અંતિમ બુકમાં પ્રણબ દા PM અંગે- પહેલા કાર્યકાળ દરમિયાન મોદીની કાર્યશૈલી તાનાશાહી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના સંસ્મરણમાં મોદી સરકાર અને પ્રધાનમંત્રી મોદી વિશે ઘણું લખ્યું છે. સરકારના ઘણાં નિર્ણયોને તેમણે નજીકથી જોયા અને તેની ટીકા પણ કરી છે. તેમણે પોતાના પુસ્તકમાં એ પણ લખ્યું કે પહેલા કાર્યકાળમાં મોદી સરકાર પોતાની પ્રાથમિક જવાબદારી પણ યોગ્ય રીતે સંભાળી શકી નહીં અને સંસદના સત્રને પણ યોગ્ય રીતે ચલાવી શકી નહીં. તેમણે કહ્યું છે કે, પહેલા કાર્યકાળ દરમિયાન મોદીની કાર્યશૈલી તાનાશાહી હતી. તેમણે પ્રધાનમંત્રી મોદીની અચાનક પાકિસ્તાન પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે બોલાવ્યા વિના જ અચાનક નવાઝ શરીફને મળવા જતા રહેવું બંને દેશોના સંબંધો માટે યોગ્ય કહી શકાય નહીં.

પ્રણબ દાએ પોતાના આ પુસ્તકમાં એ પણ લખ્યું છે કે નોટબંધી કરતા પહેલા તેમની પાસેથી કોઈ સલાહ લેવામાં આવી નહોતી અને પગલું લીધા પછી તેમની પાસેથી સમર્થન માગવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, નોટબંધીના ઘણાં હેતુ પૂર્ણ થઇ શક્યા નથી. તેમનું કહેવું હતું કે નોટબંધીની યોજના વિશે તેમને જાણકારી નહોતી. યોજના આયોગને ખતમ કરવા અંગે તેમણે કહ્યું કે તે પગલાનો વિરોધ કરી તેઓ કોઈ વિવાદ ઊભો કરવા નહોતા માગતા. તેમણે કહ્યું કે આ સરકારની એક ખૂબ મોટી ભૂલ હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત પ્રણબ મુખર્જીનું માનવું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અસંમતિનો અવાજ પણ સાંભળવો જોઇએ અને વિપક્ષને સમજાવવા તથા દેશને જાણ કરાવવા માટે એક સ્ટેજના રૂપમાં ઉપયોગ કરતા સંસદમાં મોટે ભાગે બોલવું જોઇએ. મુખર્જી અનુસાર સંસદમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ માત્રથી આ સંસ્થાના કામ પર ખૂબ મોટો ફરક પડે છે. દિવંગત મુખર્જીએ પોતાના સંસ્મરણ ધ પ્રેસિડેંસિયલ ઈયર્સ, 2012-2017માં વાતોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આ પુસ્તક ગયા વર્ષે પોતાના નિધન પહેલા લખ્યું હતું. રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તર મંગળવારે બજારમાં આવ્યું છે.