આંતરિક સાધના

સુંદર વિશ્વની હવે તો કામના રહે,
માણસ માણસ વચ્ચે ચાહના રહે.

એકબીજા પ્રત્યે માન કાયમ રહે,
મનમાં સૌની ઉમદા ભાવના રહે.

થાય ઉત્તમ કાર્ય ને ભૂલી શકાય,
પછી જ આ જગમાં નામના રહે.

રખાય નજર આ પવિત્ર પળે પળ,
કોઈ પણ દ્રશ્યે ન કદી વાસના રહે.

બહારી જગતે શોધ નકામી જ બને,
ઇશ કાજે તો આંતરિક સાધના રહે.

નિલેશ બગથરિયા “નીલ”