ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે 2020નું વર્ષ મેદાન પર ખાસ ન રહ્યું. આ આખા વર્ષમાં વન-ડે, ટવેન્ટી ટવેન્ટી અને ટેસ્ટ મેચ એમ ત્રણેય ફોર્મેટમાં કોહલીની એક પણ ઇન્ટરનેશનલ સદી ન બની શકી. ટીમ ઇન્ડિયાએ કોહલીની આગેવાની હેઠળ ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સીરીઝ ગુમાવી તો ઓસ્ટ્રેલિયામાં રમાયેલી 4 ટેસ્ટ મેચની સીરીઝમાં પહેલી ટેસ્ટમાં ભારતની 8 વિકેટે શરમજનક હાર થઇ. આ ટેસ્ટ મેચમાં તો ભારતીય ટીમ માત્ર 36 રન જ બનાવી શકી.
જે ટીમથી દુનિયાની ટીમો ધ્રુજે છે એવી ભારતીય ટીમની આ બેહદ શરમજનક હાર હતી. એ પછી વિરાટે રજા લીધી અને બીજી ટેસ્ટ મેચ અજિંકય રહાણેના કેપ્ટનશીપ હેઠળ રમાડવામાં આવી અને આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે આઠ વિકેટથી જીત મેળવી લીધી હતી. આ બધા બનાવોને કારણે લિમિટેડ ઓવરની મેચોમાં વિરાટ કોહલીની સરખામણી રોહિત શર્મા અને ટેસ્ટ મેચ માટે અંજિકય રહાણે સાથે થવા માંડી. વિરાટની અન્ય ક્રિકેટરો સાથે સરખામણી થતા ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતોના અભિપ્રાય વ્યકત કર્યો છે.
સચિન તેંડુલકરે પીટીઆઇને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લોકોએ વિરાટની સરખામણીમાં ન પડવું જોઇએ, અજિકય એક અલગ વ્યકતિત્વ ધરાવે છે, તેનો ઉદેશ્ય આક્રમક હતો. તેંડુલકરે કહ્યું હતું કે હું લોકોને યાદ અપાવવા માંગુ છું કે બનેં ખેલાડી ભારતીય છે અને ભારત માટે રમે છે, તો કોઇ પણ વ્યકિતને ભારતથી ઉપર ન રાખી શકાય. ટીમ અને દેશ બધાથી ઉપર છે. તેડુંલકર સામાન્ય રીતે આડેધડ નિવેદનો આપતા નથી, જયારે પણ બોલે ત્યારે સમજી વિચારીને બોલતા હોય છે.