હવે વ્યક્તિના પરસેવાથી કાંડા ઘડિયાળ, ફિટનેસ ટ્રેકર ચાલશે તે દિવસો દૂર નથી

એક નવી સુપર એબ્સોર્બન્ટ ફિલ્મની શોધ થઇ છે જેનો ઉપયોગ સ્માર્ટ વોચ જેવા પહેરી શકાય તેવા ઈલેક્ટ્રોનિક્સ ડિવાઇસને ચલાવવા માટે પરસેવાને ઊર્જામાં તબદીલ કરે છે, તેમ તેને વિકસાવનારા વૈજ્ઞાનિકો દાવો કરે છે. નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના સંશોધનકારોએ એક આગવી ફિલ્મની શોધ કરી છે જે વ્યક્તિ જ્યારે કસરત કરી રહી હોય ત્યારે ઠંડક રાખવા માટે તેની ચામડી પરથી પરસેવાનું બાષ્પીભવન કરે છે.

સંશોધનકારોની ટુકડી કહે છે કે આ ફિલ્મ કે જેને વસ્ત્રમાં સામેલ કરી શકાય અથવા તો તેને નવી શૂ લાઇનિંગ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે તે ભેજને ઊર્જામાં તબદીલ કરીને ઈલેક્ટ્રોનિક સાધનોને ચલાવી પણ શકે છે. તેને કામયાબ બનાવવા માટે તેમણે એક નવા પહેરી શકાય તેવા આઠ સેલ સાથેના એનર્જી હાર્વેસ્ટિંગ ડિવાઇસની રચના કરી હતી, જેમાંનો દરેક સેલ ભેજને શોષ્યા બાદ અડધો વોલ્ટ ઊર્જા પેદા કરે છે. હાલમાં આટલી ઊર્જા એલઈડી બલ્બ પ્રગટાવવા માટે જ પૂરતી છે. જો કે ટેકનોલોજી કન્સેપ્ટના પ્રથમ સ્ટેજના પુરાવા માટે જ છે અને ટીમ માને છે કે તેને જ્યારે સંપૂર્ણ રીતે વિકસાવવામાં આવશે ત્યારે તે કાંડા ઘડિયાળ કે ફિટનેસ ટ્રેકર અથવા ભવિષ્યના પહેરી શકાય તેવા સાધનોને આસાનીથી ચલાવી શકશે.

આ નવી ફિલ્મના શરૂઆતના પ્રયોગોમાં તેણે બગલના પરસેવાને શોષી લીધો હતો અને તેને કપડાં સુધી પહોંચવા દીધો ન હતો. ટીમ લીડર તાન સ્વી ચિંગ કહે છે કે જ્યારે ચામડીની સપાટી પરથી પાણીનું બાષ્પીભવન કરવામાં આવે છે ત્યારે તે ચામડીના તાપમાનને ઘટાડે છે અને આપણે વધારે ઠંડકનો અનુભવ કરીએ છીએ. નવી શોધમાં અમે એક નવી ફિલ્મની રચના કરી છે કે જે આપણી ચામડી પરથી પરસેવાનું બાષ્પીભવન કરવામાં અને તે પછી પરસેવામાંથી ભેજને શોષી લેવામાં પૂરેપૂરી અસરકારક છે. ટીમ ખુલાસો કરે છે કે નવી ફિલ્મના બે મુખ્ય કમ્પોનન્ટ્સ બે હાઈગ્રોસ્કોપિક કેમિકલ્સ છે- કોબાલ્ટ ક્લોરાઇડ અને ઇથેનોલેમાઇન. આ ફિલ્મ ફક્ત પરસેવાને શોષતી જ નથી જ્યારે ચામડી સુર્યપ્રકાશની સામે આવે છે ત્યારે તે પાણી છોડે છે, તેને રી-જનરેટ કરી શકાય છે અને ૧૦૦થી વધારે વાર ઉપયોગમાં લઇ શકાય છે. પરંપરાગત મટિરિયલ્સમાં પાણીનું શોષણ કરવાની નીચી ક્ષમતા હતી અને બલ્ક સોલિડ સ્ટ્રક્ચર હતું જે તેને પરસેવાના બાષ્પીભવનમાંથી ભેજને શોષવા અનુચિત બનાવે છે. તેની સરખામણીએ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર(NUS)ના સંશોધનકારોએ વિકસાવેલી નવી ભેજને શોષનારી ફિલ્મ ૧૫ ગણો વધારે ભેજ શોષી શકે છે અને આ કામગીરી પરંપરાગત મટિરિયલ્સની સરખામણીએ છ ગણી વધારે ઝડપથી કરી શકે છે. વધારામાં આ નવીન ફિલ્મ જ્યારે ભેજને શોષે છે ત્યારે રંગમાં પરિવર્તન દર્શાવે છે, તે બ્લૂમાંથી પર્પલ થઈ જાય છે અને આખરે પિંક થાય છે. આ ફીચર્સનો ભેજને શોષવાના સ્તરના ઈન્ડિકેટર્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. NUS ટીમે ફિલ્મને બ્રેથેબલ અને વોટરપ્રૂફ મેમ્બ્રાન્સમાં પેકેજ્ડ કર્યું છે જે ફલેક્સિબલ છે અને કપડામાં તેનો વપરાશ પ્રચલિત છે.