ્ય દાવેદાર છે.