ન્યુબર્ગ સુપ્રિટેકે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ચોવીસ કલાકનું આરટી પીસીઆર ટેસ્ટ કાઉન્ટર શરૂ કર્યું

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પ્રવાસીઓ માટે ન્યુબર્ગ સુપ્રિટેકે ચોવીસ કલાક ચાલતું આરટી પીસીઆર ટેસ્ટ કાઉન્ટર શરૂ કર્યું છે. આ પરીક્ષણ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબના ધોરણોનું સંપૂર્ણ રીતે પાલન કરે છે અને તેનો હેતુ પ્રવાસીઓને ઝડપી અને સચોટ નિદાન પ્રદાન કરવાનો છે. પ્રવાસીઓ ચેપને નિયંત્રિત કરવાના જરૂરી પગલાં લઈ શકે તે માટે એરપોર્ટ મેનેજમેન્ટે આ પગલું ભર્યું છે.

આ પરીક્ષણ તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમન પર તેમ જ એરપોર્ટ પર આવનારા અને ઉપડતા ઘરેલું પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. કોવિડ-19નું પરીક્ષણ થયું હોય એવા તમામ પ્રવાસીઓને પરીક્ષણના પરિણામની હાર્ડ કોપી 6થી 8 કલાકની અંદર આપવામાં આવશે. ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.સંદિપ શાહે જણાવ્યું હતું કે, “અમદાવાદ એરપોર્ટ સાથે મળીને અમે પરીક્ષણ કરવાની ક્ષમતા વધારવા માટે આરટી પીસીઆર પરીક્ષણ કાઉન્ટર સ્થાપ્યું છે. ઘણીવાર સમયના અભાવના કારણે પ્રવાસીઓ ઓન-બોર્ડિંગ પહેલાં પરીક્ષણ કરાવી શકતા નથી. તેના પરિણામે, તેઓને ક્વોરન્ટાઇનની પ્રક્રિયાને અનુસરવી પડે છે અને અમુક સમયે તેમને મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ મુદ્દાને હલ કરવા માટે અમે અમારું પરીક્ષણ કાઉન્ટર ઊભું કર્યું છે. પ્રવાસીઓને 6-8 કલાકની અંદર પરીક્ષણનો રીપોર્ટ મળી રહેશે. જો રિપોર્ટ પોઝિટિવ હશે, તો માર્ગદર્શિકા મુજબ, ત્યારબાદના પગલાં લેવામાં આવશે. આ પહેલ પ્રવાસીઓ માટે સુવિધારૂપ બનશે અને તે સાથે એક પછી એક આવતી ફ્લાઇટ્સના ધસારાને સહેલાઈથી પહોંચી વળવામાં મદદ કરશે.”