ગણતંત્ર દિવસ (Republic Day)ની પરેડ લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 26 જાન્યુઆરીએ થનાર પરેડમાં આ વખતે રાફેલ (Rafale)નું પણ પ્રદર્શન જોવા મળશે. ભારતીય વાયુસેના (Indian Airforce) પરેડ દરમિયાન મેક ઈન ઈન્ડિયા થીમ હેઠળ લડાકૂ વિમાનોનું પ્રદર્શન કરશે. આ પહેલી વખત હશે કે જ્યારે રાફેલનું પ્રદર્શન સાર્વજનિક રીતે કરવામાં આવશે.
પરેડ દરમિયાન કુલ 42 વિમાન ફ્લાઈટ પાસ્ટનો ભાગ હશે. તેમાં રાફેલની સાથે સુખોઈ 30, મિગ 29, જગુઆર અને અન્ય ફાઈટર પ્લેનનું પ્રદર્શન કરવામાં આવશે. ચિનૂક ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર, અપાચે કોમ્બેટ હેલિકોપ્ટર સી130 જે ટ્રાન્સપોર્ટ વિમાન પણ સામેલ હશે. આ દરમિયાન તેજસ, એસ્ટ્રા મિસાઈલ અને રોહિણી સર્વેલન્સ રડારનું પણ પ્રદર્શન કરવામાં આવશે. ચિનૂક હેલિકોપ્ટર અમેરિકામાં બન્યું છે અને વર્ષ 2019માં તેને વાયુસેનાના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે. ભારતની પાસે 4 ચિનુક હેલિકોપ્ટર છે.
ગણતંત્ર દિવસના અવસરને જોતાં રાજધાની દિલ્હીમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર દિલ્હીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અનેક જગ્યાઓએ ફરાર આતંકીઓનાં પોસ્ટર પણ લગાવી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસની મહામારીને જોતાં આ વખતે થનાર ગણતંત્ર દિવસને લઈને વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.