સુરતમાં કોરોનાથી નિધન પામેલા દર્દીઓના આત્માની શાંતિ અર્થે શાંતિ યજ્ઞ યોજાયો!

2020નું વર્ષ વિદાય લઈ રહ્યું છે, ત્યારે કોરોનાથી સુરત શહેરને બચાવવા માટે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની અથાગ મહેનતને ભૂલી શકાય એમ નથી. અનેક કોરોનાયોદ્ધાઓએ શહેરવાસીઓને સ્વસ્થ રાખવા કોરોના સામે જંગ લડતા લડતાં જીવ ગુમાવ્યા છે, જે સદ્દગત આત્માને શાંતિ મળે, કોરોનામાં જીવ ગુમાવનાર શહેરના તમામ દર્દીઓના આત્માને પણ શાંતિ મળે તેવી ભાવના સાથે સુરત નર્સિંગ અસોસિએશન દ્વારા નવી સિવિલ કેમ્પસમાં શાંતિ યજ્ઞ યોજાયો હતો. શાંતિ યજ્ઞ દ્વારા આવનારૂ નવું વર્ષ 2021 સુરતને કોરોના મહામારી અને અન્ય બીમારીઓથી મુક્તિ મળે, શહેર અને શહેરીજનો સુખી અને સમૃદ્ધ બને તેવા શુભ આશય સાથે યજ્ઞમાં આહૂતિ આપવામાં આવી હતી.

નવી સિવિલ હોસ્પિટલના ડીન ડૉ. ઋતમ્ભરા મહેતા, કોવિડ નોડલ ઓફિસર ડૉ. વિવેક ગર્ગ,ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ અસો.ના અગ્રણી દિનેશ અગ્રવાલ, આસિસ્ટન્ટ આરએમઓ ડૉ. વિનોદ વારલેકર, તબીબો, નર્સિંગ સ્ટાફ, સિક્યોરીટિ ગાર્ડ, સફાઈ કર્મચારીઓની ઉપસ્થિતિમાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિ યજ્ઞમાં શ્રીફળ હોમીને કોવિડ-19ની મહામારી દૂર થાય તે માટે પ્રાર્થના-અર્ચના કરવામાં આવી હતી.

લોકો દર વર્ષે 31 ડિસે.ની ઉજવણી પાર્ટી તેમજ ડી.જે.ના નાચગાન સાથે કરતા હોય છે. ત્યારે સુરતની ‘નિર્મિત ડે કેર સ્કૂલ’ની દિવ્યાંગ વિદ્યાર્થીની હેની રમેશચંદ્ર સંઘવી છેલ્લા સાત વર્ષથી નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે 31 ડિસે.ની ઉજવણી કરે છે. હેનીએ આ વર્ષે કોરોના દર્દીઓ સાજા થઈ નવા વર્ષે પોતાના ઘરે પરત ફરે એવી પ્રાર્થના સાથે યજ્ઞમાં હાજરી આપી હતી. આ વેળાએ સિવિલ અને નર્સિંગ અસોસિએશન સ્ટાફ દ્વારા આકાશમાં ફુગ્ગા ઉડાડીને શાંતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.