દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ અને શિતલહેર યથાવત, લોકો ઠુઠવાયા !

દિવસે દિવસે શિયાળો આકરો બની રહ્યો છે. વહેલી સવારે ધુમ્મસને કારણે અનેક વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ઉત્તરભારતના તમામ મોટા શહેરમાં સોમવારે લાંબા સમય સુધી ધુમ્મસની ચાદર જોવા મળી હતી. કોલ્ડવેવને કારણે લોકો ઠુઠવાયા હતા. રવિવારે હવામાન ચોખ્ખુ રહ્યા બાદ તડકો ન નીકળતા લોકો પરેશાન થઈ ગયા હતા. દિવસભર લોકો ગરમ કપડાંમાં જોવા મળ્યા હતા.

સોમવારે પણ લોકો કોલ્ડવેવમાં ઠીંગરાયા હતા. જ્યારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળતા વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે દિલ્હી શહેરમાં પાલમ અને સફદરજંગમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. પાલમ વિસ્તારમાં 10 અને સફદરજંગમાં 11.2 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતા પણ ઘણું વધારે રહ્યું હતું. ચંદીગઢ, બરેલી, ગોરખપુર, અંબાલા, ગંગવાર, ગ્વાલિયર, પટણા, ગયા, ભાગલપુર, પૂર્ણિયા, ગુવાહાટી, તેજપુર, અગરતલા, પટિયાલા, હિંસાર, આગરા, લખનઉ જેવા શહેરમાં સવારે ધુમ્મસની ચાદર જોવા મળી હતી.