યુવરાજસિંહ ફરી ક્રિકેટ રમતો જોવા મળશે, આ વ્યક્તિએ કરી હતી વિનંતિ, શ્રીસંત પણ…

ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે કે વર્લ્ડ કપના પૂર્વ વિજેતા અને ભારતના ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ક્રિકેટ સંન્યાસનો નિર્ણય ફેરવ્યો છે અને હવે ઘરેલું ક્રિકેટમાં યુવરાજ પાછો ફર્યો છે. બીજી તરફ ઘણા લાંબા સમયથી ક્રિકેટથી દુર રહેલાં શ્રીસંતને પણ તક મળી રહી છે. આવતા મહિને યોજાનારી સૈયદ મુસ્તાક અલી ટી-20 ટ્રોફીમાં પંજાબના 30 સંભવિત ખેલાડીઓમાં યુવરાજ સિંહનું નામ પણ સામેલ છે. તો કેરળની સંભવિત ટીમમાં શ્રીસંતનો સમાવેશ કરાયો છે. વિશ્વ કપ 2011માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા યુવરાજે ગયા વર્ષે જૂન મહિનામાં ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

પંજાબ ક્રિકેટ એસોસિયેશનના સચિવ પુનીત બાલીની વિનંતીને કારણે યુવરાજ પોતાના રાજયમાં ક્રિકેટ રમવા તૈયાર થયા છે. ટીમ ઇન્ડિયા માટે 304 વન ડે, 40 ટેસ્ટ અને 58 ટી-20 રમી ચુકેલા 39 વર્ષના યુવરાજ સિંહ મોહાલીના પીસીએ સ્ટેડિયમ પર હાલના દિવસોમાં પ્રેકટીસ કરતા નજરે પડી રહ્યા છે.યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પ્રેકટીસના વીડિયો પણ શેર કર્યા છે.યુવરાજે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત પછી કેનેડામાં રમાયેલી ગ્લોબલ ટી-20માં ભાગ લીધો હતો.

ભૂતપૂર્વ ઝડપી બોલર અને વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનો હિસ્સો રહી ચુકેલા એસ.શ્રીસંતને પણ આ જ ટૂર્નામેન્ટ માટે કેરળની ટીમ તરફથી તક આપવામાં આવી છે. શ્રી સંત પણ કેરળના 26 સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ છે. ઇન્ડિયન પ્રીમીયર લીગ( આઇપીએલ)માં મેચ ફિકસિંગના કેસ પછી શ્રી સંત પર બીસીસીઆઇએ ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુક્યો હતો. આ વર્ષના સપ્ટેમ્બરમાં તેના પ્રતિબંધની મુદત પુરી થઇ હતી. એવી આશા રાખવામાં આવી રહી છે કે 20થી 30 ડિસેમ્બર દરમ્યાન યોજાનારી શિબિરમાં શ્રીસંત ભાગ લેશે.

પંજાબની ટીમના જે સંભવિત ખેલાડીઓના નામ જાહેર કરાયા છે તેમાં મનદીપ સિંહ, યુવરાજ સિંહ, અભિષેક શર્મા, સલીલ અરોરા ગીતાંશ ખેરા, રમણદીપ સિંહ,સનવીર સિંહ,કરણ કાલિયા, રાહુલ શર્મા,કિશન અલંગ, સંદીપ શર્મા, અર્શદીપ સિંઘ, ઇકજોત સિંહ,નમન ધીર,અભિષેક ગુપ્તા,હિમાંશુ સત્યવાન,ગુરકિરત સિંહ,અનમોલપ્રીત સિંહ,પ્રભાસિમરન સિંહ,નિહલ વડેરા,અનમોલ મલ્હોત્રા, આરૂષ સબરવાલ, અભિનવ શર્મા,હરપ્રીત બરાર,મયંક અરકંદે,બલતેજ સિંઘ,સિદ્ધાર્થ કૌલ,બરિંદર સરન,ગુરનુર સિંહ,હરજાસ,અભિજિત ગર્ગ, કુંવર પંથકનો સમાવેશ થાય છે.

જયારે કેરળની ટીમ તરફથી રોબિન ઉથપ્પા,જલજ સકસેના,સંજૂ સેમસન,વિષ્ણુ વિનોદ,રાહુલ પી,મોહમંદ અઝરુદ્દદીન,રોહન કુન્નુમેલ,સચિન બેબી,સલમાન નિઝાર,બાસિલ થમ્પી,એસ શ્રીસંત,એમડી નિધેશ,કેએમ આસિફ,બાસિલ એનપી,અક્ષય ચંદ્રન,સિજોમોન જોસેફ,મિથુન એસ,અભિષેક મોહન,વત્સલ ગોવિંદ,આનંદ જોસેફ,વીનોપ મનોહરન,મિથુન પીકે,સરીરૂપ,અક્ષય કેસી, રોજિથ, અરૂણ એમ. નો સમાવેશ થાય છે.