ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયાનો પ્રારંભ અમેરિકી સેનેટમાં 9 ફેબ્રુઆરીથી થશે

અમેરિકાના વિદાય થયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટમાં મહાભિયોગની પ્રક્રિયાનો પ્રારંભ ૯મી ફેબ્રુઆરીથી કરાશે. સોમવારે સાંજે ૭ કલાકે ડેમોક્રેટ બહુલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ સેનેટને ટ્રમ્પના મહાભિયોગ માટેના આર્િટકલ મોકલી આપશે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે ટ્રમ્પના મહાભિયોગ પર મહોર મારી દીધી છે અને હવે ડેમોક્રેેટની બહુમતી ધરાવતી સેનેટમાં તેમની સામે કાર્યવાહી ચાલશે. સેનેટ દ્વારા ટ્રમ્પને દોષી ઠેરવવા માટેની સુનાવણીમાં ઇમ્પિચમેન્ટ મેનેજરો અને સાંસદોની પસંદગી મંગળવારે કરાશે. ૧૦૦ સેનેટર જ્યૂરીની ભૂમિકામાં રહેશે. અમેરિકી સેનેટમાં ડેમોક્રેટ નેતા ચક સ્કૂમરે જણાવ્યું હતું કે, ૬ જાન્યુઆરીના રોજ અમેરિકી સંસદ પર હુમલા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ટોળાની કરેલી ઉશ્કેરણીને અમે ક્યારેય ભૂલી શકવાના નથી. આપણે અમેરિકાના ઇતિહાસમાં આ અત્યંત દુખઃ દાયક પ્રકરણને પાછળ છોડી દેવા ઇચ્છીએ છીએ પરંતુ સત્ય અને જવાબદારી હશે તો જ એકતા સાધી શકાશે. આ માટે ટ્રમ્પ સામે મહાભિયોગ અત્યંત જરૂરી છે.

આ વખતે રિપબલ્કિન સાંસદો ટ્રમ્પને જવા દેવાના મૂડમાં નથી. રિપબ્લિકન નેતાઓ ટ્રમ્પ સામે મહાભિયોગ દ્વારા  પાર્ટીમાં તેમણે ફેલાવેલા ધિક્કારના પ્રભાવને ઓછો કરવા માગે  છે. રિપબ્લિકન સાંસદ મિચ મેકકોનેલે  જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે ટ્રમ્પ સામે કાર્યવાહી થાય.  ટ્રમ્પ સામેની કાર્યવાહી તેમના રાજકીય અને અમેરિકી સેનેટના  પણ હિતમાં છે. સેનેટમાં ટ્રમ્પ સામેની મહાભિયોગની  કાર્યવાહીની તરફેણમાં ઓછામાં ઓછા ૧૭ રિપબ્લિકન સાંસદો  મતદાન કરે તેવી સંભાવના છે.

અમેરિકી સંસદનું નીચલું ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી પર મંજૂરીની મહોર મારી ચૂક્યું છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના ૧૦ સાંસદોએ ટ્રમ્પ સામે મહાભિયોગની તરફેણમાં મત આપ્યો હતો.

જો અમેરિકી સેનેટ ટ્રમ્પના મહાભિયોગ પર મહોર મારશે તો તેઓ અમેરિકાના ઇતિહાસમાં બે વાર મહાભિયોગ માટે દોષિત ઠરનારા પ્રથમ પ્રમુખ બની રહેશે. ડિસેમ્બર ૨૦૧૯માં ટ્રમ્પને મહાભિયોગ માટે દોષિત ઠેરવાયા હતા. પ્રમુખપદેથી વિદાય થયા પછી મહાભિયોગની પ્રક્રિયાનો સામનો કરી રહેલા પ્રથમ પ્રમુખ પણ ડોનાલ્ડ ટ્રમ્પ જ છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં રિપબ્લિકન બહુલ સેનેટે ટ્રમ્પને નિર્દોષ છોડી મૂક્યાં હતાં.