સિડનીઃ ઓસ્ટ્રેલિયન દર્શકોએ હલ્કી માનસિકતા છતી કરી, આ બે ખેલાડીને આપી ગંદી ગાળો

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 4 ટેસ્ટ મેચોની સીરીઝમાં ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિક્રેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની સ્થિતિ ખાસ્સી મજબૂત છે. ત્રીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમત પુરી થઇ છે. મેચના ત્રીજા દિવસે એક મામલો સામે આવ્યો છે,જેમાં ખબર પડી કે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમંદ સિરાજ અને જસપ્રીત બુમરાહને ગંદી ગંદી ગાળો આપીને જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી છે. આ પછી ભારતીય ટીમ મેનેજમેન્ટે રેફરી પાસે ફરિયાદ નોંધાવી છે.

ઇન્ડિયન ક્રિક્રેટ ન્યૂઝ વેબસાઇટ ક્રિકબઝના અહેવાલ અનુસાર સિડની ટેસ્ટ મેચના બીજા અને ત્રીજા દિવસે મેદાન પર હાજર રહેલા દર્શકોએ જાતિવાદી ટીપ્પણી કરી હતી. ત્રીજા દિવસની રમત પુરી થયા પછી ભારતીય ખેલાડીઓના ડ્રેસીંગ રૂમની બહાર ટીમ ઇન્ડીયાના અધિકારી, આઇસીસી અને સ્ટેડીયમ સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરતા નજરે પડયા હતા. તે વખતે ભારતીય બોલક મોહમંદ સિરાજ અને જસપ્રીત બુમરાહ પણ હાજર હતા. ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન અજિંકય રહાણે અને સ્પિનર અશ્વીન પણ અમ્પાયર પોલ રિફિલ સાથે આ મુદે વાતચીત કરતા નજરે પડયા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી પારીમાં 94 રનની લીડ લીધી હતી અને બીજી પારીમાં રમત પુરી થતા સુધીમાં બે વિકેટ પર 103 રન ને લીડ સાથે કુલ 197 રન બનાવ્યા છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમની પહેલી પારી 244 રનમાં સમાપ્ત થઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 21.4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ લીધી હતી.જયારે જોશ હેઝલવુડે 21 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી હતી ઉપરાંત મિચેલ સ્ટાર્કે 19 ઓવરમાં 61 રન આપીને એક વિકેટ મેળવી હતી. આ મેચમાં ભારતના 3 બેસ્ટમેન રનઆઉટ થયા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ફાસ્ટ બોલરો સાથે દર્શકોના અભદ્ર વર્તનથી દુનિયાભરના ક્રિક્રેટ ચાહકોમાં નારાજગી ફેલાઇ ગઇ છે.ક્રિક્રેટ એક ખેલદીલીની રમત છે, ત્યારે દર્શકો આ રીતે ખેલાડીઓના મનોબળને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે આ વાતને ગંભીરતાથી લઇને મેચ રેફરીને ફરિયાદ કરી છે. હવે જોવાનું એ રહે છે કે આવી ઘટનાને રોકવા માટે રેફરી શું પગલાં લે છે.