માઁ આદ્યશક્તિ કે જેમના અનેક સ્વરૂપ છે અને જેમની આપણે કોઈ ને કોઈ સ્વરૂપે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ. તેમના દરેક સ્વરૂપના પ્રાગટ્ય સાથે એક કથા જોડાયેલી છે. મા ના અનેક સ્વરૂપોમાંનું એક સ્વરૂપ એટલે શાકંભરી દેવી અને આજથી શરૂ થતા માઁ આદ્યશક્તિના આ સ્વરૂપની નવ દિવસ થતી ખાસ આરાધનાનું પર્વ એટલે શાકંભરી નવરાત્રી.
પુરાણોમાં રહેલી કથા મુજબ સર્વ દેવોના પ્રકાશપુંજ એકત્રિત થતા દેવીશક્તિનો પ્રાદૂર્ભાવ થયો. મહાદેવીએ મધુ કૈટભ, ચંડ મુંડ, મહિષાસુર વગેરે અનેક રાક્ષસોના સંહાર સહિત અંતે દુર્ગમ નામના રાક્ષસનો સંહાર કર્યો અને દેવી દુર્ગા તરીકે ઓળખાયા. દેવીશક્તિના આ વિજયનો ઉત્સવ નવરાત્રિ રૂપે ધામધૂમથી ઉજવાય છે. આપણા ભારત દેશમાં વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે : 1) ચૈત્ર નવરાત્રી 2) અષાઢ નવરાત્રી 3) આસો નવરાત્રી 4) પોષ નવરાત્રી જેમાંથી ચૈત્ર, અષાઢ, આસો નવરાત્રીઓનો આરંભ સુદ એકમથી થાય છે, જ્યારે શાકંભરી નવરાત્રીનો આરંભ સુદ આઠમથી થાય છે. સુદ આઠમથી શરૂ થતી આ નવરાત્રી પોષી પુનમ સુધી ચાલે છે. જેને શાકંભરી નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે.
તો ચાલો જાણીએ શાકંભરી નવરાત્રી પાછળ પુરાણોમાં રહેલી કથા : ચંડી પાઠના અગિયારમાં અધ્યાયમાં ઉલ્લેખ મુજબ દેવો ના તેજ પુંજમાંથી પ્રગટેલ દેવીએ અનેક રાક્ષસોનો સંહાર કરતા સર્વે દેવોએ તેમની સ્તુતિ કરી ત્યારે દેવીએ આશીર્વાદ આપીને એક ભવિષ્યવાણી કરી ને સાથે એક વચન પણ આપ્યું. એ ભવિષ્યવાણી મુજબ લગભગ સો વર્ષ સુધી વરસાદ પડ્યો નહીં અને દુષ્કાળની દારૂણ સ્થિતિ સર્જાઈ. ત્યારે દેવીએ વિવિધ પ્રકારના શાકભાજીનું વિતરણ કરીને બધા જીવોનો જીવનનિર્વાહ કર્યો. આમ, દેવીએ આપેલ વચન પૂર્ણ કર્યું અને શાકંભરી દેવી ના નામે ઓળખાયા.
દેવીભાગવતના સાતમા સ્કંધમાં થોડીક જુદી કથા જોવા મળે છે. હિરણ્યકશિપુના કુળના દુર્ગમ નામના રાક્ષસે તપ કરી વરદાન મેળવતા મન્દોમન્ત થયો ને તેણે પૃથ્વી પરથી બધા વેદો ચોરી લીધા. પરિણામે દેવો વેદજ્ઞાનથી વંચિત થઈ ગયા ને સર્વત્ર હાહાકાર મચી ગયો. ઉપરાંત તેણે સ્વર્ગ પર આક્રમણ કર્યું દેવોએ સુમેરુ પર્વતના શિખરે આશ્રય લીધો. અનાવૃષ્ટિથી દુષ્કાળ પડ્યો ને જળાશયો સુકાઈ ગયા. લોકો ભૂખે મરવા લાગ્યા. છેવટે બધાની વિનંતીથી દેવીએ અનેક દેવીઓ રૂપે અનંત સ્વરૂપ ધારણ કર્યું, ને શતાક્ષી કહેવાયા. તેમણે દુર્ગમનો નાશ કરી વેદોને મુક્ત કર્યા ઉપરાંત દેવીએ શાકંભરીનું સ્વરૂપ પ્રગટાવીને સૃષ્ટિ પર ચારે બાજુ લીલા શાકભાજી, કંદમૂળ, ફળ ફૂલ વરસાવ્યા ને લોકોને દુષ્કાળમાં જીવાડ્યા.
ટૂંકમાં, બંને કથા મુજબ દેવીએ શાકભાજી દ્વારા દુષ્કાળમાં સૌનું ભરણપોષણ કર્યું ને શાકંભરી દેવી તરીકે ઓળખાયા. માટે દેવીની પોષ સુદ આઠમથી પોષી પુનમ સુધી આરાધના કરતો તહેવાર શાકંભરી નવરાત્રી તરીકે ઉજવાય છે. દેવીએ પૂર્ણિમાના દિવસે આકાશમાંથી શાકભાજી વેરી માટે પોષી પૂર્ણિમાને શાકંભરી પૂર્ણિમા પણ કહેવાય છે. દેવી શક્તિ પાર્વતીના દેહના અંગ પણ પોષી પૂનમના દિવસે 51 સ્થળો પર પડેલા અને 51 શક્તિ પીઠ રચાયેલા.
આ શાકંભરી નવરાત્રીની ઉજવણી અન્ય નવરાત્રીની જેમ ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહપૂર્વક સુદ આઠમથી પૂનમ સુધી ઉજવાય છે. શાકંભરી નવરાત્રીની ઉજવણી મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં થાય છે. પોષ સુદ આઠમે શાકંભરી દેવીની પ્રતિમા સાથે કળશ, શ્રીયંત્ર વગેરેની સ્થાપના કરી આઠેય દિવસ વિધિવત્ પૂજન અર્ચન કરી સવાર સાંજ દેવીની આરાધના કરાય છે. અખંડ દીવાની પણ સ્થાપના કરાય છે. દેવી ને નૈવેદ્યમાં ખાસ વિવિધ પ્રકારની શાકભાજી તેમજ ફળ ફૂલ ધરાવીને માતાજી ધરતીલોકને સદા હરિયાળો રાખે એવી પ્રાર્થના કરાય છે. શાકંભરી દેવીનો જાણીતો મંત્ર છે “ૐ હ્રીં શાકંભરીદેવ્યૈ નમ:”
તો ચાલો આજથી શરૂ થતા માઁ આદ્યશક્તિની ઉપાસનાના પર્વની આપણી ભક્તિ ને શક્તિ પ્રમાણે ઉજવણી કરીને મા ના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. કેમ કે મા માટે આપણી પૂજા અર્ચનાની રીત નહીં પરંતુ આપણા મનનો ભક્તિભાવ મહત્વનો છે. તો ચાલો મનથી માની ભક્તિ કરીને તેમને કૃપા મેળવીએ. માઁ આદ્યશક્તિની કૃપા સૌના પર બની રહે એવી પ્રાર્થના સહ સૌને શાકંભરી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.
કરજો સદા સૌના ઘરમાં નિવાસ,
રહેજો સદા અમ હ્રદયમાં સાથ,
આમ તો કણ કણમાં તમારો વાસ,
મા તો સદા હોય જ બાળકો સાથ.
જાગૃતિ તન્ના