ભૂજના માંડવી બીચ પર અવાર નવાર લોકોના પાણીના ડૂબવાની ગંભીર ઘટનાઓ સામે આવે છે. આ ઉપરાંત આડેધડ ચાલતા વોટર સ્પોર્ટ્સના કારણે પણ લોકોનો જીવ ગયો હોવામાં કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ઉત્તરાયણના દિવસે વધુ એક કરુણ ઘટના માંડવી બીચ પર સામે આવ્યો છે. માંડવી બીચ પર સ્પીડ બોટ રાઈડનો આનંદ લેતા એક પરિવારના પાંચ સભ્યો પાણીમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં ચાર લોકોનો બચાવ થયો હતો અને એક મહિલાનું અવસાન થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતો ઠક્કર પરિવાર ઉત્તરાયણના દિવસે માંડવી બીચ પર ફરવા માટે ગયો હતો. ઠક્કર પરીવારના પાંચ સભ્યો માંડવી બીચ પર સ્પીડ બોટનો આનંદ માણી રહ્યા છે. તમામ લોકો લાઈફ જેકેટ પહેરીને દરિયામાં સ્પીડ બોટનો આનંદ માણી રહ્યા હતા. ત્યારે આ બોટ અચાનક દરિયામાં અચાનક ઉંધી વળી ગઈ હતી. તેથી ઠક્કર પરિવારના સભ્યોએ બચાવો-બચાવો બૂમો પાડવા લાગ્યા હતા. તેથી દરિયાની અંદર પ્રવાસીઓને ફેરવી રહેલી બોટ પ્રવાસીઓને દરિયા કાંઠે ઉતારીને ડૂબી રહેલા લોકોને બચાવવા માટે ગઈ હતી.
જ્યારે બોટ ડૂબી રહેલા લોકોને રેસ્ક્યુ કરીને આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, અમદાવાદના પરિવારની એક મહિલા મિસિંગ છે. બોટના સંચાલકો ફરીથી મહિલાની શોધખોળ કરવા માટે દરિયામાં ગયા હતા અને મહિલાને કિનારા પર લાવ્યા હતા. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. મૃતક મહિલાનું નામ બેલા ઠક્કર હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો પરંતુ મૃતક મહિલાનો પરિવાર આ બાબતે પોલીસ ફરિયાદ માટે તૈયાર ન હતો. એવી પણ માહિતી મળી રહી છે કે, બોટમાં રાઈડ કરતા સમયે મહિલાના સેલ્ફી લેવાના ચક્કરમાં બોટે સંતુલન ગુમાવ્યું હતું. તેથી મહિલાની સાથે આખી બોટ પણ પાણીમાં ઉંધી વળી ગઈ હતી.
જે બોટ પાણીમાં ગરકાવ થઇ હતી. તે બોટનો બીજા દિવસે પણ અત્તોપાતો લાગ્યો ન હોતો. અમદાવાદથી આવેલા પરિવારના સભ્યોના નામ ગિરીશ ઠક્કર, હિતેશ ઠક્કર, ભાવના ઠક્કર, હિતાશી ઠક્કર અને બેલા ઠક્કર હોવનું સામે આવ્યું છે. આ ઘટનામાં બેલા ઠક્કરનું મોત થતા પરિવારના સભ્યોમાં દુઃખની લાગણી જોવા મળી છે.