પીડા

પીડા તણો થઇને મલમ જો આવ તો સ્વીકાર છે.
દર્દો અગર દિલના કદી રૂઝાવ તો સ્વીકાર છે.

ઘાવો મળ્યાં છે લાગણીના એટલાં ખુદના થકી,
હાલત થયેલી એ હવે પલટાવ તો સ્વીકાર છે.

ઘાયલ નજર ,હૈયે વ્યથા,આ કાયમી ઘર ના કરે,
પાસા બધાં આવી અને ઉલટાવ તો સ્વીકાર છે.

આનંદની ક્ષણ યાદ કરતાં જિંદગી જીવાય છે,
એને ફરી બેઠી કરી સર્જાવ તો સ્વીકાર છે.

દુનિયા જખમ ખોદ્યા કરે છે આજપણ પીડા દઈ,
આવી જરા પંપાળતાં વિસરાવ તો સ્વીકાર છે.

આભાસ પણ એ મૃત કરતો પ્રેમનો ભાર થઇ,
સંજીવની એની બની ધબકાવ તો સ્વીકાર છે.

ઓ જિંદગી,તારા સહારે કાંખઘોડી લઇ ફરું,
તવ શ્વાસ સરનામે કદી અંકાવ તો સ્વીકાર છે.

દેવીબેન વ્યાસ “વસુધા”