શ્રીમતિ આનંદીબેને એમઆઈટી-ડબલ્યુપીયુ રાષ્ટ્રીય મહિલા સંસદ 2021ને સંબોધન કર્યું
પૂણે ખાતે એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટી (એમઆઈટી-ડબલ્યુપીયુ)માં બીજી રાષ્ટ્રીય મહિલા સંસદ (એનડબલ્યુપી) 2021 સફળતાપૂર્વક પૂરી થઈ હતી. એમઆઈટી સ્કૂલ ઓફ ગવર્મેન્ટના સહયોગથી ચાર દિવસની વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન 11મીથી 14મી જાન્યુઆરી 2021 દરમિયાન કરવામાં આવ્યું હતું અને તેની કોન્ફરન્સ થીમ ‘વીમેન ઈન લીડરશિપ 4.0 : પાવર, પ્રોગ્રેસ એન્ડ ચેન્જ’ હતી.
એનડબલ્યુપી 2021માં બિઝનેસ લીડર્સ, એનજીઓના માલિકો, રાજકીય પક્ષોના નેતાઓ, અગ્રણી ખેલાડીઓ સહિત સમગ્ર દેશમાંથી અનેક સેલિબ્રિટીસ ઉપસ્થિત રહ્યા હતા. આ પરીષદમાં 11 સત્રોમાં 71થી વધુ વક્તાઓએ સંબોધન કર્યું હતું અને તેમાં 3500થી વધુ લોકોએ હાજરી આપી હતી.
પરિષદના ઉદ્ઘાટન સત્રને મુખ્ય અતિથિ ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના માનનીય કેન્દ્રીય મંત્રી સુશ્રી દેબાશ્રી ચૌધરીએ સંબોધન કર્યું હતું. આ સત્રમાં પદ્મભૂષણ, લિજેન્ડરી નૃત્યાંગના, દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સનાં સ્થાપક ડૉ. મલ્લિકા સારાભાઈ, ભારત સરકારના આદિવાસી બાબતોના રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રીમતિ રેણુકા સિંહ સરુતા, લોકસભાના માનનીય સભ્ય, (ભાજપ, રાજસમંદ, રાજસ્થાન) ડૉ. દિયા કુમારી, કોમનવેલ્થના સેક્રેટરી જનરલ ધ આરટી હોન પેટ્રિસિયા સ્કોટલેન્ડ ક્યુસી, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના માનનીય રાજ્યપાલ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ભારત સરકારના પીવાના પાણી અને શૌચાલય વિભાગના ભૂતપૂર્વ મંત્રી અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુશ્રી ઉમા ભારતી ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના માનનીય રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ‘બીજી રાષ્ટ્રીય મહિલા સંસદ 2021નો ભાગ બનવું મારા માટે ગૌરવની વાત છે. મહિલાઓ પોતાનામાં જ એક સંસ્થા છે. આપણા રાષ્ટ્રના વિકાસ તરફ મહિલા સશક્તિકરણ એક મહત્વનું પગલું છે. મહિલાઓ આપણા રાષ્ટ્રની સમૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપતી આપણી વર્કફોર્સનો મહત્વપૂર્ણ ભાગ છે. વધુ ને વધુ મહિલાઓને શિક્ષિત કરવામાં આવશે તો આપણે આપણા સમાજમાંથી દહેજપ્રથા જેવી અનેક સામાજિક કુરીતિઓને દૂર કરવા સક્ષમ બની શકીશું. મને એ જાણીને આનંદ થયો છે કે એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીની રાષ્ટ્રીય મહિલા સંસદની પહેલ સમાજના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના અસાધારણ યોગદાનને સ્વીકૃતિ આપતું મંચ છે.’
ચાર દિવસની વર્ચ્યુઅલ પરીષદે નવીન માર્ગ કંડાર્યો છે અને તેમાં ભારત સરકારના આદિવાસી બાબતોના રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રીમતિ રેણુકા સિંહ સરુતા, ભાજપનાં રાષ્ટ્રીય સચિવ, મહારાષ્ટ્ર સરકારના ગ્રામીણ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ભૂતપૂર્વ મંત્રી તેમજ બીડના ભૂતપૂર્વ વાલી મંત્રી શ્રીમતિ પંકજા મુંડે-પાલવે, પદ્મશ્રી, ગાયક, સંગીતકાર શ્રી કૈલાશ ખૈર, ગાયિકા સુશ્રી ઉષા ઉથુપ, સંગીતકાર શ્રી સલિમ મર્ચન્ટે અન્ય મહાનુભાવો સાથે હાજરી આપી હતી. એનડબલ્યુપી આદરણીય પ્રો. ડૉ. વિશ્વનાથ કરાડ દ્વારા પ્રેરિત છે અને તેને પ્રખ્યાત ગાંધીવાદી શ્રીમતિ ઈલા ભટ્ટે પ્રોત્સાહન આપ્યું છે તેમજ અગ્રણી શિક્ષણશાસ્ત્રી શ્રી રાહુલ વિ. કરાડના ગતિશીલ નેતૃત્વ હેઠળ તેનું સંચાલન થઈ રહ્યું છે.
આયોજન સમિતિના વડા, મુકુલ માધવ ફાઉન્ડેશનના સહ-સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી તથા ફિક્કી-એફએલઓ, પૂણેનાં ભૂતપૂર્વ ચેરપર્સન અને ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના ડિરેક્ટર શ્રીમતિ રિતુ છાબરિયા અને એમઆઈટી-ડબલ્યુપીયુના વાણિજ્ય, આર્થિક અને કાયદા વિભાગના ડીન ડૉ. શૈલાશ્રી હરિદાસના આયોજન હેઠળ યોજાતી પરિષદનો ઉદ્દેશ જેન્ડર આધારિત મુદ્દાઓ પર ચર્ચા કરવા અને તેને સમજાવવા વિવિધ પૃષ્ઠભૂમિની મહિલાઓ માટે એક મંચ પૂરું પાડવાનો છે.
એમએઈઈઆરની એમઆઈટીના મેનેજિંગ ટ્રસ્ટી અને એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ તથા એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ શ્રી રાહુલ વી. કરાડે જણાવ્યું હતું કે, ‘ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર હોવા છતાં દેશમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે અને લોકશાહીના સાત દાયકા વિતિ ગયા પછી પણ નિર્ણય લેવાના સ્તરથી મહિલાઓ ઘણી દૂર છે. વૈશ્વિક મૂલ્યો આધારિત શિક્ષણ પૂરું પાડવામાં વિશ્વાસ ધરાવતી એક યુનિવર્સિટી તરીકે અમારું માનવું છે કે મહિલા સશક્તિકરણ પ્રત્યે આ પરિવર્તનનું નેતૃત્વ કરવાની મુખ્ય જવાબદારી અમારી છે. રાષ્ટ્રીય મહિલા સંસદ મારફત અમે વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલાઓને તેમના જેન્ડર-સ્પેસિફિક મુદ્દાઓ પર પ્રકાશ પાડવા એક બીનરાજકીય મંચ પૂરું પાડ્યું છે. રાજકીય, સામાજિક ક્ષેત્ર, શિક્ષણ, સ્પોર્ટ્સ, કોર્પોરેટ, મીડિયા, કળા અને સંસ્કૃતિ, ન્યાય ક્ષેત્રની મહિલાઓ અને યુવાન મહત્વાકાંક્ષી વિદ્યાર્થિનીઓ મહિલાઓના સામાજિક, આર્થિક અને રાજકીય સશક્તિકરણના ક્ષેત્રોમાં તેમના અનુભવો, જ્ઞાન અને સંશોધનોના આદાન-પ્રદાન માટે એક મંચ પર આવે છે. આ ભારતનું મંચ છે, જે મહિલા સશક્તિકરણ અંગે સમાજની માનસિક્તાને આગળ ધપાવવા અને યુવાન મહત્વાકાંક્ષી વિદ્યાર્થિનીઓને તેમની ક્ષમતો ઓળખવામાં મદદરૂપ થશે.’
પદ્મશ્રી, લિજેન્ડરી નૃત્યાંગના, દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સનાં સ્થાપક ડૉ. મલ્લિકા સારાભાઈએ જણાવ્યું હતું કે, ‘એમઆઈટી-ડબલ્યુપીયુ દ્વારા આયોજિત રાષ્ટ્રીય મહિલા સંસદ મારફત અમે સમાજમાં ઉપલબ્ધ વિવિધ સંભાવનાઓ દર્શાવવા તમારા સુધી પહોંચી શકીશું. સમાજના બંધનોથી અટકી ન જશો. આપણી સ્પર્ધા માત્ર આપણી સાથે જ છે. મહિલાઓ નેતૃત્વની સ્થિતિમાં હોય, નિર્ણયો લેવા સ્વતંત્ર હોય તે આજના સમયની જરૂરિયાત છે. શું આપણે આપણો પ્રકાશ ફેલાવવા તૈયાર છીએ?’