કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઇન એર ઇન્ડિયાને ખરીદવા માટે દેશની મોટી કંપનીઓ હોડમાં છે. મીઠાથી લઇને સોફટવેર ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા ગ્રુપે સોમવારે દેવાના બોજ હેઠળ દબાયેલી એર ઇન્ડિયાને ખરીદવા માટે એકસ્પ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ સરકારને સુપરત કર્યું હતું. એર ઇન્ડિયા માટે બીડ ભરવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર છે અને સરકારે અંતિમ મુદત લંબાવી નથી. એર ઇન્ડિયા માટેની બિડીંગ કરવાની મુદત સોમવારે સમાપ્ત થઇ રહી છે ત્યારે એવું જાણવા મળ્યું છે કે, ટાટા ગ્રુપ ઉપરાંત અદાણી અને હિંદુજા ગ્રુપ એર ઇન્ડિયાને ખરીદવામાં રસ દાખવી રહી છે.
કેન્દ્ર સરકારે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં એર ઇન્ડિયામાં પોતાનો 100 ટકા હિસ્સો એ જ નો ફ્રિલ પેટા કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ લિમિટેડની સાથે એર ઇન્ડિયા એસટીએસ એરપોર્ટ સવિર્સીઝ લિમિટેડ 50 ટકા હિસ્સો વેચવા માટે બિડર્સને આમંત્રણ આપ્યું હતું. સરકારે એર ઇન્ડિયા માટે બોલી લગાવનારા માટે ઇન્ટીમેશનની તારીખ વધારીને 5 જાન્યુઆરી કરી દીધી છે, જે પહેલાં 29 ડિસેમ્બર સુધી હતી. આ શોર્ટલિસ્ટ કરાયેલા બિડર્સના નામો જાહેર કરવા માટેની છે.
કેટલાંક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ટાટા ગ્રુપ પોતાની બજેટ એરલાઇન જોઇન્ટ વેન્ચર એર એશિયાનો ઉપયોગ એર ઇન્ડિયાને હસ્તગત કરવામાં કરશે. એવી પણ જાણકારી મળી છે કે ટાટા ગ્રુપ એર એશિયામાં પોતાની હિસ્સેદારી વર્ષ 2020-21ના અંત સુધીમાં વધારીને 76 ટકા કરશે.
વર્ષ 2018માં એક ઇન્ડિયા માટે કોઇ ખરીદદાર સામે આવ્યા નહોતા. તે વખતે સરકારે 76 ટકા હિસ્સો વેચવાનું નક્કી કર્યુ હતું, પરંતુ આ વખતે સરકારે 100 ટકા હિસ્સો વેચવાની વાત કરી છે એટલે કેટલીક કંપનીઓ રસ દાખવી રહી છે. એ ઇન્ડિયા પર 23,286 કરોડ રૂપિયાનું દેવું છે.
એક રસપ્રદ બાબત એ પણ છે કે ટાટા ગ્રુપે 1932માં એર ઇન્ડિયાની સ્થાપના ટાટા એરલાઇન્સના નામે કરી હતી, પરંતુ 1953માં એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ટાટા ગ્રુપ તેમાંથી બહાર નિકળી ગયું હતું. રાષ્ટ્રીયકરણ પછી સરકારે એરલાઇન્સનું નામ એર ઇન્ડિયા કરી નાંખ્યું હતું. એર ઇન્ડિયા આમ ટાટા ગ્રુપનું બેબી બોર્ન હોવાથી એવું માનવામાં આવી રહ્યું છે કે ફરી એક વખત એર ઇન્ડીયા ટાટા ગ્રુપના હાથમાં આવી શકશે. 8.34 લાખ કરોડ રૂપિયાના ટાટા ગ્રુપે એર એશિયાના માધ્યમથી એર ઇન્ડિયાને ખરીદવા માટે એકસ્પ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ રજૂ કર્યુ છે.
બીજી તરફ એર ઇન્ડિયાના 209 કર્મચારીઓએ એક ગ્રુપ બનાવીને ખાનગી ફાયનાન્સરની સાથે ભાગીદારીમાં રાષ્ટ્રીય એર લાઇન માટે બોલી લગાવવાની તૈયારી કરી છે. બોલી લગાવવા માટે દરેક કર્મચારીને રૂપિયા એક એક લાખનું ફંડ એકત્ર કરવા કહેવામાં આવ્યું છે.કર્મચારીઓ વતી બોલી પ્રક્રિયાનું નેતૃત્વ એર ઇન્ડિયાની કોર્મશિયલ ડાયકેરટર મીનાક્ષી મલ્લિક કરી રહી છે.