રાજ્યમાં એક તરફ ઠંડી રેકોર્ડ બનાવી રહી છે ત્યારે જન જીવનને સીધી અસર પહોંચી છે. સાંજના સમયે નગરમાં કુદરતી કર્ફ્યૂ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ધુમ્મસ અને ઠંડા વાતાવરણને કારણે તાપમાનનો પારો નીચે ઊતરતો જાય છે. જ્યારે દિવસભર કોલ્ડવેવને કારણે ઠંડીનો ચમકારો અનુભવાય છે. પણ આ માહોલ વચ્ચે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
સામાન્ય રીતે માગશર મહિનો ઠંડીની સીઝનનો મહિનો કહેવાય છે. પણ આવતીકાલ એટલે કે શુક્રવારથી ત્રણ દિવસ સુધી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, તા.8 જાન્યુઆરીના રોજ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે તા.9 જાન્યુઆરીના રોજ રાજ્યના છોટા ઉદેપુર, નવસારી, ભરૂચ તથા તા.10 જાન્યુઆરીના રોજ દાહોદ નર્મદા તથા તાપીમાં વરસાદ થઈ શકે છે. રાજ્યના જુદા જુદા શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે,આવનારા ત્રણ દિવસ સુધી ઠંડી વધવાની પૂરી શક્યતા છે. 5.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. એ પછી રાજ્યના પાટનગર ગાંધીનગરનું તાપમાન સૌથી નીચું રહ્યું હતું. 10 ડિગ્રી તાપમાનમાં ગાંધીનગરની પ્રજા ઠુંઠવાઈ ગઈ હતી. જ્યારે ડીસામાં 10.5 ડિગ્રી, અમદાવાદમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજું પણ કોલ્ડવેવ યથાવત રહે એવી આગાહી છે. આવનારા બે દિવસમાં ઠંડી હજું દાઢી ધ્રુજાવશે. બીજી તરફ શિયાળાની સીઝનમાં પડનારા માવઠાને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. વરસાદને કારણે ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે.
હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત પર એક સિસ્ટમ સક્રિય થશે. જે ઉત્તર ગુજરાત બાજુ આગળ વધશે. જેથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તા.8થી 10 જાન્યુઆરી સુધીમાં કમોસમી વરસાદ થવાની પૂરી શક્યતા છે. જોકે, અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન યથાવત રહ્યું હતું. વહેલી સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું. જોકે, અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે, સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી ઠંડીએ જનજીવનને સીધી અસર કરી છે.