આ ક્રિકેટરે કહ્યું- હારના ડરથી બ્રિસબેન નથી જવા માગતી ટીમ ઈન્ડિયા

બ્રિસબેનના કઠોર બાયો-બબલ નિયમોના કારણે એવી ખબર સામે આવી હતી કે ટીમ ઈન્ડિયા ત્યાં રમવા માટે ઈચ્છુક નથી. તો આ મુદ્દા પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બ્રેડ હેડિનનું અજીબ નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, બ્રિસબેનમાં કોઈપણ ટીમ ઓસ્ટ્રેલિયા સામે જીતી શકતી નથી, માટે હારના ડરથી ટીમ ઈન્ડિયા ત્યાં જવા માગતી નથી. બ્રેડ હેડિને કહ્યું કે બ્રિસબેનનું ગાબા મેદાન ઓસ્ટ્રેલિયા ટીમનું અભેદ કિલ્લો છે અને ત્યાં દરેક વિપક્ષી ટીમ હારે છે અને એવામાં ટીમ ઈન્ડિયા બહાના બનાવી રહી છે.

હેડિનનું વિવાદિત નિવેદન
તેણે કહ્યું કે, જો હું ક્રિકેટના સ્તરે જોઉં તો ભારતીય ટીમ ગાબા શા માટે જવા માગશે? ગાબામાં કોઈ જીતી શકતું નથી. ઓસ્ટ્રેલિયા ત્યાં ખૂબ જ સરસ રીતે ક્રિકેટ રમે છે અને ત્યાં કંગારૂઓ સિવાય કોઈ જીતી શકતું નથી. બીજી વાત એ છે કે ભારતીય ટીમના ખેલાડીઓ ઘણાં લાંબા સમયથી બાયો બબલમાં છે અને તેઓ થાકી ગયા હશે.

હેડિન કહે છે, તમે કોઈ ટેસ્ટ મેચની જગ્યા બદલી શકો નહીં. તમને ઓસ્ટ્રેલિયા આવવા પહેલા જ ખબર હતી કે શું થવાનું છે, ત્યાં કેવા નિયમ અને પ્રતિબંધો છે. તમે જાણતા હતા કે આવું થઈ શકે છે. હા એ વાત સાચી છે કે ખેલાડીઓ આઈપીએલ પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ખાસ્સા લાંબા સમયથી ક્વોરેન્ટાઇન છે, પણ આવું ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે પણ છે. મને લાગે છે કે તેઓ બ્રિસબેનમાં રમવાથી બચી રહ્યા છે.