ઓડીસી ઈલેક્ટ્રિક વ્હિકલે તેનું નવું લો સ્પીડ સ્કૂટર લોન્ચ કર્યું

~ બે નવા વેરીઅન્ટ્સ ઈ2ગો અને ઈ2ગો લાઈટ રજૂ કર્યા ~

સમગ્ર વિશ્વ આજે ઈ-મોબિલિટી તરફ આગળ વધી રહ્યું છે અને ભારત ટૂ-વ્હિલરના નંબર-1 ઉત્પાદક તરીકે ઊભરી રહેવાની સાથે ઘરેલુ ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર ઉત્પાદક કંપની ઓડીસી ઈલેક્ટ્રિક વ્હિકલ્સે ભારતીય બજાર માટે નવા લો સ્પીડ સ્કૂટર ઈ2ગો લોન્ચ કર્યા છે.

લીડ-એસિડ અને લિથિયમ આયન બેટરીના બે મોડેલ્સમાં ઉપલબ્ધ આ ઈ-સ્કૂટર્સ માત્ર ઓછા ખર્ચાળ જ નથી, પરંતુ તેને ચલાવવા માટે કોઈ રજિસ્ટ્રેશન અથવા લાઈસન્સની પણ જરૂર પડતી નથી. તેની કિંમત પણ ખૂબ જ નીચી હોવાથી તે યુવાન અને મહિલા ચાલકોને ડ્રાઈવ કરવા માટે એકદમ આદર્શ છે. ઈ2ગો અને ઈ2ગો લાઈટની કિંમત અનુક્રમે રૂ. 52,999 અને રૂ. 63,999 (એક્સ શોરૂમ અમદાવાદ) છે. આ મોડેલ્સ પાંચ રંગોમાં ઉપલબ્ધ છે.

‘ઈ2ગો શહેરી મહિલા અને યુવા બજાર માટે આદર્શ છે, જ્યાં પ્રત્યેક વ્યક્તિ રજિસ્ટ્રેશન પ્રક્રિયા અથવા લાઈસન્સની કોઈ પણ તકલીફ વિના પરવડે તેવી કિંમતે તેમના પોતાના હાથમાં તેમનું પોતાનું પરિવહન ઈચ્છે છે. અમને આશા છે કે અમારા ઉત્પાદનો ભારતના શહેરોમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવામાં નોંધપાત્ર યોગદાન આપશે’ તેમ ઓડિસી ઈલેક્ટ્રિક વ્હિકલ્સના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી નેમિન વોરાએ જણાવ્યું હતું.

ઓડીસી ઈ2ગો 250 વોટ, 60 વોલ્ટ બીએલડીસી મોટર (વોટરપ્રૂફ) ઈલેક્ટ્રિક મોટર સાથે આવે છે. તેમાં 1.26 કેડબલ્યુએચ લિથિયમ-આયન બેટરી અથવા 28 એએચ લીડ એસિડ બેટરી એમ બેટરીના બે વિકલ્પો ઉપલબ્ધ છે. બંને એન્ટી-થેફ્ટ મિકેનિઝમ સાથે આવે છે. ઈલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ પ્રતિ ક્લાક 25 કિ.મી. છે અને તે એક વખત ફૂલ ચાર્જ કરાવીને 60 કિ.મી. દોડી શકે છે. તેને એક વખત રિચાર્જ થવામાં 3.5થી 4 કલાકનો સમય લાગે છે. તે ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને ડ્યુઅલ સ્પ્રિંગ હાઈડ્રોલિક રીયર શોક એબ્સોર્બર્સથી સજ્જ છે. નવું ઈ2ગો ઈલેક્ટ્રિક સ્કૂટર રીવર્સ ગીયર ફંક્શન, 3 ડ્રાઈવ મોડ, એલઈડી સ્પીડોમીટર, એન્ટી-થેફ્ટ મોટર લોકિંગ, કીલેસ એન્ટ્રી અને યુએસબી ચાર્જિંગ જેવા ફિચર્સ સાથે ઉપલબ્ધ છે. લિથિયમ બેટરીસ પોર્ટેબલ છે અને તે 3 વર્ષની વોરન્ટી સાથે આવે છે. આ બેટરીઝ ઓડીસી ડીલરશિપ પર સરળતાથી ઉપલબ્ધ છે.

કોરોના મહામારી પછીના યુગમાં વ્યક્તિની સલામતી માટે સરેરાશ ભારતીયનું પોતાનું અંગત વાહન હોય તે ખૂબ જ જરૂરી બની ગયું છે. કંપનીનું માનવું છે કે આ બાબત નજીકના ભવિષ્યમાં બ્રાન્ડની વૃદ્ધિનું એક મોટું પરિબળ બનશે.

ઓડીસી તેના ગ્રાહકો માટે ફાઈનાન્સિયલ ટાઈ-અપ સાથે શ્રેષ્ઠ ધિરાણ યોજનાઓ પણ રજૂ કરે છે. તેના ફાઈનાન્સિયલ ભાગીદારોમાં પ્રાદેશિક ભાગીદારોની સાથે રાષ્ટ્રીય સ્તરે આઈડીએફસી બેન્કનો પણ સમાવેશ થાય છે. કંપની સમગ્ર દેશમાં નવ ડીલરશિપ્સ ધરાવે છે. પ્રત્યેક આઉટલેટ પર ગ્રાહકોની સુવિધા માટે સર્વિસ સેન્ટર ફરજિયાત છે. માર્ચ 2021 સુધીમાં 10 નવા આઉટલેટ્સ શરૂ કરવાની અને આ વર્ષના અંત સુધીમાં વધુ 25 શહેરોમાં હાજરી નોંધાવવાની ઓડીસીની યોજના છે.