ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, સુરતના સારોલી ગામના 85 વર્ષીય અંબાબેન કાનજીભાઈ પટેલે સિવિલ હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો છે. ઝૈફ વય હોવા છતાં વડીલ વૃદ્ધા સામે કોરોનાએ પીછેહઠ કરવી પડી છે. અંબાબેનની જેમ મોટી વયના સંખ્યાબંધ વડીલો પણ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે. અંબાબેન પટેલ હાલ સારોલી ગામમાં પોતાની દીકરી તરૂણાબેન અને જમાઈ મહેન્દ્રભાઈ પટેલ સાથે રહે છે. અંબાબેન કોરોનામુક્ત થતા ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, ‘ મને તાવ આવતાં જમાઈ અને દીકરી મને પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા હતા. દવા લેવાથી સારૂ થઈ ગયા બાદ ફરી તાવ આવતા તપાસમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તબિયત બગડતાં મને બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલની ઉમદા સારવાર અને દીકરા સમાન તબીબોએ મને 10 દિવસમાં સાજી કરી છે.
અંબાબેનના જમાઈ મહેન્દ્રભાઈ માર્કેટિંગ એજન્સીમાં નોકરી કરે છે. તેઓ સિવિલ તંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, ’28 નવેમ્બરના રોજ મારા સાસુને કોરોનાની આશંકા વચ્ચે તપાસ અને સારવાર કરાવી ત્યારબાદ 3 ડિસેમ્બરના રોજ સાસુ માને ખાનગી તબીબે સિવિલ હોસ્પિટલમાં લઇ જવા માટેની સલાહ આપી હતી. તેઓ બેભાન હાલતમાં હોવાથી અમે સાસુમાં સાજા થઈ પાછા ઘરે આવશે એવી આશા છોડી દીધી હતી. પરંતુ સિવિલના તબીબોની મહેનતથી 3 દિવસમાં તેઓ હોશમાં આવ્યા. કુલ 10 દિવસની સારવારથી એકદમ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. સિવિલમાં ઈશ્વરના દૂત સમાન તબીબો, મેડિકલ સ્ટાફના કારણે આ શક્ય બન્યું છે. સિવિલનો સ્ટાફ માતાની દૈનિક હાલત અને તબિયતમાં આવતાં સુધાર અંગે ફોન કરી જણાવતાં હતા. સારવાર બાદ 12 ડિસેમ્બરના રોજ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલના આરોગ્ય સેનાની ડૉ.અશ્વિન વસાવા, ડૉ.અમિત ગામીત અને ડૉ.અમીરા પટેલ સહિત નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફની સફળ સારવારથી આવા કંઇ કેટલાય દર્દીઓને નવજીવન મળી રહ્યું છે.