ભારત સાથે તણાવ વચ્ચે ચીને પૂર્વ લદ્દાખમાંથી (Eastern Ladakh) લાઈન ઓફ એક્યુઅલ કન્ટ્રોલ (LAC)થી પોતાના 10 હજાક જવાનોને હટાવી દીધા છે. ભારતીય સીમાની પાસે 200 કિમીના વિસ્તારમાંથી ચીની સૈનિકો હટી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે લદ્દાખમાં શૂન્યથી નીચે તાપમાન જતું રહેવાને કારણે ચીને આ પગલું ભર્યું છે. ભારે ઠંડી અને મુશ્કેલ પરિસ્થિતિની કારણે ચીની સૈનિકો હિંમત હારી ચૂક્યા છે અને સીમા પરથી પાછળ ચાલ્યા ગયા છે. બીજી બાજુ આવી જ કઠણ પરિસ્થિતિમાં મજબૂત મનોબળવાળા ભારતીય સૈનિકો સરહદની સુરક્ષા કરવા અડીખમ ઉભા છે.
પૂર્વ લદ્દાખમાં ચીને પોતાના લગભગ 10 હજાર સૈનિકોને પરત બોલાવી દીધા છે. સરકારના ટોપ સુત્રોએ એક ન્યુઝચેનલને જણાવ્યું છે કે લદ્દાખમાં ભારતીય સીમાની પાસે જ્યાં ચીની સૈનિકો ટ્રેનિંગ કરતા હતા, જે જગ્યા હાલ ખાલી કરી દેવામાં આવી છે.
હકીકતમાં ગત વર્ષે માર્ચ-એપ્રિલમાં જ્યારે ભારતની સાથે તણાવ શરૂ થયો તો ચીને સીમા પર 50 હજાર સૈનિકો તહેનાત કરી દીધા હતા. ત્યારથી લદ્દાખમાં LAC પર આ ચીની સૈનિકો તહેનાત હતા. જ્યારે સમગ્ર દુનિયા કોરોના મહામારીના ઉકેલમાં લાગેલી હતી તે દરમિયાન પણ ચીનના સૈનિકો લદ્દાખના પહાડી વિસ્તારમાં તહેનાત હતા.
સુત્રોએ જણાવ્યું કે, ભારતીય સીમાથી લગભગ 200 કિમીના વિસ્તારથી ચીની સૈનિકોને હટાવી લીધા છે. આ સંભવતઃ હાડ થીજવી દેતી ઠંડી અને તમામ મુશ્કેલીઓને કારણે થયું છે. જ્યાં ચીને જવાનોને હટાવવા મજબૂર થવું પડ્યું છે. તો ભારતીય જવાનો હજુ પણ સીમાની સુરક્ષા માટે ઉભા છે. શૂન્યથી નીચેના તાપમાનમાં પણ ભારતીય જવાન લદ્દાખમાં ચીન સાથે જોડાયેલી સરહદ પર અડીખમ રીતે તહેનાત છે. ચીન પોતાની નાપાક ચાલને અંજામ ન આપે તે માટે આવી જીવલેણ પરિસ્થિતિમાં પણ ભારતીય જવાનો દેશની સીમાની સુરક્ષા કરી રહ્યા છે.