ભારત અને ઑસ્ટ્રેલિયાની (Ind vs Aus)વચ્ચે સિડની (Sydney)માં રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો (Draw) રહી. આ મેચને ડ્રો કરવામાં આર. અશ્વિન (R. Ashwin) અને હનુમા વિહારી (Hanuma Vihari)એ મોટું યોગદાન આપ્યું. હનુમા વિહારી અને આર. અશ્વિને 256 બૉલમાં 62 રનની પાર્ટનરશિપ (Partnership) કરી હતી. હનુમા વિહારીએ ઈજાગ્રસ્ત (Injured) થયા છતા 161 બૉલમાં 23 રન બનાવ્યા. ઉલ્લેખનીય છે કે હનુમા વિહારી બીજી ઇનિંગમાં બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તે રન પણ નહોતો દોડી શકતો, પરંતુ તેમ છતા તેણે લંગડાતા પણ મેચ ડ્રૉ કરી દીધી. હનુમા વિહારીની આ ઈનિંગની આઈસીસીએ પણ પ્રશંસા કરી.
આઈસીસીએ ટ્વીટ કરીને સિડની ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે હનુમા વિહારીની હિંમતને સલામ કરી છે. 4 મેચોની આ સિરીઝ હવે અત્યંત રોમાંચક વળાંક પર આવી ગઈ છે. હવે 15 જાન્યુઆરીથી બ્રસ્બેનમાં રમાનારી ચોથી ટેસ્ટમાં જે ટીમ જીતશે સિરીઝ તેના નામે રહેશે. હેમસ્ટ્રિંગ ઇન્જરીથી ઝઝુમી રહેલા હનુમા વિહારીએ 161 બૉલમાં અણનમ 23 રનની ઇનિંગ રમી, તો પહેલી ઇનિંગમાં પેટ કમિન્સની બૉલિંગમાં ઇજાગ્રસ્ત થનારા ઋષભ પંતે 118 બૉલમાં તાબડતોડ 97 રન બનાવ્યા. આ બંનેએ ઑસ્ટ્રેલિયાના જીતના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું.
આ ઉપરાંત આર. અશ્વિને 128 બૉલમાં 39 રનની ઇનિંગ રમી. ટેસ્ટ ક્રિકેટમાં 4 વર્ષ બાદ અશ્વિને એક ઇનિંગમાં 100થી વધારે બૉલ રમ્યા છે. ચોથી ઈનિંગમાં ભારતને જીતવા માટે 407 રનોની જરૂર હતી, પરંતુ ચોથા દિવસે રોહિત શર્મા (52) અને શુભમન ગિલ (31)ના આઉટ થયા બાદ ઑસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત લાગી રહી હતી. ત્યારબાદ પાંચમા દિવસે શરૂઆતની 6 ઑવર રમતા જ ભારતે કેપ્ટન આંજિક્ય રહાણેની વિકેટ ગુમાવી દીધી. રહાણે ચોથા દિવસના સ્કોરમાં એક રન પણ ઉમેરી ના શક્યો અને 4 રન પર આઉટ થયો. રહાણેના આઉટ થયા બાદ લાગી રહ્યું કે ઑસ્ટ્રેલિયા 2 સેશનમાં જ જીત મેળવી લેશે, પરંતુ ચેતેશ્વર પુજારા અને પંતે ચોથી વિકેટ માટે 148 રનની ભાગેદારી કરી.
પુજારા 205 બૉલમાં 77 રન બનાવીને જોશ હેઝલવુડની બૉલિંગમાં આઉટ થયો. પોતાની આ ઇનિંગમાં તેણે 12 ચોગ્ગા લગાવ્યા. તો પંતે 118 બૉલમાં 97 રનોની તોફાની બેટિંગ કરી, જેમાં તેણે 12 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા. આ બંનેના કામને હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને અંજામ સુધી પહોંચાડ્યું. વિહારીએ 161 બૉલમાં 23 રન બનાવ્યા અને અશ્વિને 128 બૉલમાં 39 રન બનાવ્યા.