કૃષિ આંદોલનના લીધે આ કંપનીના સ્ટોર્સને કરોડોનું નુકસાન, મહિનાઓથી છે બંધ

કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાની સામે 50 દિવસથી ચાલી રહેલાં ખેડુત આંદોલનને કારણે રિલાયન્સ, વોલમાર્ટ સહિતની કંપનીઓના સ્ટોર્સને કરોડો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. લગભગ 3 મહિનાઓથી સ્ટોર્સ આંદોલનને કારણે બંધ છે.નવા કૃષિ કાયદાની સામે ખેડુતો દિલ્હીની સીમાઓ પર છેલ્લાં 50 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ખેડુતોએ આંદોલનની શરૂઆતથી જ સરકાર ઉપરાંત રિલાયન્સ, અદાણી જેવા ઉદ્યોગ ગૃહો સામે પોતાનો રોષ વ્યકત કરેલો જ છે એટલે રિલાયન્સ, વોલમાર્ટ સહિતના સ્ટોર્સ તોડફોડના ડરથી 3 મહિનાથી ખુલ્યા નથી, જેને કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ન્યૂઝ વેબસાઇટ રોઇટર્સના અહેવાલ મુજબ પંજાબમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અંદાજે 100 સ્ટોર્સ ઓકટોબર મહિનાથી બંધ પડેલા છે. જયારે વોલમાર્ટનો બઠિંડામાં આવેલા 50000 સ્કેવર ફુટમાં ફેલાયેલો હોલસેલ સ્ટોર બંધ રાખવાની ફરજ પડી છે. ખેડુતોનો ગુસ્સો એટલો ફાટેલો છે કે સ્ટોર્સ સંચાલકોને ડર છે કે ખોલીશું તો તોડફોડ થશે.જાણવા મળલી માહિતી મુજબ પંજાબમાં ખેડુતોનો વિરોધ આક્રમક સ્તર પર છે એટલે કંપનીઓને ડર છે કે જો સ્ટોર્સ ખોલવામાં આવશે તો ખેડુતોના ગુસ્સાનો સામનો કરવો પડશે અને સ્ટોર્સમાં તોડફોડ થઇ શકે છે, એટલે સ્ટોર્સ ખોલવા હીતાવહ નથી.

રિટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પંજાબમાં રિલાયન્સના સ્ટોર્સ બંધ રહેવાને કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ છે. વોલમાર્ટના દેશમાં 29 સ્ટોર્સ છે, પણ બંઠીંડાનો સ્ટોર્સ બંધ રહેવાને કારણે વોલમાર્ટને રૂપિયા 59 કરોડનું નુકશાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડેમોક્રેટિક ફાર્મર્સ યુનિયનનના કુલવંત સિંદ સંધૂનું કહેવું છે કે રિલાયન્સની વિરુધ્ધ ખેડુતોનું પ્રદર્શન ચાલું જ રહેશે. ખેડુત આંદોલન સાથે જોડાયેલા જગતાર સિંહે કહ્યું હતું કે જયાં સુધી સરકાર કૃષિ કાયદા પાછા ન લે ત્યાં સુધી રિલાયન્સનો વિરોધ પણ ચાલું રહેશે.કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે ખેડુતો દિલ્હીની સીમાઓ પર કડકડતી ઠંડીમાં 50 દિવસથી આંદોલન કરી રહ્યા છે. 9 વખતે સરકાર અને ખેડુતો વચ્ચે બેઠક મળી, પણ કોઇ નિર્ણય આવ્યો નહોતો. શુક્રવારે ફરી એકવાર ખેડુત અને સરકાર વચ્ચે બેઠક મળી રહી છે.સુપ્રીમ કોર્ટે ખેડુત આંદોલનના નિરાકરણ માટે 4 સભ્યોની કમિટી રચી છે.