ઇન્ટરનેટ (Internet) એક ઘણું જ શક્તિશાળી સ્ટેજ છે. ઘણા લોકો નેટવર્ક (Network) મારફતે સારી આવક કરવામાં સક્ષમ થયા છે. આજે ડિઝિટલ (Digital) થઈ રહેલી દુનિયામાં કામની પરિભાષા અને કાર્યનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. એક નવી અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરીને સામે આવી રહી છે જેને નામ આપવામાં આવી રહ્યું છે ‘ગિગ ઇકોનોમી’ (Gig Economy). ગિગનો અર્થ છે પ્રત્યેક અસાઇનમેન્ટ માટે પહેલાથી નક્કી કરવામાં આવેલી ચુકવેલી રકમ. આ ગિગ ઇકોનોમીમાં તમે પ્રતિ અસાઇનમેન્ટ કામ કરો છો. ઉલ્લેખનીય છે કે ગિગ ઇકોનોમીમાં ફ્રીલાન્સ કામ (Freelance Work) અને નિશ્ચિત સમયગાળા માટે પ્રોજેક્ટ આધારીત રોજગાર સામેલ છે. અહીં તમે પોતાના અનુસાર કામ કરી શકો છો.
ઉલ્લેખનીય છે ભારતમાં લગભગ એક તૃતિયાંશ શ્રમિકો સ્વતંત્ર ઉદ્યોગસાહસિક બનવાની દિશામાં સ્થાનાંતરિત થઈ રહ્યા છે. ઓછા શિક્ષિત લોકો માટે ઉબર, ઓલા, સ્વિગી જેવી કંપનીઓ મોટી સંખ્યામાં લોકોને તક આપી રહી છે. આ જ રીતે ફ્લિપકાર્ટ, એમેઝોન, શૉપક્લૂ અને અલીબાબા જેવી ઈ-કૉમર્સ વેબસાઇટ્સ કોઈને પણ વેપારી બનવામાં સક્ષમ બનાવે છે. એક અનુમાન પ્રમાણે ગિગ ઇકોનોમી પ્રતિવર્ષ 25-30 ટકાના દરે વધી રહી છે. કોવિડ-19ના કારણે લાખો લોકોએ પોતાની રોજગારી ગુમાવી દીધી છે. ખાસ કરીને મહિલા વર્કરો આનાથી ઘણી પ્રભાવિત થઈ, કારણ કે કોરોનાકાળમાં કેર વર્ક, ઘરકામ અને બ્યૂટી તેમજ સ્પા સર્વિસ સંપૂર્ણ રીતે બંધ હતી.
એક રિપોર્ટ પ્રમાણે એક ગ્રુપ ડિસ્કશનમાં 15 અર્બન કંપનીમાં કામ કરતા મહિલાઓ અને પુરૂષોએ કબૂલ્યું કે આવા પ્લેટફૉર્મ્સ (ગિગ ઇકોનોમી)માં તેમની આવક વધી છે. રિપોર્ટ પ્રમાણે આ પ્લેટફોર્મ્સ પર મહિલાઓ રોજના 1,552 રૂપિયા કમાય છે, જ્યારે પહેલા તેમનો મહિનાનો પગાર ફક્ત 8 હજાર – 9 હજાર હતો. ગિગ ઇકોનોમીમાં કામનો સમય પણ ફ્લેક્સિબલ હોય છે જેનાથી મહિલાઓ પોતાનું ઘર અને પોતાનું કામ બંને સારી રીતે સંભાળી શકે છે અને તેમાં તાલમેલ સાધી શકે છે. જો કે અહીં પણ પુરુષોની સરખામણીએ મહિલાઓની આવક ઓછી હોય છે. ઘણી મહિલાઓ ફક્ત દિવસે જ કામ કરી શકે છે અને અમુક વિસ્તારોમાં જ કામ કરે છે, જેના કારણે તેમને પુરૂષોની સરખામણીએ ઓછી આવક થાય છે.
2019માં TeamLease દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું કે પુરૂષોની સરખામણીએ મહિલાઓની આવકમાં 8-10 ટકાનું અંતર જોવા મળે છે. જો કે કોરોના બાદ પુરુષો અને મહિલાઓ બંનેની આવકમાં ઘણો ફર્ક પડ્યો છે. આમાંથી ઘણા લોકોએ પોતાની જોબ ગુમાવી છે. સપ્ટેમ્બર 2020માં ફ્લોરિશ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું કે માર્ચ-2020માં લગભગ અડધા ભાગના ગિગ વર્કર્સ 25,000 કમાતા હતા, તેમાંથી 87 ટકાની ઑગષ્ટ-2020ની આવક 15,000 થઈ ગઈ હતી. ગિગ ઇકોનોમીમાં કેટલાક પ્લેટફૉર્મ્સમાં જોબ સિક્યુરિટી અને મહિલાઓ ગિગ વર્કર્સની સુરક્ષાને લઈને પણ પ્રશ્ન છે.
એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં આવા 4 પ્લેટફૉર્મ્સ પોતાના કામદારોને લઘુત્તમ વેતન અને કૉસ્ટ કરતા વધારે ચુકવણી કરતા હતા, પરંતુ ત્રણ પ્લેટફૉર્મ્સ (Bigbasket, Housejoy અને Swiggy)ના કામદારો પાસે એવા કોઈ પુરતા પુરાવા નહોતા કે તેમણે લઘુત્તમ વેતન કરતા વધારે કમાણી કરી છે. તો કેટલાક પ્લેટફૉર્મસ ન્યાયી કરારો અને વાજબી રજૂઆતના સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન કરતા નથી. ફક્ત ફ્લિપકાર્ટ અને અર્બન કંપની પાસે ‘Worker Voice Mechanisms’ છે – જેમ કે મીટિંગ્સ જ્યાં કામદારોના નાના જૂથો તેમની ફરિયાદ વિશે મેનેજમેન્ટ સાથે વાત કરે છે – અને સંગઠનની સ્વતંત્રતા. ઉલ્લેખનીય છે કે મહિલા ગિગ વર્કર્સને મહિલાની કાર્યસ્થળે જાતીય સતામણી, કાયદો -2013 હેઠળ સુરક્ષા આપવામાં આવતી નથી. તેઓ માતૃત્વ લાભો અને માંદગી રજા જેવા અન્ય સામાજિક સુરક્ષા લાભો માટે પણ હકદાર નથી.