શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના શેરનો ભાવ કેમ અચાનક ઉછળી ગયો, જાણો

કેન્દ્રની મોદી સરકાર ખાનગીકરણ તરફ વળી છે અને જાહેર ક્ષેત્રની કેટલીક કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચીને મોટી રકમનું ફંડ ભેગું કરવા માંગે છે. ઘણા ક્ષેત્રમાં પ્રાઇવેટ પ્લેયર માટે મોદી સરકાર દરવાજા ખોલી રહી છે. એજ પ્રમાણે સરકારે જાહેર ક્ષેત્રની કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં પોતાનો 63.75 ટકા હિસ્સો વેચવા માટે કાઢયો છે.

નાણાંકિય વર્ષ 2020-21ના ડિસઇન્વેસ્મેન્ટના લક્ષ્યાંકો પૂરા કરવા માટે કેન્દ્રની મોદી સરકાર હવે જાહેર ક્ષેત્રની કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એસસીઆઇ)માં પોતાનો 63.75 ટકા હિસ્સો વેચવા જઇ રહી છે. સરકારે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ખાનગીકરણ માટે 63.75 હિસ્સો ખરીદવા માટે ખાનગી કંપનીઓ અને રોકાણકારો પાસેથી બિડ મંગાવી છે.

સરકારનો મેજોરિટી સ્ટેક ખરીદવા માટે કંપનીઓ 13 ફેબ્રુઆરી સુધીમાં એકસ્પ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જમા કરાવી શકે છે.સરકાર 2020ની શરૂઆતમાં જ એસસીઆઇનો હિસ્સો વેચવા માંગતી હતા, પરંતુ કોરોના મહામારીને કારણે વિલંબ થયો. એસસસીઆઇના ખાનગીકરણની જાહેરાતને પગલે શેરબજારમાં શેરના ભાવમાં 3.81 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો.

કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2020-21માં ડિસઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી 2.10 લાખ કરોડ ઉભા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ સરકાર અત્યાર સુધીમાં નાની કંપનીઓનો હિસ્સો વેચીને માત્ર 11.006 કરોડ રૂપિયા જ ભેગી કરી શકી છે. લક્ષ્યાંકને પૂરા કરવા માટે સરકારે આ પહેલાં બીપીસીએલ અને એર ઇન્ડિયામાં પોતાનો હિસ્સો વેચવા માટે બિડ મંગાવી હતી હવે એસસીઆઇનો હિસ્સો વેચવા માટે ખાનગી કંપનીઓ અને રોકાણકારો પાસે બિડ મંગાવવામાં આવી છે.એસસીઆઇમાં સરકાર પોતાના 29.69 કરોડ ઇકવિટી શેર વેચવાની છે જે કંપનીના હિસ્સાના 63.75 ટકા જેટલો છે. એસસીઆઇ માટે વ્યકિતગત રીતે અથવા કન્સોર્ટિયમના માધ્યમથી બિડ ભરી શકાશે.

શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના હાલનો જે સ્ટોક પ્રાઇસ છે તે મુજબ કંપનીની માર્કેટ વેલ્યુએશન 4,000 કરોડ રૂપિયા થાય છે. એસસીઆઇના ડિસઇન્વેસ્ટની જાહેરાતને પગલે સ્ટોક માર્કેટમાં શેરના ભાવમાં 3.81 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. શેરનો ભાવ સોમવારે 85.80 સુધી પહોંચ્યો હતો. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઇકોનોમિક અફેર્સની કેબિનેટ કમિટીએ એસસીઆઇનો સ્ટોક વેચવા માટે મંજૂરી આપી દીધી હતી. પરંતું કોરોના મહામારીને કારણે વિલંબ થયો હતો.

એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો સરકારે વેચવા કાઢ્યો છે અને તેને ખરીદવા માટે ટાટા ગ્રુપે રસ દાખવ્યો છે, ઉપરાંત અદાણી જેવી મોટી કંપનીઓ પણ એર ઇન્ડિયાના હિસ્સાને ખરીદવા લાઇનમાં છે.