વર્ષ 2003ના વર્લ્ડ કપમા ઝિમ્બાબ્વેના ધુરંધર ખેલાડી એંડી ફલાવર (ફલાવર બ્રધરમાંથી એક) અને હેનરી ઓલંગાએ ડેમોક્રેસીના મૃત્યુ ઘંટ જેવી પરિસ્થિતિના વિરોધમાં મેચમાં કાળી પટ્ટી- બ્લેક આર્મબેન્ડ પહેરીને જવાનું નક્કી કર્યું. ઝિમ્બાબ્વેના મેનેજમેન્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી, પાછા દેશમાં પરત ફરશો તો તમારી ખેર નહિ. મુગાબે તમને છોડશે નહીં. હજી કઉ છું પાછા વળો. પણ ફલાવર અને ઓલંગા આમ પાછા વળે એમ ન હતા. આ શૂરવીરો મેદાનમાં ગયા. કોઈની પણ લેશમાત્ર બીક રાખ્યા વગર છડેચોક કાળી પટ્ટી લગાવીને રમ્યા અને મુગાબેના ટોર્ચર વિશે દુનિયાને માહિતગાર કર્યા.
ઓલંગાએ સચિન તેંડુલકરને એક મેચમાં ક્લીન બોલ્ડ કરેલો ત્યારની સચિનને એને ઝૂડી નાખવાની તમન્ના હતી. બીજી જ મેચમાં સચિને ઓલંગાની ઓવર મા ચોક્કા છકકા વાળી કરી અને આ મેચના લીધે ઓલંગા ઘરે ઘરે જાણીતો બન્યો. આ જ લોકપ્રિય ઓલંગા ભારતમા મેચ રમીને જ્યારે ઝિમ્બાબ્વે પરત ગયો ત્યારે મુગાબેએ એની પાછળ સિક્રેટ પોલીસ મૂકી દીધી. તમને જાણીને નવાઈ લાગશે કે મુગાબેના અવમાનનાઓનો આરોપ લાગ્યો એના પર, અને તેની સજા ફાંસી હતી! એંડી ફલાવર હચમચી ગયો. પાછો શ્વેત અંગ્રેજ હોવાથી તેનું તો આવી જ બન્યું તેવો અંદેશો તેને હતો આથી તે પોતાના કુટુંબ ને લઈને ગુપચુપ ઇંગ્લેન્ડ ભાગી ગયો! જ્યારે હેનરી ઓલંગા પોતાની ઓળખ છુપાવતો છુપાવતો ઇંગ્લેન્ડ પહોંચ્યો. આ બંને કહેવાય ભડ ના દીકરા. બહાદુર જે પોતાની ઘાતકી સરકાર સામે તલવારથી નહીં બેટ થી લડ્યા.
2003 બાદ મોટા ભાગના શ્રેષ્ઠ ખેલાડીઓએ વિદાય લીધી અને હવે ટીમમાં ક્લબ કક્ષાનું જ ટેલેન્ટ બચ્યું હતું. કોઈ કેપ્ટન બની મુગાબેની આંખે થવા માંગતું નથી ત્યારે ફકત 16 વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ કરનાર ટટેનડાં ટૈબુએ ફક્ત 21 વર્ષની ઉંમરે સુકાન સાંભળ્યું. પરંતુ આંતર રાષ્ટ્રીય મેચ રમવાનું ઝિમ્બાબ્વેમા ઓછું થઈ ગયું અને આથી જ ઉચ્ચ કક્ષાનો મુકાબલા ન થયો એટલે ખેલાડીઓ અને બોર્ડ બંને આળસુ થઈ ગયા. ટૈબુએ પણ કંટાળીને સન્યાસ લઇ લીધો અને ચર્ચમાં ફાધર (પ્રિસ્ટ) બની ગયો. સંઘર્ષ અને અઘરી પ્રતિસ્પર્ધા વગર ખેલાડીઓ સાધારણ ક્રિકેટ રમવા મંડ્યા અને હવે તો એવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે કે હમણાં થોડા વર્ષ પહેલા ક્વોલિફાઈંગ રાઉન્ડમાં યુનાઇટેડ આરબ અમીરાત સામે પણ 3 રને હારી ગયા છે અને તેથી તેઓ 2019 ના વર્લ્ડ કપમા રમી પણ ન શક્યા.
પરંતુ, કહે છે ને કે, લાખ નિરાશામાં અમર આશા છુપાઈ છે તેમ હજી હિથ સ્ટ્રિક પોતાના દેશની સેવામાં લાગ્યો છે. દુઃખી હૃદયે ધીમેથી કહી રહ્યો છે, હું અને મારું કુટુંબ દેશ છોડી ઈંગ્લેન્ડ સ્થાઈ થયા પરંતુ દેશનો ક્રિકેટમા રકાસ હું સહન ના કરી શક્યો. ભય માથે તોળાતો હોવા છતા ઝિમ્બાબ્વે પાછો આવ્યો. અને નેશનલ કોચ બન્યો. વિચારો! મેં કેટ કેટલાને મનાવ્યાં હશે? આજીજી કરી હશે! મારા દેશ પ્રેમ નું શુ? પેલી બાજુ નાજુક નમણો એંડી ફલાવર ઈંગ્લેન્ડ જેવી માતબર ક્રિકેટ ટીમનો કોચ બન્યો અને ઝિમ્બાબ્વે ક્રિકેટ આગળ આવે એના માટે પણ પ્રયત્નશીલ છે. હેનરી ઓલંગા આમ પણ આફ્રિકન સિંગર જેવો લાગતો હતો, અને બની પણ ગયો. કૉમેન્ટરી કરે અને ગીતો ગાય. પણ, હવે ઝિમ્બાબ્વેની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાજકીય હસ્તક્ષેપ ચરમસીમા પર છે, પૈસે ટકે એટલી હદે ખુવાર છે કે હવે ત્યાં એક ટ્રીલિયન ડોલરની ચલણી નોટ ચલણમાં હોવું સામાન્ય વાત છે. ક્યારેક તો બેગ ભરીને ઝિમ્બાબ્વે ડોલર લઈ જઈએ તો એક બ્રેડ પણ ન મળે તેવી પરિસ્થિતિ છે. જો કે હવે થોડું સુધર્યું છે પણ ક્રિકેટ સિલેક્શનમાં એટલી હદે રાજકારણ અને વહાલા દવલા નીતિ ઘુસી ગઈ છે કે ICC એ ઝિમ્બાબ્વેને આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કર્યું છે. હવે ક્રિકેટ રમવા ICC તરફથી ફંડ નહિ મળે,ટ્રેનીંગ નહિ મળે. પરિસ્થિતિ સાવ વણસી છે. આંતરરાષ્ટ્રીય સંગઠનને એમ છે કે જો તેઓ સ્પોર્ટ્સ માટે ફંડ આપશે તો ઝિમ્બાબ્વે સરકાર એ ફંડ પોતાના માટે વાપરશે અને એટલે જ ICC એ એમને હવે જાકારો આપ્યો છે.
મુગાબે તેના શ્વેત-બ્રિટિશ વિરુધ્ધના ક્વોટ માટે પ્રખ્યાત છે. શ્વેતો ને તે ટોયલેટ ના ટીશ્યું પેપર સાથે સરખાવતો. ઓબામા જ્યારે ‘સેમ જેન્ડર મેરેજ’ થઈ શકે તેવો કાયદો લાવ્યો ત્યારે મુગાબે કહ્યું કે ઓબામા ભાઈ તમને આ કાયદો બરાબર લાગતો હોય તો હરારે (ઝિમ્બાબ્વે) આવો અને મારી સાથે લગન કરી લો. આવા મગજના વિફરેલ સરમુખત્યારના શાસન નો અંત હમણાં જ આવ્યો અને હિથ સ્ટ્રિક રડમસ ચહેરે આશા સેવી રહ્યો છે કે સસ્પેનશન દૂર થાય ને 2023 ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે એટ લિસ્ટ ભાગ લઈ શકે એટલું કાબીલ બને તો ય બઉ..!