ગુજરાતમાં 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે રાજ્ય સરકારના જાહેર દેવાની રકમ ત્રણ લાખ કરોડને પાર હશે. નાણા વિભાગના અંદાજ પ્રમાણે માર્ચ 2021 સુધીમાં રાજ્યનું જાહેર દેવું વધીને 2.96 લાખ કરોડ થવાની ધારણા છે.
નાણા વિભાગના જણાવ્યા પ્રમાણે માર્ચ 2018ના અંતે જાહેર દેવું 2.17 લાખ કરોડ હતું જે માર્ચ 2019ના અંતે વધીને 2.38 લાખ કરોડ થયું હતું. છેલ્લે જ્યારે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે જાહેર દેવું માર્ચ 2020માં વધીને 2.66 લાખ કરોડ થયું છે. જાહેર દેવું એ કોઇપણ સરકાર માટે ચિંતાનો વિષય છે. દેવાના ઘટકો બદલાતાં સરકારને હવે કેન્દ્રની લોન ઓછી મળે છે અને બજાર લોન વધારે લેવી પડે છે.
ગુજરાત સરકારના નાણા વિભાગના એક ડોક્યુમેન્ટમાં જણાવ્યા પ્રમાણે માર્ચ 21માં જાહેર દેવાનો આંકડો 2.96 કરોડ સુધી પહોંચી શકે છે. સરકારના જાહેર દેવામાં બજાર લોન, પાવર બોન્ડ્સ, કેન્દ્ર સરકારની લોન અને પેશગી, નાણાકીય સંસ્થાઓ તેમજ બેન્કો પાસેથી લીધેલી લોન તેમજ એનએસએસએફ લોનનો સમાવેશ થાય છે.
નાણા વિભાગના સૂત્રો જણાવે છે કે 2009 થી 2017ના વર્ષો દરમ્યાન દેવાના ઘટકોમાં ફેરફારો થયા છે જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 11.87 ટકાથી ઘટીને 3.29 ટકા થયું છે. તે જ પ્રમાણે એનએસએસએફ લોનનો હિસ્સો 51.59 ટકાથી ઘટીને 23.26 ટકા થયો છે, જ્યારે બજાર લોનનો હિસ્સો 32.20 ટકાથી વધીને 68.28 ટકા થયો છે. જે બજાર લોન પર વધતી નિર્ભરતા પર પ્રકાશ પાડે છે.
આગામી બે વર્ષમાં એટલે કે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે 2022 સુધીમાં ગુજરાતનું જાહેર દેવું ત્રણ લાખ કરોડને પાર પહોંચી ચૂક્યું હશે જેમાં સૌથી વધુ દેવું બજાર લોન આધારિત હશે. સરકારને જાહેર દેવાની રકમમાં મુદ્દલ અને વ્યાજની ચૂકવણી પણ કરવાની હોય છે.